
- ‘સુલ્તાન-એ-હિન્દ’ આપણને નાગરિક પણ બનવા દેતા નથી !
રમેશ સવાણી; પૂર્વ આઈપીએસ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી 7 માર્ચ 2025ના રોજ, સુરત આવી રહ્યા છે તે પહેલા તંત્ર જાગૃત થઈ ગયું છે. શહેરને દુલ્હનની જેમ શણગારવામાં આવી રહ્યું છે. વડાપ્રધાન જે રસ્તા પરથી પસાર થવાના છે ત્યાંની મુખ્ય દિવાલો પર પેઇન્ટિંગ્સ કરવામાં આવી રહ્યું છે. શહેરના તૂટેલા રસ્તાઓ રિપેર થઈ ગયાં છે. અમુક જગ્યાએ વડાપ્રધાનની નજર ન પડે તે માટે લીલા કપડાની આડશ ઊભી કરી દીધી છે.
યૂટ્યૂબર જ્યોત્સના આહીરે 3 માર્ચ 2025ના રોજ આ અંગે વીડિયો સોશિયલ મીડિયામાં મૂક્યો છે, જે આંખ ખોલનારો છે. જ્યોત્સના ‘વડાપ્રધાન’ શબ્દના બદલે ‘શહેનશાહે-એ-હિન્દ/ સુલ્તાને હિન્દ’ શબ્દ પ્રયોગ કર્યો છે. તે કહે છે : “આ મુલાકાત કેટલી ભવ્ય અને આલીશાન રહેવાની છે? તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકો છો કે આ મુલાકાત પાછળ 31.50 કરોડ રુપિયા ખર્ચવામાં આવશે. અઢી કરોડ રુપિયા તો માર્કેટિંગ પાછળ ખર્ચાશે !
આ ખર્ચ કોના ખિસ્સામાંથી થઈ રહ્યો છે? વડાપ્રધાનની સભા માટે ભીડ લાવવા/ લાભાર્થીઓ અને તેમના પરિવારજનોને લાવવા- લઈ જવા માટે સુરત મહાનગર પાલિકાની 450 સિટી બસો અને એસ.ટી.ની 600 બસો તથા ખાનગી બસો મળીને 1350 બસો દોડાવવામાં આવશે. આપણે પ્રજા છીએ એટલે પ્રશ્ન કરતા નથી, નાગરિક આપણે બની શકતા નથી ! કેમકે ‘સુલ્તાન-એ- હિન્દ’ આપણને નાગરિક પણ બનવા દેતા નથી !”
આ પણ વાંચો-મોદીને સુરતમાં રાજા જાહેર કરતી તૈયારી; સુરતની સભાનું રૂ. 350 કરોડનું ખર્ચ અને સભાનું રહસ્ય શું છે?
થોડાં પ્રશ્નો : [1] ભલે સુરત શહેરને શણગારો, પરંતુ સુરતની મૂળ સમસ્યાઓને શા માટે ઢાંકો છો? હાલ હીરા ઉદ્યોગમાં મંદીનો માહોલ છે. કારીગરોને છૂટા કરવામાં આવે છે. તેમનું ઘર કઈ રીતે ચાલે? તેમના બાળકોની સ્કૂલ ફી કોણ ભરશે? તેઓ આત્મહત્યા કરી રહ્યા છે, તેમના બાળકો નિરાધાર થઈ રહ્યા છે, પરિવારો વિખરાઈ રહ્યા છે, આ સમસ્યા માટે કેમ કોઈ પગલાં લેવાતાં નથી?
[2] મહાનગર પાલિકાના અધિકારીઓની બેદરકારીના કારણે ખુલ્લી ગટરમાં બાળક પડી ગયું અને ગૂંગળાઈને મરણ પામ્યું; જવાબદાર અધિકારીની ધરપકડ થઈ નથી, આ બાબતે કોઈ ચિંતા કેમ નથી?
[3] ટેક્સટાઈલ માર્કેટમાં આગ લાગી અને વેપારીઓ રોડ પર આવી ગયા, આ અંગે સરકાર કેમ સંવેદનશીલ બની નથી?
[4] ભક્તો કહે છે કે મોદીજી વિશ્વના સૌથી લોકપ્રિય નેતા છે, પ્રજા એમને સાંભળવા તલપાપડ થઈ જય છે. જો આ સત્ય હોય તો ભીડ એકત્ર કરવા 1350થી વધુ બસો દોડાવવી પડે?
[5] વડાપ્રધાનની મુલાકાત વેળાએ રંગરોગાન થાય/ દિવાલો પર પેઇન્ટિંગ થાય, ગરીબ લોકોને કાપડની દિવાલથી ઢાંકે, આ બધું વડાપ્રધાન જાણતા નહીં હોય? આવો ડોળ શા માટે? શું વડાપ્રધાનની હાજરી વખતે જ લોકોને વિકાસ દેખાડવો પડે?
[6] 5 એપ્રિલ 2024ના રોજ, મધ્યપ્રદેશમાં એક ચૂંટણી સભામાં મોદી માટે 11 લાખ રુપિયાની કાર્પેટ નાખવામાં આવી હતી ! જો કે આ ખર્ચ પક્ષે કર્યો હતો, પરંતુ પક્ષ પાસે નાણાં આવે છે ક્યાંથી? ઉદ્યોગપતિઓ પાસેથી જ ને? તેઓ કુદરતી સંપત્તિઓનું દોહન કરીને જ ફંડ આપે છે ને? ભવ્ય અને આલીશાન મુલાકાત/ સભાનો ખર્ચ સરકાર કરે કે પક્ષ; તેનો ભોગ સામાન્ય નાગરિકો જ બને ! કલ્પના તો કરો 11 લાખની કાર્પેટ/ 10 લાખનો સૂટ છતાં ઈમેજ ફકીરની, ચોકીદારની ! શું 11 લાખની કાર્પેટ પર ચાલનાર ગરીબોની સેવા કરે કે અદાણી/ અંબાણીની? શું દાળમાં કંઈક કાળુ છે કે આખી દાળ જ કાળી છે?
આ પણ વાંચો-Alka Lamba: ગુજરાતમાં દર મહિને 200 મહિલાઓ પોલીસ સ્ટેશને પહોંચે છે, મહિલા કોંગ્રેસ નેતાના આરોપ