
- અમેરિકાથી હાથકડી-સાંકળોમાં બાંધીને પોતાના લોકોને પરત મોકલવાને લઈને ભારત હવે શું કહી રહ્યું છે?
ભારતે કહ્યું છે કે તેણે અમેરિકા સમક્ષ 104 બિનદસ્તાવેજીકૃત ભારતીયોને લશ્કરી વિમાન દ્વારા હાથકડી અને સાંકળો પહેરાવીને મોકલવાનો મુદ્દો ઉઠાવ્યો છે.
વિદેશ મંત્રી એસ. જયશંકરે સંસદમાં આ મુદ્દા પર વિગતવાર નિવેદન આપ્યાના એક દિવસ પછી વિદેશ સચિવ વિક્રમ મિસરીએ કહ્યું કે ભારતે અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહેતા ભારતીય નાગરિકોના અપમાનજનક દેશનિકાલનો મુદ્દો અમેરિકા સમક્ષ ઉઠાવ્યો છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 12-13 ફેબ્રુઆરીએ અમેરિકાની મુલાકાત લેશે. વિદેશ મંત્રાલયે સંકેત આપ્યો છે કે પીએમ મોદી યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે દ્વિપક્ષીય વાટાઘાટામાં ભારતીયોના અપમાનજનક દેશનિકાલનો મુદ્દો ઉઠાવી શકે છે.
બુધવારે એક અમેરિકન લશ્કરી વિમાન 104 ભારતીય નાગરિકોને લઈને અમૃતસર એરપોર્ટ પર ઉતર્યું હતુ. તે માન્ય દસ્તાવેજો વિના અમેરિકામાં રહેતો હોવાનું કહેવાય છે. આ બધા લોકોના હાથમાં હાથકડી અને પગમાં સાંકળો બાંધેલી હતી.
વિદેશ સચિવે શું કહ્યું?
શુક્રવારે વિદેશ મત્રાલયની બ્રીફિંગમા વિદેશ સચિવ વિક્રમ મિસરી હાજર હતા. તેમના સામે અમેરિકામાં રહી રહેલા ગેરકાયદેસર ભારતીય પ્રવાસીઓને અપમાનજનક રીતે પરત મોકલવાનો પ્રશ્ન ઉઠ્યો હતો.
તેમને પૂછવામાં આવ્યું કે શું બ્રાઝીલની જેમ ભારતે પોતાના નાગરિકો સાથે કરવામાં આવેલા દૂર્વ્યવહારનો મુદ્દો અમેરિકા સામે ઉઠાવ્યો છે.
આ પ્રશ્નના જવાબમાં મિસરીએ કહ્યું, “હાં, ભારતે અમેરિકન અધિકારીઓ સામે આ મુદ્દો ઉઠાવ્યો છે. ભારતીયોને અમૃતસર એરપોર્ટ પર ઉતારવાના પહેલાની કાર્યવાહીથી થોડૂં અલગ હતું. ટ્રમ્પ પ્રશાસને આને નેશનલ સિક્યોરિટી ઓપરેશન માન્યું હતુ, તેથી યાત્રીઓને અલગ રીતે લાવવામાં આવ્યા. કદાચ આ કારણે જ યાત્રીઓને લાવવા માટે મિલિટ્રી એરક્રાફ્ટનો ઉપયોગ કરવામાં આવ્યો.”
મિસરીએ કહ્યું કે, ગેરકાયદે રહેલા ભારતીય પ્રવાસીઓ સાથે જે વ્યવહાર થયો છે તે ટાળી શકાયું હોત. આ મુદ્દાને ઉઠાવવો જ જોઈએ. તેમનું કહેવું હતુ કે, આ મુદ્દો ભારત અમેરિકા સામે સતત ઉઠાવતું રહેશે.

વિદેશ સચિવે કહ્યું કે, “ભારતે હંમેશા તે વાત પર ભાર આપ્યો છે કે લોકો સાથે નિષ્પક્ષ અને સન્માન સાથે વ્યવહાર કરવામાં આવવું જોઈએ. દેશનિકાલ કરાયેલા લોકો સાથે જ્યારે પણ અપમાનજનક વ્યવહારનો કોઈ કેસ અમારા ધ્યાનમાં આવે છે, તો અમે તેને ઉઠાવીએ છીએ અને ભવિષ્યમાં પણ અમે આવું કરવાનું ચાલું રાખીશું.”
અન્ય દેશનિકાલ આદેશમાં 487 લોકોના નામ સામેલ
મિસ્ત્રીએ કહ્યું કે અમેરિકાના અંતિમ દેશનિકાલ આદેશમાં 487 ભારતીયોના નામ સામેલ છે. ટ્રમ્પ વહીવટીતંત્રે આમાંથી 298 લોકોના નામ શેર કર્યા છે. ભારતીય અધિકારીઓ તપાસ કરી રહ્યા છે કે આ લોકો ભારતીય નાગરિક છે કે નહીં.
ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના એક અહેવાલમાં જણાવાયું છે કે અમેરિકાએ શરૂઆતમાં 203 ભારતીયોના નામ દેશનિકાલ માટે મોકલ્યા હતા અને દેશનિકાલ કરાયેલા 104 લોકોના નામ આ યાદીનો ભાગ છે.
બાકીના 99 લોકોમાંથી 96 લોકો ભારતીય નાગરિક હોવાની પુષ્ટિ થઈ છે. એવું માનવામાં આવે છે કે અમેરિકા હવે તેમને આગામી ફ્લાઇટ દ્વારા મોકલશે.
આ પણ વાંચો- બીજેપીની જીત, આપની હાર અને આશંકાઓ અંગે શું લખી રહ્યું છે દેશ-દુનિયાનું મીડિયા?
અમેરિકાના પગલાથી ભારતીયોમાં ગુસ્સો
ભારતીયોને હાથકડી અને સાંકળો પહેરાવીને પાછા મોકલવાના મુદ્દા પર ભારતમાં ઘણો ગુસ્સો છે.
અમેરિકાએ ભારતીયોને પાછા મોકલવાનો વીડિયો બહાર પાડ્યો ત્યારે ભારતમાં લોકોએ પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો. વીડિયોમાં ભારતીયોને ચહેરા પર માસ્ક, હાથમાં હાથકડી અને પગમાં બેડીઓ પહેરેલા જોઈ શકાય છે.
યુનાઇટેડ સ્ટેટ્સ બોર્ડર પેટ્રોલના ચીફ માઇકલ ડબલ્યુ બેંક્સે વીડિયો સાથે તેમની x પોસ્ટમાં લખ્યું, “ભારતમાંથી ગેરકાયદેસર વિદેશીઓને સફળતાપૂર્વક દેશનિકાલ કરવામાં આવ્યા છે. અમે ઇમિગ્રેશન નિયમો પ્રત્યે પ્રતિબદ્ધ છીએ. જો તમે ગેરકાયદેસર રીતે આવો છો તો તમને આ રીતે પાછા મોકલવામાં આવશે.
કોંગ્રેસના રાજ્યસભા સાંસદ રણદીપ સુરજેવાલાએ સરકારને પૂછ્યું, “શું આ વર્તન માનવીય છે કે આતંકવાદીઓ જેવું?”
આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહે પૂછ્યું કે શું આપણા પોતાના વિમાન આગળ મોકલવાની અને ભારતીય નાગરિકોને પાછા લાવવાની કોઈ યોજના છે?
વ્યૂહાત્મક બાબતોના નિષ્ણાત બ્રહ્મા ચેલ્લાનીએ X પર લખ્યું છે કે ભારતે અમેરિકાના આ વર્તનને સ્વીકારવું જોઈતું ન હતું.
લોકો સવાલો ઉઠાવી રહ્યા છે કે ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને પરત લાવવાના મુદ્દા સામે મેક્સિકો, કોલંબિયા અને બ્રાઝિલે જે હિંમત બતાવી હતી તે ભારત કેમ ન બતાવી શક્યું?
કોલંબિયાના કેમ થઈ રહ્યા છે વખાણ
જ્યારે અમેરિકાએ કોલંબિયાના લોકોને પાછા મોકલ્યા ત્યારે તે દેશના રાષ્ટ્રપતિ ગુસ્તાવો પેટ્રોએ કડક વલણ અપનાવ્યું હતું.
જાન્યુઆરીમાં જ્યારે અમેરિકાએ કોલંબિયાના નાગરિકોને લશ્કરી વિમાનમાં પાછા મોકલ્યા ત્યારે ગુસ્તાવો પેટ્રોએ તેને પોતાના દેશમાં ઉતરવાની મંજૂરી આપી ન હતી.
રાષ્ટ્રપતિ પેટ્રોએ કહ્યું કે તેઓ તેમના સાથી નાગરિકોને સામાન્ય (નાગરિક) વિમાનોમાં પાછા લાવશે અને તેમની સાથે ગુનેગારો જેવો વ્યવહાર નહીં કરે.
કોલંબિયાના આ પગલાથી ડોનાલ્ડ ટ્રમ્પ એટલા ગુસ્સે થયા કે તેમણે કોલંબિયા પર વધારાનો 25 ટકા ટેરિફ લાદવાની જાહેરાત કરી દીધી હતી.
પેટ્રોએ કહ્યું કે તે પણ આવી જ બદલાની કાર્યવાહી કરશે.
વ્હાઇટ હાઉસે પાછળથી કહ્યું કે કોલંબિયા હવે યુએસ લશ્કરી વિમાનો દ્વારા આવતા સ્થળાંતર કરનારાઓને સ્વીકારવા સંમત થયું છે. તેથી અમેરિકા ટેરિફ સાથે આગળ વધશે નહીં.
બંને દેશોના રાજદ્વારીઓ વચ્ચે એક કરાર થયો હતો જેના હેઠળ કોલંબિયાએ સ્થળાંતર કરનારાઓને પરત લાવવા માટે તેના વાયુસેનાના વિમાનો મોકલ્યા હતા.
પેટ્રોએ જણાવ્યું હતું કે આ પ્રક્રિયાથી ખાતરી થાય છે કે સ્થળાંતર કરનારાઓ સાથે “આદરપૂર્વક” વર્તન કરવામાં આવવું જોઈએ.
અમેરિકામાં ગેરકાયદેસર રીતે વસતા લોકોને તેમના દેશમાં પરત લાવ્યા પહેલા પેટ્રોએ X પર લખ્યું હતુ કે, “તેઓ કોલમ્બિયન છે, મુક્ત અને આદરણીય છે. તેમના વતનમાં જ્યાં તેમને પ્રેમ કરવામાં આવે છે.” તેમણે હાથકડી વગર વિમાનમાંથી ઉતરતા સ્થળાંતર કરનારાઓના ફોટા પણ પોસ્ટ કર્યા હતો. તો બીજી તરફ ભારતમાં મીડિયાને એરપોર્ટથી દૂર રાખવામાં આવ્યું તો ઉતરતા વિમાનના ફોટો અને તેમાંથી બહાર આવતા નાગરિકોના ફોટો પણ લેવા દેવામાં આવ્યા નહતાં.
આ સમગ્ર મામલે વિદેશ મંત્રી એસ. જયશંકરે ગુરુવારે સંસદમાં સરકારનો પક્ષ રજૂ કર્યો હતો.
જયશંકરે કહ્યું હતું કે, “દેશનિકાલની પ્રક્રિયા નવી નથી, પરંતુ તે વર્ષોથી ચાલતી આવી રહી છે. અમે યુએસ સરકાર સાથે વાત કરી રહ્યા છીએ કે જેમને દેશનિકાલ કરવામાં આવી રહ્યા છે તેમની સાથે ફ્લાઇટમાં અમાનવીય વર્તન ન કરવું જોઈએ.”
અગાઉના યુએસ વહીવટ દરમિયાન પણ લાખો લોકોને દેશનિકાલ કરવામાં આવ્યા હતા.
સત્તાવાર માહિતી અનુસાર, યુએસ ઇમિગ્રેશન અને કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટે 2018થી 2023 વચ્ચે 5,477 ભારતીયોને યુએસથી દેશનિકાલ કર્યા. 2020ના વર્ષમાં એક જ વર્ષમાં સૌથી વધુ 2,300 ભારતીયોને દેશનિકાલ કરવામાં આવ્યા હતા.
2024માં સપ્ટેમ્બર મહિના સુધીમાં 1000 ભારતીય નાગરિકોને અમેરિકાથી દેશનિકાલ કરવામાં આવ્યા હતા.
ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને પાછા મોકલવામાં કેટલો ખર્ચ થાય છે?
ગેરકાયદેસર ભારતીય પ્રવાસીઓની પરત મોકલવા માટે અમેરિકન સેનાનો સી-17 વિમાનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
સી-17 એક ભારે સૈન્ય પરિવહન વિમાન છે. સમાચાર એજન્સી રોયટર્સ અનુસાર પાછલા સપ્તાહે, ગ્વાટેમાલાના ગેરકાયદેસર પ્રવાસીઓને પરત મોકલવામાં પ્રતિ પેસેન્જર 4,675 ડોલરનો ખર્ચ આવ્યો હતો, જે એક રીતે ફર્સ્ટ ક્લાસના સરેરાશના ખર્ચ 853 ડોલરથી પાંચ ગણો વધારે છે.
રોયટર્સે એક અનામી અમેરિકન અધિકારીના હવાલાથી જણાવ્યું છે કે સી-17 વિમાનથી 64 પ્રવાસીઓને ગ્વાટેમાલા મોકલવાનો ખર્ચ લગભગ 28,500 ડોલર પ્રતિ કલાક હતી.
આ હિસાબથી દેખવામાં આવે તો સી-17થી ભારતીયોને અમૃતસર લાવવામાં લગભગ ચાર કરોડ રૂપિયાથી વધારેનો ખર્ચ થયો હશે.