
ધોરણ 12 સાયન્સની પ્રિલીમ પરીક્ષામાં ફેરફાર કરવામાં આવ્યો છે. અગાઉ 20થી 28 જાન્યુઆરી દરમિયાન આ પ્રિલીમ પરીક્ષા યોજાનારી હતી. 22થી 31 જાન્યુઆરી દરમિયાન JEE-MAINની પરીક્ષા યોજાવાની હોવાના કારણે ધોરણ 12 સાયન્સની પ્રિલીમ પરીક્ષાના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. હવે આ પરીક્ષા આગામી 16થી 21 જાન્યુઆરી દરમિયાન યોજાશે. જ્યારે અન્ય ધોરણની પ્રિલીમ-દ્વિતીય પરીક્ષા અગાઉની તારીખે લેવાશે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા શૈક્ષણિક વર્ષ-2024-25નું શાળાકીય પ્રવૃત્તિ કેલેન્ડર પ્રસિદ્ધ કરવામાં આવેલ હતું. જેમાં જણાવ્યા મુજબ ધોરણ-9થી 12ની પ્રિલીમ / દ્વિતીય પરીક્ષા તા. 20થી 28 જાન્યુઆરી 2025 દરમ્યાન લેવામાં આવનાર હતી.
ગુજરાત રાજ્ય આચાર્ય સંઘ અને અમદાવાદ શહેર આચાર્ય સંઘ દ્વારા ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની કચેરીને રજૂઆત કરવામાં આવી હતી. આ રજૂઆત મુજબ National Testing Agency (NTA)ની 28 ઓક્ટોબર 2024ની જાહેર નિવિદામાં જણાવ્યા મુજબ JEE-MAINની પરીક્ષા 22થી 31 જાન્યુઆરી 2025 દરમ્યાન યોજાનાર હોવાથી ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહની પ્રિલીમ પરીક્ષાની તારીખમાં ફેરફાર કરવા માટે વિનંતી કરી હતી.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની પ્રિલિમ / દ્વિતીય પરીક્ષા અને JEE-MAIN ની પ્રથમ તબક્કાની પરીક્ષાઓની તારીખ પરસ્પર એકસરખી હોવાથી સંદર્ભ દર્શિત કારોબારી સમિતિના ઠરાવ અન્વયે કરવામાં આવેલ નિર્ણય મુજબ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહની પ્રિલીમ પરીક્ષા 16થી 21 જાન્યુઆરી 2025 દરમ્યાન લેવાની રહેશે. અન્ય ધોરણની પ્રિલીમ / દ્વિતીય પરીક્ષા બોર્ડના શાળાકીય પ્રવૃત્તિ કેલેન્ડરમાં જણાવ્યા મુજબ તા. 20થી 28 જાન્યુઆરી 2025 દરમ્યાન યોજવાનું યથાવત રાખવામાં આવી છે.





