
આંબેડકર મુદ્દે અમિત શાહના નિવેદન મામલે ગુજરાત યુનિવર્સિટી બહાર આજે NSUI દ્વારા વિરોધ કરાયો હતો. NSUIના વિરોધ અગાઉ જ સમગ્ર યુનિવર્સિટી વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાઇ ગયો હતો.

NSUIના કાર્યકરો હાથમાં બેનર સાથે વિરોધ માટે આવી રહ્યા હતા. જોકે ગુજરાત યુનિવર્સિટીના ગેટ સુધી કાર્યકરો પહોંચે તે પહેલા પોલીસ દ્વારા તમામ કાર્યકરોની ટીંગાટોળી કરી લઈ ગઈ હતી.
આંબેડરનું અપવાન થતાં આત્મવિલોપનની ચીમકી
રાજકોટના દલિત આગેવાન શૈલેષ મોભેરાએ આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી છે. તેણે કલેક્ટરને આવેદન આપી જણાવ્યું છે કે ગૃહમંત્રી અમિત શાહે ચાલુ સંસદ સત્રમાં એવી ટિપ્પણી કરી છે કે, બાબા સાહેબ, બાબા સાહેબ, બાબા સાહેબ બોલવું અત્યારે ટ્રેન્ડ બની ગયો છે. તેને બદલે સાત વખત ભગવાનનું નામ લો તો તમે સ્વર્ગ પામો. આ નિવેદનથી સમગ્ર દલિત સમાજની લાગણી દુભાઈ છે. જેથી અમિત શાહ સમગ્ર દલિત સમાજની જાહેરમાં માફી માગે તેવી માંગ છે. જો માફી નહીં માગે તો 48 કલાક બાદ રાજકોટના સિવિલ હોસ્પિટલ ચોક ખાતે આત્મવિલોપન કરવાની ચીમકી ઉચ્ચારી છે. ગૃહ મંત્રી અમિત શાહના આ નિવેદન પર વિપક્ષી પાર્ટીઓએ પણ ભારે વિરોધ નોંધાવ્યો છે.
અમિત શાહના આ નિવેદન પર થયો વિવાદ
ગત મંગળવારે અમિત શાહે પોતાના ભાષણ દરમિયાન ડૉ. બી.આર. આંબેડકરના વારસાનો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે આજકાલ આંબેડકરનું નામ લેવાની ફૅશન થઈ ગઈ છે. વધુમાં કહ્યું હતુ કે “હવે આ એક ફૅશન થઈ ગઈ છે. આંબેડકર, આંબેડકર, આંબેડકર, આંબેડકર… જો આટલી વખત ભગવાનનું નામ લીધું હોત તો સ્વર્ગ મળી ગયું હોત.” અમિત શાહના સમગ્ર ભાષણના આ એક ભાગ ઉપર ભારે વિવાદ થઈ રહ્યો છે.





