
અજબ ગજબ: બ્રહ્માંડમાં આપણી કલ્પનાથી પણ પર આશ્ચર્ય અને કૌતુક જગાડતી ઘટનાઓ ઘટતી રહે છે. તેમાંની કેટલીક તો આપણે જાણી શકતા જ નથી અને જે જાણવા મળે છે એ પછી આપણી અચરજનો કોઈ પાર રહેતો નથી. દરેક વસ્તુ આપણી માટે નવી, સંશોધન માગી લેતી હોય છે. આવી જ કૌતુકસભર ઘટના અંતરીક્ષમાં બની છે. 11 અબજ પ્રકાશવર્ષ દૂરથી ‘કોસ્મિક આઉલ’ એટલે કે કોસ્મિક ઘુવડ મળ્યું. બે આકાશગંગા (ગેલેક્સી) અથડાતાં જે સર્જન થયું એ ઘવડના ચહેરા જેવું છે. એટલે એનું આ નામ આપ્યું છે.
આકાશગંગા અથડાતાં ઘુવડના ચહેરા જેવું ચિત્ર દેખાયું
ચીનની ત્સિંધુઆ યુનિવર્સિટીના સંશોધક મિંગ્યુ લી અને એમની ટીમે આ ઘુવડ શોધી કાઢ્યું છે. જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપ (JWST), ચીલીના એટાકામા લાર્જ મિલીમીટર/સબમિલી મીટર અરે (ALMA) અને ન્યુ મેક્સિકો ના વેરી લાર્જ અરે (VLA) રેડિયો ટૅલિસ્કોપનો ઉપયોગ કરીને આ સંશોધન કર્યું છે. બે આકાશગંગા અથડાતાં જે સર્જાયું છે એ ઘુવડના ચહેરા જેવું દેખાય છે. આકાશગંગાઓનો વિકાસ સમજવા માટે કરાયેલી આ શોધ 11 અબજ પ્રકાશ વર્ષ દૂર બની છે. એ રચનામાં ચળકતી બે આંખ અને એક નાનકડી ચાંચ દેખાઈ રહી છે. તેની આંખ બંને ગેલેક્સીનું કેન્દ્ર છે અને ત્યાં સુપરમાસિવ બ્લેક હોલ છે. ઘુવડની આંખની જેમ ચમકે છે અને એ સૂર્યથી 1 કરોડ ગણા ભારે વજનના છે. આસપાસના પદાર્થ ખેંચતા હોવાથી આકાશગંગાનું કેન્દ્ર ઘણું ચમકદાર છે. બે આકાશગંગાની અથડામણથી ઘુવડની ચાંચ જેવું દૃશ્ય સર્જાયું છે. ચાંચ એ બંને વચ્ચેની અથડામણનો ભાગ છે અને ત્યાં ભારેખમ ગૅસ જમા થયો છે. આ ગૅકમાંથી નવા તારાનું સર્જન થઈ રહ્યું છે અને એ ઘટનાને વૈજ્ઞાનિકો ‘સ્ટાર નર્સરી’ કહે છે.
જેમ્સ વેબે તસવીરો લીધી
જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપમાં આ ઘટનાની તસવીરો કેદ થઈ છે તેમાં આ અથડામણની ઘટના કેદ થઈ છે. એલએમએએ ચાંચમાં રહેલું ગૅસનું વાદળ પણ જોયું હતું. ગૅસનું એ વાદળ તારા બનાવવા માટેનો કાચો માલ છે. એક આકાશગંગામાંથી નીકળનારી રેડિયો જેટ (ચાર્જ્ડ કણોની ધાર) આ ગૅસ દબાવી રહી છે અને તેને કારણે ઝડપથી તારાનું સર્જન થાય છે. ચીની સંશોધકોની આ શોધ 11 જૂને સંશોધત પત્રમાં પ્રકાશિત કરાઈ હતી.
આકાશગંગાના પ્રકાર
આકાશગંગાના ઘણા પ્રકાર હોય છે પણ રિંગ ગેલેક્સી ઘણી દુર્લભ હોય છે. નાની આકાશગંગા મોટી ગેલેક્સી પાસેથી પસાર થાય ત્યારે રિંગ ગેલેક્સી રચાય છે. અત્યાર સુધીમાં જેટલી આકાશગંગાઓ શોધાઈ છે, તેમાંથી માત્ર 0.01 ટકા ગેલેક્સી રિંગ ગેલેક્સી છે. બે રિંગ ગેલેક્સી એકસાથે અથડાય એ પણ દુર્લભ ઘટના છે અને એ કારણે જ કોસ્મિક ઘુવડ રચાતું હોય છે. બંને આકાશગંગાનો વ્યાસ 26000 પ્રકાશવર્ષ છે, જે મિલ્કી વે (1 લાખ પ્રકાશવર્ષ)નો માત્ર ચોથા ભાગનો આકાર છે.
કોસ્મિક ઘુવડનું મહત્ત્વ શું?
કોસ્મિક ઘુવડનું દૃશ્ય સુંદર જ નહીં પણ વિજ્ઞાનીઓ માટે કુદરતી પ્રયોગશાળા છે. આકાશગંગાની રચના અને વિસ્તારની પ્રક્રિયા સમજવામાં આનો મહત્ત્વનો ફાળો છે. ચાંચવાળા ભાગમાં અથડામણ અને બ્લેક હોલની જેટને કારણે વાયુનું દબાણ સર્જાય છે અને એ દબાણને કારણે ઝડપથી નવા તારા બને છે. તારાના આવા સર્જન પરથી પ્રાચીન બ્રહ્માંડમાં આકાશગંગા કેટલી ઝડપથી વિસ્તરી, એ શીખી શકાય છે.
બંને આકાશગંગાના કેન્દ્રમાં સક્રિય બ્લેક હોલ છે, જે પદાર્થ ખેંચીને ચમકી રહ્યો છે. આનાથી બ્લેક હોલનો વ્યવહાર સમજવામાં સરળતા રહે છે. બંને આકાશગંગાનો આકાર અને માળખું એકસરખું છે. આ કારણે અથડામણ વિશિષ્ટ બની જાય છે. વિજ્ઞાનીઓ હવે સિમ્યુલેશન થકી એ કેવી રીતે સર્જાઈ, એ સમજવાનો પ્રયાસ કરશે.