
- ભારત આવેલા યુએસ ઇન્ટેલિજન્સના ચીફ તુલસી ગબાર્ડેને મળ્યા રાજનાથ સિંહ; પન્નુ સામે કાર્યવાહી કરવા અપીલ
રાયસીના ડાયલોગમાં ભાગ લેવા માટે યુએસ ઇન્ટેલિજન્સ ચીફ તુલસી ગબાર્ડ દિલ્હી પહોંચી ગયા છે. સોમવારે તેઓ સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહને મળ્યા. તુલસી ગબાર્ડ સાથેની મુલાકાત દરમિયાન રાજનાથ સિંહે પ્રતિબંધિત ખાલિસ્તાની સંગઠન શીખ ફોર જસ્ટિસ (SFJ)ની ભારત વિરોધી પ્રવૃત્તિઓનો મુદ્દો ઉઠાવ્યો અને આતંકવાદી સંગઠન સામે કડક કાર્યવાહી કરવાની અપીલ કરી છે.
પન્નુ સામે કાર્યવાહી કરવા અપીલ
સમાચાર એજન્સી ANI દ્વારા સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર, તુલસી ગબાર્ડ સાથેની મુલાકાત દરમિયાન, સંરક્ષણ મંત્રીએ ગુરપતવંત સિંહ પન્નુના નેતૃત્વ હેઠળના SFJ પર ભારતની ચિંતા વ્યક્ત કરી અને અમેરિકાને આ સંગઠન સામે કડક કાર્યવાહી કરવા કહ્યું છે. ભારત દેશમાં પ્રતિબંધિત SFJ સામે મજબૂત વૈશ્વિક કાર્યવાહી માટે સતત દબાણ કરી રહ્યું છે. પરંતુ આ આતંકવાદી સંગઠન હજુ પણ વિદેશમાં સક્રિય છે.
આ પગલું ખાલિસ્તાની ઉગ્રવાદનો સામનો કરવા અને આતંકવાદી ભંડોળનો સામનો કરવા માટે વૈશ્વિક સહયોગ મેળવવાના ભારતના પ્રયાસોનો એક ભાગ છે. આ બેઠકમાં સંરક્ષણ મંત્રીએ પાકિસ્તાન સ્થિત આતંકવાદી નેટવર્ક સાથે SFJના સંબંધો વિશે વાત કરી અને ગબાર્ડને અલગતાવાદી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવામાં સંગઠનની ભૂમિકા વિશે માહિતી આપી હતી. આ બેઠક એવા સમયે થઈ રહી છે જ્યારે યુએસ પ્રોસિક્યુટર્સે ગયા વર્ષે નવેમ્બરમાં પન્નુની હત્યાના કાવતરામાં કથિત સંડોવણી માટે ભારતીય નાગરિક નિખિલ ગુપ્તા અને અન્ય એક કથિત ભારતીય સરકારી અધિકારી પર આરોપ મૂક્યો હતો.
ભારતે પન્નુની હત્યાના કથિત પ્રયાસમાં કોઈપણ ભૂમિકા હોવાનો સ્પષ્ટપણે ઇનકાર કર્યો છે અને આ મામલે ઉચ્ચ સ્તરીય તપાસ શરૂ કરી છે. પન્નુ યુનાઇટેડ સ્ટેટ્સ અને કેનેડાની બેવડી નાગરિકતા ધરાવે છે અને આતંકવાદના આરોપોમાં ભારતમાં વોન્ટેડ ગુનેગાર છે. તેને કડક આતંકવાદ વિરોધી કાયદા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમ (UAPA) હેઠળ આતંકવાદી જાહેર કરવામાં આવ્યો છે.
સંરક્ષણ સહયોગ વધારવા પર ચર્ચા
ટેરિફના મુદ્દા પર બોલતા તુલસી ગબાર્ડે કહ્યું કે તેને સકારાત્મક રીતે જોવાની જરૂર છે. તેમણે કહ્યું કે તેમાં કોઈ શંકા નથી કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારતના અર્થતંત્ર અને ભારતના લોકોના હિતોનું ધ્યાન રાખી રહ્યા છે. એ જ રીતે રાષ્ટ્રપતિ ટ્રમ્પ પણ અમેરિકા અને તેના લોકોના હિતોને આગળ ધપાવી રહ્યા છે. ગબાર્ડે કહ્યું કે પીએમ મોદી અને રાષ્ટ્રપતિ ટ્રમ્પ એક સારા ઉકેલ તરફ આગળ વધી રહ્યા છે. બંને દેશોના નેતાઓ વધુ સારી સમજ ધરાવે છે અને વધુ સારા ઉકેલો શોધવા સક્ષમ છે.
ગબાર્ડ રવિવારે વહેલી સવારે ત્રણ દિવસની મુલાકાતે રાષ્ટ્રીય રાજધાની પહોંચ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટીતંત્રના કોઈ ઉચ્ચ અધિકારીની આ પહેલી ઉચ્ચ સ્તરીય ભારત મુલાકાત છે. સોમવારે તેઓ રાજનાથ સિંહને મળ્યા અને ભારત-અમેરિકા વ્યૂહાત્મક સંબંધોને વધારવા, ખાસ કરીને સંરક્ષણ અને માહિતીની આપ-લેના ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરવા પર વ્યાપક વાટોઘાટો કર્યો હતો.
એક્સ પર એક પોસ્ટમાં રાજનાથ સિંહે કહ્યું કે, તેઓ ગબાર્ડને મળીને ખુશ છે અને તેમણે ભારત-અમેરિકા ભાગીદારીને વધારે ઊંડી કરવાની રીતો પર ચર્ચા કરી. તેમણે કહ્યું કે, નવી દિલ્હીમાં અમેરિકન રાષ્ટ્રીય ગુપ્ત નિર્દેશક તુલસી ગબાર્ડ સાથે મુલાકા કરીને ખુશી થઈ. અમે ભારત-અમેરિકા ભાગીદારીને વધુ ગાઢ બનાવવાના હેતુથી સંરક્ષણ અને માહિતીની આપ-લે સહિતના વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી હતી.
રાજનાથ સિંહ અને તુલસી ગબાર્ડ વચ્ચેની આ વાતચીત એવા સમયે થઈ છે, જ્યારે એક દિવસ પહેલા જ તેઓ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજિત ડોભાલને મળ્યા હતા અને રાષ્ટ્રીય રાજધાનીમાં ભારત દ્વારા આયોજિત વૈશ્વિક ગુપ્તચર નિષ્ણાતોના પરિષદમાં ભાગ લીધો હતો. NSA ડોભાલ અને ગબાર્ડે રૂબરૂ મુલાકાતમાં મુખ્યત્વે ભારત-અમેરિકા વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારીને ધ્યાનમાં રાખીને ગુપ્ત માહિતીની આપ-લેને મજબૂત બનાવવા અને સુરક્ષા ક્ષેત્રમાં સાથે મળીને કામ કરવાના માર્ગો પર ચર્ચા કરી.