
Gold Ban: આપણા દેશમાં સોનુ પ્રાચીન કાળથી સંસ્કૃતિ અને સમાજ સાથે વણાયેલું હતું. દીકરીના લગ્ન હોયકે કોઈ ધાર્મિક પ્રસંગ સોનુ આપવાની પ્રથા પ્રાચીન કાળથી ચાલી આવતી હતી ત્યારે સોનાના ભાવો પણ વર્ષોથી સ્થિર હતા થોડી વધઘટ થતી પણ એકંદરે લોકો શક્તિ મુજબ ખરીદી શકતા હતા પણ હવે છેલ્લા વર્ષોમાં સોનાના ભાવો જે રીતે કૃત્રિમ રીતે વધતા ગયા અને એક તોલાનો ભાવ જ સવા લાખને આંબી જતા હવે સોનુ માત્ર સટ્ટા બજાર અને માત્ર રોકાણકારોનો વ્યવસાય બની જતા હવે સામાન્ય લોકોમાં સોનાનો મોહ ઘટી ગયો છે અને દરેક સમાજમાં જાગૃતિ આવી છે અને લગ્ન દરમિયાન સોનુ નહિ ખરીદવા કે દાગીનાનો દેખાડો નહિ કરવાનો ટ્રેન્ડ શરૂ થયો છે,સૌરાષ્ટ્રમાં પણ કેટલાય સમાજમાં આ પ્રથા શરૂ કરવા પ્રયાસો શરૂ થયા છે કે દીકરીને લગ્નમાં સોના ના બદલે રોકડા રૂપિયા આપવા અને મોબાઈલ સ્ટેટ્સમાં સોનાના દાગીનાનો દેખાડો કરવો નહીં.
આ બધા વચ્ચે ઉત્તરાખંડના દેહરાદૂન જિલ્લાના જૌનસર-બાવર પ્રદેશમાંતો સોનાના દાગીના પહેરવા ઉપર જ પ્રતિબંધ મૂકી દેવાયો છે આ વાત માત્ર ઉત્તરાખંડમાં જ નહીં, પરંતુ સમગ્ર દેશમાં સામાજિક સુધારણાની એક નવી પહેલ કહી શકાય. ચક્રાતા બ્લોકના કંદડ અને ઇદ્રોલી ગામોએ સર્વાનુમતે જ નક્કી કર્યું છે કે ” મહિલાઓ હવે લગ્નો કે સામાજિક મેળાવડામાં માત્ર કાન-નાકમાં દાગીના જ પહેરી શકશે, અને નિયમ તોડનારને 50,000 રૂપિયાનો મોટો દંડ થઈ શકે છે.”
ગામલોકોએ એક સામૂહિક બેઠકનું આયોજન કરીને આ નિર્ણય પર સર્વસંમતિ સાધી હતી. આ નિર્ણય પાછળનો મુખ્ય હેતુ સોનાના વધતા જતા ભાવોને કારણે બધા સોનુ લઈ શકે નહીં તેથી સોનાની ખરીદી જ બંધ કરીને સમાજમાં વધી રહેલા દેખાડા અને ખર્ચાળ સ્પર્ધાને નિયંત્રિત કરવાનો છે.
બીજું કે વર્ષોથી લગ્નોમાં કોણે સોનાના ઘરેણાં વધુ આપ્યા કે લાવ્યા અથવા કોણે વધુ દાગીના પહેર્યા છે તેની એક સ્પર્ધા ચાલતી હતી અને મોબાઇલ સ્ટેટ્સમાં પણ દેખાડાની હરીફાઈ શરૂ થતાં દેખાદેખીથી ઘણા ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારો પર બિનજરૂરી નાણાકીય બોજ વધતો જતો હતો અને પોતાની સામાજિક પ્રતિષ્ઠા જાળવવા માટે તેમને લોન લઈને પણ સોનાના ઘરેણાં ખરીદવા પડતા હતા પરિણામે દેવામાં ડૂબવું પડતું હતું.
ગામલોકોનું માનવું છે કે લગ્નોમાં ફરી એકવાર સાચી પરંપરા અને સાદગી લાવવી જરૂરી બની છે અને સોનાના ભાવો વધતા હવે તે શક્ય નથી તેથી સોનાના દાગીનામાં બુટ્ટી- વીંટી-મંગળ સૂત્ર સિવાય દાગીના નહિ પહેરવા કડક અને અર્થપૂર્ણ પગલું લેવું અનિવાર્ય હતું.
ઉત્તરાખંડના જૌનસર-બાવર પ્રદેશના ગામોએ સામાજિક સુધારણા તરફ કડક પગલું ભરતાં લગ્ન અને મેળાવડામાં મહિલાઓ માટે દાગીના પહેરવાની સ્પષ્ટ મર્યાદા નક્કી કરી છે. આ નવા નિયમ મુજબ, મહિલાઓને ફક્ત કાનની બુટ્ટી , વીંટી અને મંગળસૂત્ર જેવા મર્યાદિત આભૂષણો પહેરવાની જ મંજૂરી આપવામાં આવી છે.
બીજી તરફ, ગળામાં હાર, મોટા પેંડલ કે અન્ય મોટા સોનાના આભૂષણો પર સંપૂર્ણ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. આ નિયમોનું ગંભીરતાથી પાલન થાય તે સુનિશ્ચિત કરવા માટે, જો કોઈ મહિલા આ નિયમનું ઉલ્લંઘન કરતી જણાશે તો તેને રૂપિયા 50,000નો દંડ ભરવા નક્કી થયું હતું.
આ પગલુ સમાજમાં સાદગી અને સમાનતા લાવવાના આ પ્રયાસની ગંભીરતા દર્શાવે છે જેનો અમલ આખા દેશમાં થશેતો સોનાના દાગીનાનો મોહ દૂર થઈ જશે અને સોના સિવાય બીજો વિકલ્પ વિચારવા સમાજ આગળ આવી રહયા છે. અત્રે ઉલ્લેખનીય છે કે સૌરાષ્ટ્રમાં પણ કેટલાક સમાજમાં હવે આ પ્રકારના નિયમો બનવાની શરૂઆત થઈ ચૂકી છે.
આ પણ વાંચો:
Gujarat: વરસાદી માહોલ વચ્ચે ડિપ્રેશન ગુજરાત તરફ ફંટાતા ફરી ભારે વરસાદની આગાહી
Gujarat: 60 ગામડાઓ શહેરમાં ભળી ગયા, સવલતો મળતી નથી
Col Rohit Chaudhary: સરકારનો દેશના યુવાનો સાથે વિશ્વાસઘાત!, સરકારી નોકરીના વચનથી ફરી ગઈ!









