
- રાજકારણીઓ દુશ્મન બનતા નથી તેઓ માત્ર જનતા રાજનીતિ કરીને પોતાનું ભવિષ્ય ચમકાવે છે: નીતિન પટેલ Vs હાર્દિક પટેલ
એક સમયે હાર્દિક પટેલે નીતિન પટેલને કોંગ્રેસમાં જોડાવાની ઓફર આપીને સાથે કામ કરવાની ઓફર આપી હતી. તે સમયે હાર્દિક પટેલે કહ્યું હતુ કે, નીતિન પટેલનું માન બીજેપીમાં જળવાતું નહોય તો તેઓ કોંગ્રેસમાં જોડાઇ જાય અને સાથે મળીને અહંકારી લોકોની સરકાર સામે લડીશુ. તે ઉપરાંત પાટીદાર આંદોલન વખતે મોટા ભાગે બીજેપી તરફથી નીતિન પટેલે હાર્દિક પટેલ વિરૂદ્ધ નિવેદન આપ્યા હતા. તો તે સમયે હાર્દિક પટેલને કોંગ્રેસનો એજન્ટ અને લુખ્ખો ગણાવવાનું પણ બાકી નીતિન પટેલે રાખ્યું નહતું. તો બીજી તરફ હાર્દિક પટેલે પણ નીતિન પટેલને ટીક-ટીક કાકા અને બીજેપીના ખોળામાં બેસીને સમાજનું નખ્ખોદ કાઢવાનારા ગણાવ્યા હતા.
પાટીદાર આંદોલન વખતે બીજેપીએ બધી જ રીતે નીતિન પટેલને બાજી સંભાળવા માટે આગળ ધરી દીધા હતા. તે સમયે હાર્દિક પટેલ અને નીતિન પટેલે એકબીજા પ્રત્યે અનેક વખત વિવાદાસ્પદ નિવેદન આપ્યા હતા. પરંતુ વર્તમાન સમયની વાત કરીએ તો એક સમયના જાની દુશ્મન એકબીજા સાથે સ્ટેજ શેર કરીને એકબીજાના વખાણ કરતાં થાકતા નહતા.
વાત એમ છે કે, કડી તાલુકાના વિડજ ગામ નજીક જે.કે પાર્ટી પ્લોટ ખાતે સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરાયું હતું, જેમાં ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલ એક જ સ્ટેજ ઉપર ઉપસ્થિત રહ્યાં હતા. ઉલ્લેખનિય છે કે, હાર્દિક પટેલના કારણે જ ક્યાંકને ક્યાંક નીતિન પટેલને ગુજરાતના રાજકારણમાંથી સાઈડલાઈન થવું પડ્યું છે. તો હાલમાં જ નિરમા કંપનીના માલિક કરશન પટેલ દ્વારા પણ આનંદી બેન પટેલને હટાવવા માટે પાટીદાર આંદોલન કરવામાં આવ્યું હોવાનું નિવેદન આપીને ગુજરાતના રાજકારણને ગરમ બનાવી દીધું છે.
સ્નેહ મિલન કાર્યક્રમમાં નીતિન પટેલ અને હાર્દિક પટેલ પોત-પોતાના વિસ્તારમાં કરેલા વિકાસની વાતો કરતાં હતા. જે દરમિયાન નીતિન પટેલે પોતાના મહેસાણાના કડી સહિતના વિસ્તારમાં આવેલી ફેક્ટરીઓના કારણે વધેલા જમીનના ભાવો વધવા અંગે વિસ્તારપૂર્વક વાત કરી હતી. તો વિરમગામનું વિકાસ કડી કરતાં પણ વધારે કરવાની વાત કરી હતી.
આ બધી વાતોમાં સામાન્ય માણસ ક્યાંય દેખાઈ રહ્યો નથી. મહેસાણાના કડી સહિતના વિસ્તારમાં જમીનોના ભાવ તો વધ્યા પરંતુ તેનાથી જમીન માલિકો અને ફેક્ટરી માલિકો સહિત પુંજીપતિઓને તો ફાયદો દેખાય છે પરંતુ ગરીબ અને મધ્યમ વર્ગને શું ફાયદો શું?
એક સમયે નીતિન પટેલ ગુજરાતના ટોચના પાંચ રાજકારણીઓમાંથી એક હતા પરંતુ વર્તમાન સમયમાં તેમની રાજકીય ભૂમિકામાં મોટો ઘટાડો નોંધાયો છે. વર્ષો સુધી ભાજપમાં રહીને જનતાની અને સમાજની સેવાની વાત કરતાં નીતિન પટેલ સીએમ પદના દાવેદાર હોવા છતાં તેઓ તેનાથી વંચિત રહ્યાં હતા. તો બીજેપીના રાજમાં સામાન્ય વ્યક્તિઓ માટે કોઈ નેતા કામ કરી શકે છે ખરૂં?
પાટીદાર અનામત આંદોલનનો મેન લિડર એવો હાર્દિક પટેલ વર્તમાન સમયમાં બીજેપીમાં વિરમગામનો ધારાસભ્ય છે. હાલમાં તે પોતાના વિસ્તારના વિકાસની વાતો કરી રહ્યો છે, તો એક સમયે પોતાના શહીદ જવાનોને ન્યાય અપાવવાની વાતો કરતો હતો. ન્યાય તો અપાવી શક્યો નહીં પરંતુ તે વર્તમાન સમયમાં એક વેલસેટ પાર્ટીનો ધારાસભ્ય બનીને જીવનભરના રોટલા-ઓટલા સહિત તમામની સુખ-સગવડ ઉભી કરી લીધી છે.
કહેવાનો અર્થ એટલો જ છે કે, વર્તમાન સમયમાં કોઈપણ નેતા ઉપર આંખો બંધ કરીને વિશ્વાસ મૂકવો જનતાને ભારે પડી શકે છે. ગુજરાતમાં તો આપણે પાછલા ત્રણ દાયકાથી વિશ્વાસ મૂકી જ રહ્યાં છીએ અને તેના કારણે મોંઘવારી, બેકારી, શિક્ષણનું વ્યાપારીકરણ, ગુનાહિત પ્રવૃત્તિઓ સહિતની અનેક સમસ્યાઓ સામે ઝઝૂમી રહ્યાં છીએ. રાજકારણમાં આજે જે દુશ્મન છે, તેઓ કાલે દોસ્ત બની જશે પરંતુ તમે જો કોઈ નેતાના કહેવાથી કોઈનું અહિત કર્યું તો સમજો જીવનભર જેલ અથવા પસ્તાવા સિવાય બીજું કંઈ જ ભાગ આવે તેમ નથી.
સર્વશ્રેષ્ટ ઉદાહરણ તો નીતિન પટેલ અને હાર્દિક પટેલ જ છે. કેમ કે પાટીદાર અનામત આંદોલન વખતે આ બંને મહાનુભવો બિલાડીઓની જેમ લડતા આપણે જોઈ ચૂક્યા છીએ. પરંતુ વર્તમાન સમયમાં શું પરિસ્થિતિ છે? તેઓ એકદમ શાંતિથી એકબીજા સાથે મંચ શેર કરી રહ્યા છે. તેથી રાજકારણીઓની દરેક વાતને ગંભીરતાથી લઈને તેમના અંધભક્ત બની જઈને પોતાના વિચારો સાથે સહમત નહોય તેવા લોકોને દુશ્મન ગણવા જોઈએ નહીં. તેમાંય ખાસ કરીને મુસ્લિમોને દુશ્મન અને ખરાબ ગણનારાઓને જાગૃત થવાની ખુબ જ જરૂરત છે.
હાર્દિક પટેલે એક વખત ફરીથી સમાજની ભલાઈ કરવાની વાત કરી…
આ કાર્યક્રમમાં વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલે જણાવ્યું હતું કે હમણાં સમાજના યુવાનો ઉત્સાહમાં ઘણુંબધું કહેતા હોય છે. ત્યારે હું અને નીતિનભાઈ હમણાં વાત કરતા હતા કે આવું બધું બોલી જાય ત્યારે ઘણું બધું અટકી જતું હોય છે, હમણાં હું અને સાહેબ ચિંતા કરતા હતા કે, તમારો ઉત્સાહ અને પ્રેમ ખૂબ જ સારો હોય છે પરંતુ એ ઉત્સાહ અને પ્રેમ બંધ મુઠ્ઠીમાં રહે, એ બંધ મુઠ્ઠીથી આપણે એકબીજાને સહયોગ કરીએ તો વિશેષ લાભ સમાજને અને રાજ્યના લોકોને પણ મળશે.
હાર્દિક પટેલે સંચાલકની વાતને ટાંકતાં કહ્યું હતું કે સંચાલકે એક સારી વાત કરી કે કડીને સોનાની દડી બનાવવા માટે નીતિન પટેલનો ખૂબ જ મોટો રોલ છે, એ આખું ગુજરાત જાણે છે. સાથે સાથે વિરમગામ, માંડલ, દેત્રોજ આજુબાજુના લોકો મોટા પ્રમાણમાં કડીમાં રહેવા માટે આવ્યા છે, પણ સાહેબની હાજરીમાં એક ગુસ્તાખી કરીએ છીએ કે સાહેબ તમારા બધાના આશીર્વાદથી ખૂબ લાંબો સમય વિરમગામ, દેત્રોજ, માંડલનો સેવા કરવાનો અવસર મળશે તો કડીને પણ ટક્કર મારે એવું વિરમગામ, દેત્રોજ, માંડલનો વિસ્તાર બનાવીશું. કડી હજુ પણ આનાથી વધુ સારું બને તે દિશામાં આગળ વધવું છે.
નીતિન પટેલે કહ્યું કે- પહેલા મંત્રી બનો
હાર્દિક પટેલ મુખ્યમંત્રી બને તેવી શુભકામનાઓ સમાજના ઉત્સાહી આગેવાનો તેમજ કાર્યકર્તાઓએ આપી હતી એ બાબતે નીતિન પટેલે કહ્યું કે, જે સંચાલકે ખૂબ મોટી શુભકામના આપી દીધી બહુ મોટું સ્ટેજ આપી દીધું. એ અત્યારે હું નહીં બોલું પણ અત્યારે હું કહીશ પહેલું સ્ટેજ મંત્રીનું આવે છે, એટલે પહેલા મંત્રી બને એવી ઉમિયા માતાજીને પ્રાર્થના કરીએ અને બીજું સ્ટેજ જ્યારે આવે ત્યારે આવે પણ એ સ્ટેજ આવતા તો બહુ વાર લાગે પણ પહેલું સ્ટેજ વહેલું આવે.
આમ રાજકારણીઓ અત્યારે ભેગા તો કાલે છૂટા પડી શકે છે. રાજકરણીઓ એકબીજાનો વિકાસ દેખી શકતા નથી. તો તેઓ પોતાના વિકાસ માટે જનતાને એક થવા પણ દેતા નથી. તેથી રાજકારણીઓ વ્યવસ્થિત કામ કરે તે માટે જનતાને એક થવું પડે છે. જનતા એક થશે તો જ વિકાસના માર્ગે આગળ વધાશે. નહીં તો અત્યારે જેવી રીતે ગુજરાતની જનતા અદ્રશ્ય ગુલામીમાં જીવન જીવે છે, તે આગામી સમયે સપાટી ઉપર આવતા વાર લાગશે નહીં.
આ પણ વાંચો-NARMADA: હરસિધ્ધિ માતાના મંદિ સામે પાલિકાએ કરી તોડફોડ, ચૈતર વસાવાએ ઘટનાસ્થળે