
SIR process: દેશમાં 21 વર્ષ બાદ SIR પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે અનેચુંટણી પંચ દ્વારા તેને એક મોટું પગલું માનવામાં આવી રહ્યું છે તો બીજી તરફ વિપક્ષ સહિત કેટલાક જાગૃત નાગરિકો SIR નો વિરોધ કરી રહયા છે અને ચૂંટણી પંચ અને કેન્દ્ર સરકારની ટીકા કરી કરોડો મતદારોના નામો ગાયબ કરી દેવાની ઝુંબેશ ગણાવી રહયા છે તેમના મતે વિપક્ષના મતદારો ગાયબ કરી દેવાશે પરિણામે ભાજપ માત્ર પોતાના વોટરોના કારણે બહુમતીમાં રહેશે અને રાજ કરશે.
આરોપ લગાવવામાં આવી રહયા છે કે વિપક્ષી મતદારોને ઓછા કરવા કે નબળા પાડવા માટે SIR ના નામે મોટાપાયે મતદારોના નામ કમી કરવામાં આવી રહ્યા છે. તેઓએ દાવો કર્યો છે કે બિહારમાં તાજેતરમાં થયેલા SIRમાં 6.9 મિલિયન મતદારોના નામ કાઢી નાખવામાં આવ્યા હતા અને હવે 12 રાજ્યોમાં કરોડો મતદારોના નામ કાઢી નાખવાની તૈયારી ચાલી રહી છે. કોંગ્રેસે આને “મત ચોરી” ગણાવી અને આરોપ લગાવ્યો કે “વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઈશારે ચૂંટણી પંચ આ રમત રમી રહયુ છે.”કોંગ્રેસે કહ્યું કે જ્યારે બિહારમાં SIR હાથ ધરવામાં આવ્યું હતું, ત્યારે અનેક ભૂલો અને ગરબડો સામે આવતા સુપ્રીમ કોર્ટે પણ ચૂંટણી પંચને ફટકાર લગાવી હતીત્યારે જો બિહારમાં આવી ગરબડો સામે આવી શકતી હોયતો આખા દેશમાં કેટલી ગરબડ થશે?
કોંગ્રેસનો આરોપ છે કે હવે દેશભરમાં આવી જ પ્રક્રિયાનું પુનરાવર્તન કરવામાં આવી રહ્યું છે. કોંગ્રેસે કહ્યું કે દેશભરમાં “મત ચોરી” ના વિવિધ કિસ્સાઓ બહાર આવી રહ્યા છે “કેટલાક કિસ્સાઓમાં મતો જાણી જોઈને ઉમેરવામાં આવી રહ્યા છે, અને અન્યમાં તે કાઢી નાખવામાં આવી રહ્યા છે, તેમનું કહેવું છે કે ચૂંટણી પંચે આ મામલાની તપાસ કરવી જોઈતી હતી, પરંતુ તેના બદલે, તે પોતેજ કેન્દ્ર સરકારની “મત ચોરી”ની રમતમાં સામેલ થઈ ગયું છે.
સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવે પણ SIR પ્રક્રિયાની ટીકા કરી અને મતદારોને સતર્ક રહેવા વિનંતી કરી છે.તેમણે સોશિયલ મીડિયા પર લખ્યું, “દેશના દરેક નાગરિકને મતદાનનો અધિકાર છે તેથી દરેકે પોતાના મતના રક્ષક બનીને લોકશાહી બચાવવી જોઈએ.” અખિલેશ યાદવે કહ્યું કે આ સમય છે કે દરેક નાગરિક સતર્ક રહે અને પોતાના મતાધિકારનો ઉપયોગ કરે અને કોઈ કારણ વગર મત કાઢી નાખેતો એલર્ટ થઈ જાવ.
બીજી તરફ ભાજપ આઈટી સેલના વડા અમિત માલવિયાએ પશ્ચિમ બંગાળ સરકાર પર નિશાન સાધતા કહ્યું કે ચૂંટણી પંચ દ્વારા 12 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં SIR ની જાહેરાત પહેલા, મમતા બેનર્જી સરકારે મોટા પાયે વહીવટી ફેરબદલ કર્યા, જેમાં 17 જિલ્લા મેજિસ્ટ્રેટ, 22 ADM, 45 SDO અને 151 BDO ની બદલીનો સમાવેશ થાય છે.
રાજકીય એજન્ડા સાથે વિપક્ષી પાર્ટીઓને નુકસાન અને ભાજપને ફાયદો કરાવવા માટે ઈલેક્શન કમિશન કામ કરી રહ્યું છે.
બિહારમાં ચોક્કસ વર્ગ વિસ્તાર અને પોલિટિકલ પાર્ટીના મતદારોનું નામ મતદારયાદીમાંથી જાણી જોઈને કમી કરવામાં આવ્યું.
1 પણ વ્યક્તિનું નામ ખોટી રીતે નિકાળવામાં આવશે તો એની સામે… pic.twitter.com/gnwrbc7K3M
— Amit Chavda (@AmitChavdaINC) October 27, 2025
માલવિયાએ દાવો કર્યો હતો કે આ આદેશ 24 ઓક્ટોબરે જારી કરવામાં આવ્યો હતો પરંતુ હવે પ્રકાશિત થયો છે, જેનાથી તેના “ઈરાદા અને સમય” પર ગંભીર પ્રશ્નો ઉભા થાય છે,તેમણે કહ્યું કે મમતા બેનર્જીએ તેમના “વિશ્વાસુ અધિકારીઓ” ને એવા જિલ્લાઓમાં મોકલ્યા છે જ્યાં સૌથી વધુ નકલી અને ગેરકાયદેસર મતદારો છે,આમ ભાજપે મમતા ઉપર વળતો મતચોરીનો આક્ષેપ લગાવ્યો છે.
આમ,સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) પ્રક્રિયા શરૂ થાય તે પહેલાં જ, વિપક્ષે ચૂંટણી પંચ અને કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો શરૂ કર્યા છે.
આ પ્રક્રિયા, જે 28 ઓક્ટોબરથી ઉત્તર પ્રદેશ, ગુજરાત, તમિલનાડુ, રાજસ્થાન અને મધ્યપ્રદેશ સહિત 12 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં શરૂ થશે, તેમાં આશરે 510 મિલિયન મતદારોને આવરી લેવામાં આવશે.
મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે જણાવ્યું હતું કે બિહારમાં તાજેતરના SIR ને “પ્રથમ તબક્કો” માનવામાં આવતો હતો, જ્યારે હાલમાં ચાલી રહેલી પ્રક્રિયા “બીજો તબક્કો” હશે.
આ તબક્કામાં આંદામાન અને નિકોબાર, છત્તીસગઢ, ગોવા, ગુજરાત, કેરળ, લક્ષદ્વીપ, મધ્યપ્રદેશ, પુડુચેરી, રાજસ્થાન, તમિલનાડુ, ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળનો સમાવેશ થાય છે. તેમણે સમજાવ્યું કે 1951 થી 2004 સુધી આઠ વખત SIR હાથ ધરવામાં આવ્યું હતું, પરંતુ બે દાયકાથી વધુ સમય પછી આ પહેલી વાર હાથ ધરવામાં આવ્યું છે.
SIR માટેની મુખ્ય તારીખો
◆મુદ્રણ અને તાલીમ: 28 ઓક્ટોબર – 3 નવેમ્બર, 2025
◆ઘરે-ઘરે ગણતરી: 4 નવેમ્બર – 4 ડિસેમ્બર, 2025
◆મુસદ્દા મતદાર યાદીનું પ્રકાશન: 8 ડિસેમ્બર, 2025
◆દાવા અને વાંધા દાખલ કરવાનો સમયગાળો: 9 ડિસેમ્બર, 2025 – 8 જાન્યુઆરી, 2026
◆સુનાવણી અને ચકાસણી: 9 ડિસેમ્બર – 31 જાન્યુઆરી, 2026
◆અંતિમ મતદાર યાદીનું પ્રકાશન: 7 ફેબ્રુઆરી, 2026
■BLO દરેક ઘરની મુલાકાત લેશે, ચકાસણી ત્રણ વખત કરવામાં આવશે.
પ્રક્રિયા દરમિયાન, દરેક બૂથ પર નિયુક્ત બૂથ લેવલ ઓફિસરો (BLO) ઓછામાં ઓછા ત્રણ વખત મતદારોના ઘરે જઈને તેમની માહિતી ચકાસશે.
જે મતદારો દૂર રહે છે અથવા કામને કારણે ગેરહાજર છે તેઓ પણ તેમના ફોર્મ ઓનલાઈન ભરી શકશે.
મુખ્ય ચૂંટણી કમિશનરે જણાવ્યું હતું કે, “SIRનો હેતુ એ સુનિશ્ચિત કરવાનો છે કે કોઈ લાયક મતદાર બાકી ન રહે અને કોઈ અયોગ્ય વ્યક્તિ યાદીમાં સામેલ ન થાય.”
જૂના રેકોર્ડ સાથે મેચિંગ, કોઈ દસ્તાવેજોની જરૂર નથી
જે મતદારો અથવા તેમના માતા-પિતા જેમના નામ 2002, 2003 અથવા 2004 ની મતદાર યાદીમાં છે તેમને કોઈ વધારાના દસ્તાવેજો સબમિટ કરવાની જરૂર રહેશે નહીં. તેઓ ફક્ત ગણતરી ફોર્મ ભરીને તેમની માહિતી આપી શકે છે. રાજ્યવાર જૂની યાદીઓ સંબંધિત રાજ્યની ચૂંટણી પંચની વેબસાઇટ પર જોઈ શકાય છે.
દસ્તાવેજોની યાદી – ઓળખ માટે આધાર વિકલ્પ
બિહાર SIR દરમિયાન સુપ્રીમ કોર્ટના નિર્દેશ મુજબ, આધારનો ઉપયોગ ફક્ત ઓળખના સ્વરૂપ તરીકે થશે, નાગરિકતાના પુરાવા તરીકે નહીં. નીચેના દસ્તાવેજો પણ માન્ય રહેશે:
સરકાર અથવા જાહેર ક્ષેત્રની સંસ્થા દ્વારા જારી કરાયેલ ઓળખ કાર્ડ અથવા પેન્શન ઓર્ડર
1 જુલાઈ, 1987 પહેલા જારી કરાયેલ કોઈપણ સરકારી દસ્તાવેજ
જન્મ પ્રમાણપત્ર
પાસપોર્ટ
માન્યતા પ્રાપ્ત બોર્ડ અથવા યુનિવર્સિટીમાંથી શૈક્ષણિક પ્રમાણપત્ર
કાયમી રહેઠાણ પ્રમાણપત્ર
વન અધિકાર પ્રમાણપત્ર અથવા જાતિ પ્રમાણપત્ર (OBC/SC/ST)
રાષ્ટ્રીય નાગરિક નોંધણી (NRC), જ્યાં લાગુ પડે
કુટુંબ નોંધણી અથવા જમીન/આવાસ ફાળવણી પ્રમાણપત્ર
આમ,આટલા દસ્તાવેજ માન્ય રહેશે.
ચૂંટણી પંચનું કહેવું છે કે તમામ પક્રિયા પારદર્શક રહેશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી.
જોકે,બીજી તરફ વિપક્ષ દ્વારા તેનો વિરોધ થઈ રહ્યો છે.
આ પણ વાંચો:
Gujarat Rain News: ગુજરાતમાં આગામી 7 દિવસ ભારે વરસાદની શક્યતા, જાણો ક્યા વિસ્તારોને ઘમરોળશે મેઘરાજા
Rajasthan: ગુજરાતના યાત્રાળુંઓને બંધક બનાવતી રાજસ્થાનની સરકાર, અમિત ચાવડા બરાબરના ગર્જ્યા






