
- રાજ્યો-કેન્દ્રશાસિત પ્રદેશોએ કલ્યાણકારી યોજનાઓનો 62% ફંડનો ઉપયોગ જ ન કર્યો
નવી દિલ્હી: પ્રધાનમંત્રી આવાસ યોજના, જળ જીવન મિશન અને મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના (મનરેગા) જેવી 50 થી વધુ મુખ્ય યોજનાઓ માટે કેન્દ્ર દ્વારા જારી કરાયેલા 2.46 લાખ કરોડ રૂપિયામાંથી લગભગ 62% અથવા લગભગ 1.54 લાખ કરોડ રૂપિયા 31 ડિસેમ્બર સુધીમાં રાજ્ય એજન્સીઓ પાસે વાપર્યા વગરના પડ્યા રહ્યા હતા. આ સરકારી ડેટા દર્શાવે છે.
હિન્દુસ્તાન ટાઈમ્સના અહેવાલ મુજબ, પહેલી વાર 2025-26 માટેના કેન્દ્રીય બજેટમાં એક નવું નિવેદન શામેલ કરવામાં આવ્યું છે જે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો સાથે સિંગલ નોડલ એજન્સી (SNA) ખાતાઓ હેઠળ પસંદગીની કેન્દ્રિય પ્રાયોજિત યોજનાઓ (CSS)ના સંદર્ભમાં બચેલા રૂ. 500 કરોડ અને તેથી વધુના બેલેન્સ ફંડ દર્શાવે છે.
ખર્ચ સચિવ મનોજ ગોયલે જણાવ્યું હતું કે આનો ઉદ્દેશ્ય ખર્ચ પર નજર રાખવાનો અને સંબંધિત કેન્દ્રીય મંત્રાલયો અને રાજ્યો જેવી અમલીકરણ એજન્સીઓને વિકાસ કાર્યોને ઝડપી બનાવવા માટે પ્રોત્સાહિત કરવાનો છે. CSS એ યોજનાઓ છે જે કેન્દ્ર અને રાજ્ય દ્વારા સંયુક્ત રીતે નિર્ધારિત પ્રમાણમાં ભંડોળ પૂરું પાડવામાં આવે છે અને રાજ્ય દરેક CSSને અમલમાં મૂકવા માટે એક SNAને નિયુક્ત કરે છે.
ગોવિલે કહ્યું કે બજેટમાં તમામ CSSની વિગતો નથી, પરંતુ તેમાં કેટલીક મુખ્ય યોજનાઓનો ઉલ્લેખ છે.
તેમણે કહ્યું, ‘આપણે જોઈએ છીએ કે કેટલીક યોજનાઓમાં રાજ્યો અથવા કેન્દ્રશાસિત પ્રદેશો પાસે મોટી માત્રામાં ભંડોળ ઉપલબ્ધ હોય છે. તો અમે તેના પર નજર રાખી રહ્યા છીએ.
આ પણ વાંચો-શેરમાર્કેટ ઊંધા માથે; સ્મોલકેપ-મીડકેપના રોકાણકારોને સાત લાખ કરોડનું નુકસાન
આ માટેનો ડેટા પબ્લિક ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ સિસ્ટમ (PFMS)માંથી લેવામાં આવ્યો છે, જે તમામ યોજના યોજનાઓ માટે કેન્દ્રનું નાણાકીય વ્યવસ્થાપન પ્લેટફોર્મ છે.
તેમણે કહ્યું, ‘તેથી અમે આનું નિરીક્ષણ કરી રહ્યા છીએ અને અમે આ યોજનાઓ માટે જવાબદાર કેન્દ્ર સરકારના મંત્રાલયો અને રાજ્યોને વિનંતી કરી રહ્યા છીએ કે તેઓ ખાતરી કરે કે તેમને આપવામાં આવેલા પૈસા બેંક ખાતામાં પડ્યા ન રહે પરંતુ જે હેતુ માટે તેને મંજૂરી આપવામાં આવી હતી તે હેતુ માટે ઉપયોગમાં લેવામાં આવે.’
માહિતી અનુસાર, કેન્દ્રએ સુધારેલા અંદાજ (RE) તબક્કામાં 2024-25 માટે બજેટ અંદાજ (BE)માં સમગ્ર શિક્ષા યોજનાનું બજેટ રૂ. 37,500 કરોડથી થોડું ઘટાડીને રૂ. 37,010 કરોડ કર્યું હતું. 31 ડિસેમ્બર, 2024 સુધીમાં કેન્દ્રએ આ યોજના હેઠળ રાજ્યોને 17,604.05 કરોડ રૂપિયા આપ્યા હતા, જેમાંથી રાજ્યના હિસ્સા સહિત 11,516.03 રૂપિયાની મોટી વણખર્ચાયેલી રકમ હજુ પણ ઉપલબ્ધ છે.
તેવી જ રીતે પ્રધાનમંત્રી આવાસ યોજના (PMAY) શહેરી માટે સુધારેલા બજેટ અંદાજને 23,712.04 કરોડ રૂપિયાથી ઘટાડીને 11,609.04 કરોડ રૂપિયા કરવામાં આવ્યો હતો કારણ કે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં હજુ પણ 6,012.39 કરોડ રૂપિયાથી વધુની રકમ ખર્ચ ન થઈ નહતી.
જળ જીવન મિશન (JJM) અથવા રાષ્ટ્રીય ગ્રામીણ પીવાના પાણી મિશન હેઠળ નાણાકીય વર્ષ 25 માટેનો બજેટ અંદાજ રૂ. 70,162.90 કરોડ હતો, જે સુધારેલા અંદાજ તબક્કામાં ઘટાડીને રૂ. 22,694 કરોડ કરવામાં આવ્યો હતો. કેન્દ્રએ 31 ડિસેમ્બર, 2024 સુધીમાં પોતાનો હિસ્સો રૂ. 21,871.80 કરોડ જાહેર કર્યો અને રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો પાસે કુલ રૂ. 13,782.82 કરોડ ઉપલબ્ધ હતા.
જોકે, JJM હેઠળ કેન્દ્રનો હિસ્સો રાજ્યની તિજોરીમાં ટ્રાન્સફર થતો નથી પરંતુ સંબંધિત એસ્ક્રો ખાતાઓમાં ટ્રાન્સફર થાય છે.
મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી કાર્યક્રમના ડેટા દર્શાવે છે કે 2024-25 માટે બજેટ અંદાજ અને સુધારેલા અંદાજ બંને 86,000 કરોડ રૂપિયા હતા. કેન્દ્રએ 31 ડિસેમ્બર, 2024 સુધીમાં રાજ્યોને 79,625.97 કરોડ રૂપિયા આપ્યા હતા અને તે તારીખે રાજ્યો પાસે ઉપલબ્ધ વણવપરાયેલ ભંડોળ 4,351.55 કરોડ રૂપિયા હતું.
2021-22 થી, કેન્દ્ર સરકાર SNA મોડેલ દ્વારા CSS ભંડોળ લાગુ કરી રહી છે, જેનો ઉદ્દેશ્ય રાજ્યોને ભંડોળના પ્રવાહમાં પારદર્શિતા વધારવાનો છે. બજેટ દસ્તાવેજમાં કહેવામાં આવ્યું છે કે, “ઉદ્દેશ ખર્ચની ગતિના આધારે રાજ્યોને યોજના ભંડોળ સમયસર રિલીઝ કરવાનો છે.”