
દેશમાં મોંઘાવારીનો આલમ છે. જોકે, આ વચ્ચે દેશના નાણામંત્રી વીણી-વીણીને ટેક્સ ઉઘરાવવાનું કામ કરી રહી છે. હવે નાણામંત્રી નિર્મલા સીતારમણે બાળકોની ફેવરેટ વસ્તુ પોપકોર્ન ઉપર પણ પાંચ ટકાથી લઈને 18 ટકા સુધીનું જીએસટી લગાવી દીધું છે. તો બીજી તરફ તમે તમારી જૂની ગાડીનું વેચાણ કરશો તો પણ હવે 18 ટકા ટેક્સ ચૂકવવો પડશે. આમ તમે સવારે ઉઠો ત્યારથી લઈને રાત્રે ઉંઘવા સુધી જેટલી પણ ચીજ-વસ્તુઓનો ઉપયોગ કરો છો તે દરેક વસ્તુઓ પર તમારે જીએસટી ચૂકવવો પડશે. આ લિસ્ટમાં હવે તમારૂં જૂનું વાહન અને બાળકોના પોપકોર્ન પણ જોડાઈ ગયા છે.
નિર્મલા સીતારમણના કાર્યકાળને અંગ્રેજોના કાર્યકાળ સાથે સરખાવવામાં આવશે તો અયોગ્ય ગણાશે નહીં. કેમ કે એક તરફ દેશવાસીઓને માળખાકીય સુવિધાઓ આપવામાં આવી રહી નથી તો બીજી તરફ તેમના પાસેથી ચારે તરફથી જીએસટીના રૂપમાં વિકાસના નામે ટેક્સના પૈસા ઉઘરાવવામાં આવી રહ્યા છે. વિકાસના નામે સત્તામાં આવેલ બીજેપીએ લોકોનું જીવન ખુબ જ જટિલ બનાવી દીધું છે. એક તરફ બેરોજગારી વધી રહી છે તો બીજી તરફ મોંઘવારી પોતાની ચરમ ઉપર છે. તેવામાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકોનું જીવન દોહિલું બની ગયું છે. તે છતાં પણ પ્રતિદિવસ અવનવા ટેક્સ લોકો ઉપર નાંખવામાં આવી રહ્યા છે. તો આવો જાણીએ નિર્મલા સીતારમણે પોતાની પ્રેસ કોન્ફ્રન્સમાં ટેક્સને લઈને કેટલી જાહેરાતો કરી છે.
રાજસ્થાનના જેસલમેરમાં જીએસટી કાઉન્સિલની 55મી બેઠક યોજાઈ હતી. જેમાં રાજ્ય તથા કેન્દ્ર સરકારે ટેક્સને લઈને મોટા નિર્ણય લીધા છે. બેઠક બાદ નાણામંત્રી નિર્મલા સીતારમણે પત્રકાર પરિષદ કરીને વિવિધ જાહેરાતો કરી તથા ટેક્સને લઈને અમુક મુદ્દાઓ પર સ્પષ્ટતા પણ આપી હતી.
નાણામંત્રીએ કહ્યું હતું, કે હાલ સાદા પોપકોર્ન અને કેરેમલાઇઝ્ડ પોપકોર્ન અમુક રાજ્યોમાં નમકીનના રૂપમાં વેચવામાં આવી રહ્યા છે. કેરેમલાઇઝ્ડ પોપકોર્નમાં ખાંડ હોય છે, તેથી તેના પર અલગ ટેક્સ લાગુ થશે.’ પોપકોર્ન પર હવે 5 ટકા, 12 ટકા અને 18 ટકા એમ ત્રણ અલગ અલગ કેટેગરીમાં ટેક્સ લાગશે. સાદા નમકવાળા પોપકોર્ન પર પાંચ ટકા, પેકેજ્ડ પોપકોર્ન પર 12 ટકા તથા કેરેમલવાળા પોપકોર્ન પર 18 ટકા GST લાગશે.
જૂના વાહનો વેચશો તો હવે લાગશે 18 ટકા GST
આજે બેઠક દરમિયાન માહિતી સામે આવી હતી કે હવેથી જૂના વાહનો વેચવા પર 18 ટકા GST લાગશે. જોકે નાણામંત્રી સ્પષ્ટતા સાથે જણાવ્યું છે, કે હાલમાં નવા ઈલેક્ટ્રિક વાહનો પર પાંચ ટકા ટેક્સ લાગે છે. પણ જો હવેથી કોઈ કંપની ઈલેક્ટ્રિક, પેટ્રોલ કે ડીઝલ ગાડીઓ વેચશે તો જૂની કાર વિક્રેતાએ માર્જિન મૂલ્ય પર 18 ટકા GST આપવો પડશે. જોકે જો કોઈ સામાન્ય વ્યક્તિ બીજા કોઈ વ્યક્તિને વાહન વેચે છે તો તેને કોઈ ટેક્સ ભરવાનો રહેશે નહીં.
હોટલોમાં અને ઓનલાઈન ભોજન સસ્તું થશે નહીં
ઝોમેટો, સ્વીગી જેવી એપ્સ પર ઓનલાઇન ફૂડ ઑર્ડર કરવા પર GST ઓછા કરવા મુદ્દે કોઈ રાહત આપવામાં આવી નથી. હોટલ કે રેસ્ટોરન્ટમાં ભોજન પર GST 18 ટકાથી ઘટાડીને પાંચ ટકા કરવાનો પ્રસ્તાવ હતો, જોકે તેમાં પણ કોઈ રાહત આપવામાં આવી નથી.
ફ્લોર સ્પેસ ઇન્ડેક્સ પર કોઈ નિર્ણય નહીં
GSTની મીટિંગમાં ફ્લોર સ્પેસ ઇન્ડેક્સ પર રિવર્સ ચાર્જ હોવો જોઈએ કે નહીં તેના પર ચર્ચા થઈ હતી, જોકે કોઈ નિર્ણય સુધી પહોંચી શકાયું ન હતું. સીતારમણે કહ્યું છે, કે માનવામાં આવે છે કે ભૂમિ રાજ્યનો વિષય છે અને નિર્ણય લઈશું તો નગરપાલિકાની આવક પર તેની સીધી અસર થશે.
ચિકિત્સા માટે મોટો નિર્ણય
જીન થેરેપીને GSTના દાયરામાંથી બહાર કરવામાં આવી છે. જીન થેરેપીએ એક આધુનિક અને મેડિકલ ફિલ્ડમાં વિકાસ પામતી સારવાર પદ્ધતિ છે, જેમાં રોગોની સારવાર અથવા પ્રતિરોધ માટે ડીએનએ (DNA) અથવા જિન (Gene)નું ઉપયોગ થાય છે.
આ પદ્ધતિ હેઠળ, જીવસ્નાયુઓ (Genes) ને અથવા તો તેમના કાર્યમાં ફેરફાર કરવો કે સુધારો કરવોનો ઉદ્દેશ હોય છે. એ એવી વિધિ છે જેમાં વ્યક્તિના કોષોમાં જિનને ઉમેરવામાં આવે છે અથવા ખરાબ જિનને સુધારવામાં આવે છે. આ સારવાર રેર કેસોમાં જ કરવામાં આવે છે. તો આ ખુબજ મોંઘી ટેક્નોલોજી છે.
ખેડૂતો હવે કાળી મરી અને દ્રાક્ષના કિશમિશના વેપાર પર કોઈ GST લેવામાં આવશે નહીં. હવેથી બે હજાર રૂપિયાથી ઓછું પેમેન્ટ કરતાં પેમેન્ટ એગ્રીગેટર્સને GSTમાં છૂટ આપવામાં આવશે. જો તેઓ લાંબા સમય માટે NBFCથી લોન લે છે તો પિનલ ચાર્જ પર પણ GST લાગશે નહીં.
વિમા ઉપર લગાવેલા GSTને ન કરવામાં આવ્યું ઓછું
બેઠક પહેલાં આશા હતી કે હેલ્થ, ટર્મ અને લાઇફ ઇન્શ્યોરન્સના પ્રીમિયમ પર લાગતા GSTમાં રાહત મળશે. જોકે આજની બેઠકમાં આ મુદ્દે ચર્ચા તો થઈ પણ કોઈ જ રાહત આપવામાં આવી નથી. નોંધનીય છે કે પ્રીમિયમ પર 18 ટકા GST લાગે છે.
નાની કંપનીઓની રજિસ્ટ્રેશન પ્રોસેસ સરળ કરવામાં આવશે
નાની કંપનીઓને રજિસ્ટ્રેશનમાં ઘણી સમસ્યાઓ આવી રહી છે. એવામાં હવે તેમાં સરળતા માટે સરકારે કોન્સેપ્ટ નોટ તૈયાર કર્યો છે. જેના માટે કાયદામાં ફેરફાર કરી નવી રજિસ્ટ્રેશન પ્રોસેસ સરળ કરવામાં આવશે. આજે આ કોન્સેપ્ટ નોટને સૈદ્ધાંતિક મંજૂરી આપી દીધી છે.
અન્ય કયા નિર્ણય લેવાયા
સીતારમણે જણાવ્યું હતું, કે ઓનલાઇન ગેમિંગ પર ટેક્સ મુદ્દે કોઈ ચર્ચા કરવામાં આવી નથી. ફોર્ટિફાઇડ ચોખા પર GST ઘટાડીને 5 ટકા કરવામાં આવ્યો છે. 50 ટકાથી વધુ ફ્લાઇ એશવાળા એ.સી.સી. બ્લોક પર GST 18 ટકાથી ઘટાડીને 12 ટકા કરવામાં આવ્યો છે.









