
- રેખા ગુપ્તા દિલ્હીના 9મા અને ચોથા મહિલા મુખ્યમંત્રી; પ્રવેશ વર્મા સહિત 6 મંત્રીના શપથ
દિલ્હીમાં આજથી ‘રેખા સરકાર’. શાલીમાર બેઠક પરથી પહેલી વાર ધારાસભ્ય બનેલા રેખા ગુપ્તાએ ગુરુવારે દિલ્હીના રામલીલા મેદાનમાં શપથ લઈ લીધા છે. તેઓ રાજ્યના 9મા મુખ્યમંત્રી અને દિલ્હીના ચોથા મહિલા મુખ્યમંત્રી બન્યા છે.
સુષ્મા સ્વરાજ, શીલા દીક્ષિત અને આતિશી દિલ્હીના મહિલા મુખ્યમંત્રી તરીકે કામ કરી ચૂક્યા છે. શપથગ્રહણમાં પીએમ મોદી અને અમિત શાહ ઉપરાંત 21 ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી પણ હાજર રહ્યા હતા. આપ નેતા અરવિંદ કેજરીવાલ અને આતિશીને આમંત્રણ મળ્યું હોવા છતાં શપથ સમારોહમાં હાજર રહ્યા ન હતા.
પ્રવેશ વર્મા સહિત 6 મંત્રીઓએ પણ શપથ લીધા. રેખા ઉપરાંત 6 અન્ય મંત્રીઓએ પણ શપથ લીધા. આમાં અરવિંદ કેજરીવાલને હરાવનાર પ્રવેશ વર્મા, આશિષ સૂદ, મનજિંદર સિંહ સિરસા, રવિન્દ્ર ઇન્દ્રરાજ સિંહ, કપિલ મિશ્રા અને પંકજ કુમાર સિંહનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો- Gujarat Budget 2025-26: શાળામાં ભણવાની સાથે બળકોને પોષણ પુરુ પાડવા સરકારની હાકલ, રુ.617 કરોડની જોગવાઈ
શપથ લેતા પહેલા રેખા ગુપ્તાએ ગુરુવારે સવારે મીડિયાને કહ્યું, ‘આ એક મોટી જવાબદારી છે. મારામાં વિશ્વાસ દર્શાવવા બદલ હું પીએમ મોદી અને પાર્ટી હાઇકમાન્ડનો આભાર માનું છું. મેં ક્યારેય વિચાર્યું ન હતું કે હું દિલ્હીની મુખ્યમંત્રી બનીશ. હું શીશમહેલમાં નહીં રહું.
દિલ્હીના મુખ્યમંત્રીના સત્તાવાર નિવાસસ્થાનનું નામ ભાજપે શીશમહેલ રાખ્યું હતું. અરવિંદ કેજરીવાલે તેને બનાવડાવ્યું હતું. ભાજપનો આરોપ છે કે કેજરીવાલે નિયમોનું ઉલ્લંઘન કરીને તેને બનાવવામાં કરોડો રૂપિયા ખર્ચ્યા હતા. ભાજપે તેને ચૂંટણી મુદ્દો પણ બનાવ્યો હતો.