
- રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ 100-200 રૂપિયાની નવી નોટને લઈને કરી મહત્વપૂર્ણ જાહેરાત
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ 100-200 રૂપિયાની નવી નોટ બહાર પાડવાની મોટી જાહેરાત કરી છે. જોકે, આ જાહેરાત કરતી વખતે આરબીઆઈ દ્વારા કોઈ તારીખ કે ચોક્કસ સમય વિશે માહિતી આપી નથી. પોતાની જાહેરાતમાં કહેવામાં આવ્યું છે કે, આગામી ટૂંક સમયમાં 100 રૂપિયા અને 200 રૂપિયાના મૂલ્યની નવી નોટો જાહેર કરવામાં આવશે. તે ઉપરાંત તેમને કહ્યું કે, આ નવી નોટોની ડિઝાઈનમાં કોઈ જ ફેરફાર કરવામાં આવ્યો નથી.
સેન્ટ્રલ બેન્ક અનુસાર, આ વર્ષોથી ચાલી આવતી એક સામાન્ય પ્રક્રિયા છે. જે હેઠળ દરેક નવા ગવર્નરની નિમણૂક બાદ તેમના હસ્તાક્ષરવાળી નોટો જારી કરવામાં આવે છે. આરબીઆઈ સમયાંતરે પોતાના નવનિયુક્ત ગવર્નરના હસ્તાક્ષર સાથે નવી નોટ બહાર પાડે છે. નવા આરબીઆઈ ગવર્નરની નિમણૂક પછી નવી નોટો બહાર પાડવી એ નિયમિત પ્રક્રિયા છે. આ નવી નોટો ટૂંક સમયમાં ચલણમાં આવી જશે. સંજય મલ્હોત્રાએ ડિસેમ્બર 2024માં RBIના 26મા ગવર્નર તરીકે શક્તિકાંત દાસનું સ્થાન લીધું છે. તેથી હવે નવી નોટો ઉપર તેમની સિગ્નેચર હશે.
સેન્ટ્રલ રિઝર્વ બેન્કે કહ્યું છે કે અગાઉ જારી કરાયેલી તમામ રૂ. 100 અને રૂ. 200 ની નોટો કાયદેસર રહેશે. તે ઉપરાંત આરબીઆઈએ સંજય મલ્હોત્રાના સહીવાળી 50 રૂપિયાની નવી બેન્ક નોટ જારી કરવાની પણ જાહેરાત કરી છે. 50 રૂપિયાની નોટો પણ મહાત્મા ગાંધી (નવી) સિરીઝની હાલની ડિઝાઇનની હશે. ચલણમાં રહેલી જૂની નોટોની માન્યતા પર કોઈ અસર પડશે નહીં. આનો અર્થ એ છે કે કોઈપણ પ્રકારની નોટબંધી કરવામાં આવી રહી નથી.
સેન્ટ્રલ બેન્કે એ પણ પુષ્ટિ કરી હતી કે પહેલાથી જારી કરાયેલી તમામ નોટ કાનૂની ટેન્ડર અને માન્ય રહેશે. આ નવી નોટો પર માત્ર RBI ગવર્નર મલ્હોત્રાના અપડેટેડ હસ્તાક્ષર હશે અને અન્ય કોઈ ફેરફાર થશે નહીં.