
- સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના નવા અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની નિમણૂંક
- નવા ઉપાધ્યક્ષ રંજના ગોસ્વામીની ઓફિસમાંથી બાબા સાહેબની જગ્યાએ મોદી સાહેબની તસવીર આવી ગઈ
Surat Controversy | મોદી સાહેબના નામે રાજકારણની વૈતરણી તરતાં ભાજપીઓ દેશના મહાનુભાવોનું અપમાન કરે કે તેઓની અવગણના કરે એ સામાન્ય બાબત બની ગઈ છે. તાજેતરમાં દિલ્હીના નવા મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ સીએમ ઓફિસમાંથી ભગતસિંહ, આંબેડકર જેવાં મહાનુભાવોની તસવીરો હટાવી તેની જગ્યાએ મોદી – શાહની તસવીરો લટકાવતાં વિવાદ સર્જાયો હતો. આવી જ ઘટના સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં બનવા પામતાં વિવાદ સર્જાયો છે.
ખાનગી શાળાઓને માલેતુજાર કરવા માટે સરકારી શાળાઓની ઘોર ખોદતી સરકારની નિતીઓ અંગે તો કંઈ કહેવા જેવું છે નહીં. અમદાવાદ, વડોદરા કે સુરત ગમે તે શહેરની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના હાલ જુઓ તો ઉડીને આંખે વળગશે કે ભાજપના પ્રતાપે પદ મેળવનારાઓ આખરે શિક્ષણની શું દશા કરી રહ્યાં છે? ગુજરાત જ નહીં દેશભરના ભાજપા પ્રેમીઓ માટે દેશ – ન્યાય સહિત સર્વ બાબત મોદી સાહેબ સામે ગૌણ અથવા તો નગણ્ય છે. એના અનેક પુરાવાઓ ભાજપા પ્રેમી કહો કે મોદી પ્રેમીઓ બૂમો પાડી પાડીને આપતાં હોય છે.
સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનો વિવાદ એવો છે કે, ભાજપના નેતાના વિરોધમાં ગંભીર આક્ષેપ કરતો પત્ર પોસ્ટ કરવાના મામલે પૂર્વ ધનેશ શાહનું રાજીનામું લઈ લેવામાં આવ્યું હતું. બાદમાં ઉપાધ્યક્ષની ટર્મ પણ પુરી થઈ ગઈ હતી. જેને પગલે નવા અધ્યક્ષ તરીકે રાજેન્દ્ર કાપડીયા અને ઉપાધ્યક્ષ પદ માટે રંજના ગોસ્વામીની પસંદગી કરવામાં આવી હતી.
અતિ ચુસ્ત મોદી ભક્ત રંજના ગોસ્વામીની ઓફિસમાંથી બંધારણના ઘડવૈયા ડૉ, ભીમરાવ આંબેડકરનો ફોટો હટાવી દેવામાં આવ્યો અથવા તો હટાવવાનું કહેવામાં આવ્યું એ અંગે કોઈ માહિતી મળતી નથી. પરંતુ, બાબા સાહેબના ફોટોની જગ્યાએ મોદી સાહેબનો ફોટો આવી જતાં વિવાદ સર્જાયો છે.
વિવાદ અંગે રંજના ગોસ્વામીએ મિડીયાને જણાવ્યું છે કે, કલર કામ સહિતની કામગીરી કરવામાં આવી રહી હોવાથી તસવીરો હટાવી લેવામાં આવી છે. કલર કામ પત્યાં પછી તસવીરો પાછી એના સ્થાને ગોઠવી દેવામાં આવશે.
જોકે, ઓફિસની તસવીર જોતાં એવું સ્હેજેય લાગતું નથી કે કલર કામ માટે બાબા સાહેબની તસવીર હટાવવામાં આવી હોય. આમેય જનતાના પરસેવાના ખર્ચે ઓફિસમાં રંગરોગાન કરાવવા ઉત્સુક રંજના ગોસ્વામીએ જો ખરેખર કલર કામ માટે જ તસવીરો હટાવી હોય તો શું… મોદી સાહેબની તસવીર પર કલરના છાંટા પડે તેની તેમણે ચિંતા કરી નથી?
