
ભરુચ જીલ્લાના ઝઘડિયામાં 10 વર્ષિય બાળકી પર થયેલા દુષ્કર્મના પડઘા હજુ શમ્યા નથી. ત્યારે ભરૂચના અમોદના એક ગામમાં વધુ એક દુષ્કર્મનો બનાવ બન્યો છે. 72 વર્ષના વૃદ્ધા પર 35 વર્ષના નરાધમે દુષ્કર્મ આચર્યું છે. આ મામલામાં આમોદ પોલીસે ગણતરીના કલાકમાં આરોપીને ઝડપી પાડ્યો છે.
આમોદમાં વૃદ્ધા સાથે દુષ્કર્મના મામલે ગુનો નોંધીને આમોદ પોલીસે તપાસ હાથ ધરી હતી. આરોપીને ઝડપવા માટે ડ્રોન કેમેરાની મદદ લેવામાં આવી હતી. પોલીસની વિવિધ ટીમોએ આજુબાજુના ગામડાઓની સીમમાં તપાસ કરી આરોપી શૈલેષ રાઠોડને ઝડપી પાડ્યો છે.
આરોપીએ બેથી ત્રણવાર વૃદ્ધા પર ગુજાર્યો હતો બળાત્કાર
15 અને 22મી ડિસેમ્બરે દુષ્કર્મ આચર્યું હતું. બાદમાં આરોપી વૃધ્ધાને કોઈને જાણ કરશે તો મારી નાખવાની ધમકી આપી ફરાર થઈ ગયો હતો.
આ અંગેની જાણ આમોદ પોલીસને થતાં પોલીસે નરાધમ સામે દુષ્કર્મ તેમજ ધાકધમકી આપવાનો ગુનો દાખલ કર્યો છે. આ અંગે જંબુસર ડીવાયએસપી પી.એલ. ચૌધરીએ જણાવ્યું હતું કે આ આરોપીએ દોઢ વર્ષ પૂર્વે આ વૃદ્ધા પર જ દુષ્કર્મ કર્યું હતું અને એ સમયે આમોદ પોલીસે તેની ધરપકડ કરી હતી. એ કેસમાં આરોપીને થોડા દિવસ અગાઉ જ જામીન મળતાં તે જેલમાંથી બહાર આવ્યો હતો, ત્યારે ફરીવાર તેણે આ વૃદ્ધા સાથે દુષ્કર્મ આચર્યું છે.
હાલ ભરૂચ ક્રાઈમ બ્રાન્ચ અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમ પણ આ તપાસમાં જોડાઈને આરોપીને દબોચી લઈ વધુ કાર્યવાહી હાથ ધરી છે.