
Surat: સુરત શહેરના મોટા વરાછા વિસ્તારમાં ચાલતા ગેરકાયદે ડબ્બા ટ્રેડિંગ અને ઓનલાઈન ગેમિંગ રેકેટનો SOG એ પર્દાફાશ કર્યો છે. આ રેકેટ “સનરાઈઝ ડેવલોપર્સ” નામની કન્સ્ટ્રક્શન ઓફિસની આડમાં ચાલતું હતું. ત્યારે પોલીસે લજામણી ચોક પાસે મેરિડિયન બિઝનસ સેન્ટરમાં સનરાઈઝ ડેવલોપરની દુકાનમાં દરોડજા પાડ્યા હતા અને કન્સ્ટ્રક્શનની ઓફિસની આડમાં ચાલતા શેર માર્કેટ ડબ્બા ટ્રેડિંગને સુરત SOGએ ઝડપી પાડ્યું હતુ. અહીંથી રૂપિયા 943 કરોડના આર્થિક વ્યવહારો સામે આવ્યા છે.
સુરતમાં ડબ્બા ટ્રેડિંગ કૌભાંડનો પર્દાફાશ
મળતી માહિતી મુજબ, સુરતમાં લજામણી ચોક પાસે મેરિડિયન બિઝનસ સેન્ટરમાં સનરાઈઝ ડેવલોપરની દુકાનમાં શેર બજારને લગતા અલગ અલગ સોફ્ટવેર ઊભા કરીને લોકોને રોકાણ કરાવી ડબ્બા ટ્રેડિંગ કરાવવામાં આવતું હતું. સમગ્ર મામલે SOG પોલીસે મોટી કાર્યવાહી કરી છે અને દરોડાપાડી મુદ્દામાલ સહિત 10 જેટલા શખ્સોને ઝડપી પાડ્યા છે. પોલીસે રુ. 948 કરોડથી વધુનું ડબ્બા ટ્રેડિંગ ઝડપ્યું છે.
17.30 લાખનો મુદ્દામાલ જપ્ત
આ કાર્યવાહી દરમિયાન SOGએ 19 મોબાઈલ,4 લેપટોપ ,ઇન્વોઇસ ફાઈલ ,23 સીમકાર્ડ ,31 પાસબુક ,87 ચેકબુક ,પ્રિન્ટર સહિત 17.30 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. તેમજ પોલીસને કુલ 948 કરોડ થી વધુનો નાણાકીય વ્યવહાર પણ મળી આવ્યા છે. તેમજ પોલીસને અલગ અલગ બેન્ક માંથી 4.62 કરોડથી વધુ રૂપિયાના ટ્રાન્જેક્શન મળી આવ્યા છે. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, ઝડપાયેલા 10 આરોપીઓ પૈકી આરોપી નંદલાલ ઉર્ફે નંદા અને વિશાલ ઘેવરિયા સામે અગાઉ ગુન્હા નોંધાઈ ચુક્યા છે. હાલ પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
ડબ્બા ટ્રેડિંગ શું છે ?
ડબ્બા ટ્રેડિંગ એ ભારતમાં એક ગેરકાયદેસર અને અનિયંત્રિત વેપાર પદ્ધતિ છે, જેને “બકેટ શોપ ટ્રેડિંગ” તરીકે પણ ઓળખવામાં આવે છે. આ પ્રકારના ટ્રેડિંગમાં, શેરબજારના વેપારો કોઈ નિયમિત સ્ટોક એક્સચેન્જ (જેમ કે BSE અથવા NSE) પર થતા નથી, પરંતુ એક બ્રોકર અથવા ડબ્બા ઓપરેટર દ્વારા ખાનગી રીતે સંચાલિત થાય છે. આવા વેપારમાં, વેપારીઓના ઓર્ડર્સ ખરેખર બજારમાં એક્ઝિક્યુટ થતા નથી, પરંતુ બ્રોકરના આંતરિક સિસ્ટમમાં રેકોર્ડ થાય છે.
ડબ્બા ટ્રેડિંગ કેવી રીતે કામ કરે છે?
રોકાણકાર બ્રોકરને શેર ખરીદવા કે વેચવાનો ઓર્ડર આપે છે.
બ્રોકર આ ઓર્ડરને એક્સચેન્જમાં એક્ઝિક્યુટ કરવાને બદલે, પોતાના રેકોર્ડમાં નોંધે છે.
જો શેરની કિંમત વધે કે ઘટે, તો બ્રોકર તે મુજબ રોકાણકારને નફો કે નુકસાન ચૂકવે છે, પરંતુ આ બધું બ્રોકરની સિસ્ટમમાં જ થાય છે.
ઘણીવાર, બ્રોકર રોકાણકારોના પૈસાનો દુરુપયોગ કરી શકે છે.
જોખમો
છેતરપિંડીનું જોખમ: બ્રોકર રોકાણકારોના પૈસા લઈને ભાગી શકે છે.
કાનૂની કાર્યવાહી: ગેરકાયદેસર હોવાથી, રોકાણકારોને કોઈ કાનૂની રક્ષણ મળતું નથી.
નાણાકીય નુકસાન: બજારની વાસ્તવિક સ્થિતિ સાથે બ્રોકરના રેકોર્ડ સરખામણી ન થવાથી નુકસાન થઈ શકે છે.
શા માટે ટાળવું જોઈએ?
ડબ્બા ટ્રેડિંગ ગેરકાયદેસર અને અસુરક્ષિત છે. રોકાણકારોએ હંમેશાં SEBI-નિયંત્રિત બ્રોકર્સ અને નિયમિત સ્ટોક એક્સચેન્જ દ્વારા જ વેપાર કરવો જોઈએ, જેમ કે Zerodha, Upstox, અથવા અન્ય નોંધાયેલા પ્લેટફોર્મ્સ.








