
- હર્ષ સંઘવીની પોલીસ અધિકારીઓ સાથેની મીટિંગમાં શું નક્કી કરવામાં આવ્યું?
ગૃહ રાજ્યમંત્રીએ પોલીસ તંત્રને સખત નિર્દેશો આપીને નબળાઇઓ દુર કરવા તાકીદ કરી છે. રાજ્યભરમાં કાયદો વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા માટે આદેશો આપ્યા બાદ આજ રાતથી (17 માર્ચ રાતથી) રાજ્યવ્યાપી (statewide) એક્શન પ્લાન અમલમાં મૂકવામાં આવ્યો છે.
રાજ્યમાં કાયદો વ્યવસ્થા વધુ મજબૂત બનાવવા માટે ઉચ્ચ કક્ષાની વિડિયો કોન્ફરન્સ (VC) રિવ્યુ મિટિંગ 17 માર્ચે ગૃહ રાજ્યમંત્રીના ના અધ્યક્ષ સ્થાને યોજાઇ હતી. જેમાં DYSP અને તે ઉપરના તમામ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ગૃહ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે ગૃહ રાજ્યમંત્રીએ કાયદો વ્યવસ્થા સુધારવા માટે મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરી અને તાત્કાલિક અમલ માટે નિર્દેશો આપ્યા હતા.
SP-DYSP ના રિપોર્ટ કાર્ડની સમીક્ષા
બેઠક દરમિયાન DYSP અને SP લેવલના અધિકારીઓના રિપોર્ટ કાર્ડ મંગવામાં આવ્યા હતા. જેમા પોલીસ સ્ટેશનોની કામગીરી, ગુનાહિત પ્રવૃત્તિઓ પરની નિયંત્રણની સ્થિતિ અને પેન્ડિંગ કેસોની વિગતો માગવામાં આવી હતી. DGP, ACS હોમ, SP અને તેની ઉપરના અધિકારીઓની કામગીરીનું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંધવી મૂલ્યાંકન કરશે.
આ બેઠકમાં ગૌહત્યા,વ્યાજખોરી અને અન્ય ગંભીર ગુનાઓ પર ચર્ચા થઈ. કેસો પેન્ડિંગ કેમ છે? તેનો સંપૂર્ણ રીપોર્ટ માંગવામાં આવ્યો હતો. શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં કોમ્બિંગ ઓપરેશન અને ટાર્ગેટેડ કાર્યવાહી વધારવા સૂચના આપવામાં આવી છે.
‘100 કલાક’ એક્શન પ્લાન: 17 માર્ચથી અમલમાં મૂકાયો
કાયદો વ્યવસ્થા મજબૂત કરવા માટે “100 કલાક” એક્શન પ્લાન ઘડાયો, જે 17 માર્ચથી જ અમલમાં મૂકવામાં આવ્યો છે.
રાજ્યમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ લથડતી નજરે પડી રહી છે. અસામાજિક તત્ત્વો જાણે પોલીસનો કોઈ ડર જ ન હોય એવી રીતે આતંક મચાવતા હોવાના કિસ્સા સામે આવી રહ્યા છે. એક ઘટના હજુ પતે નહીં ત્યાં બીજી ઘટના બને છે. થોડા દિવસ પહેલાં રાજ્યના પોલીસ વડાએ 100 કલાકમાં રાજ્યભરના અસામાજિક તત્ત્વોની યાદી તૈયાર કરવા જણાવ્યું હતું. જ્યારે હવે રાજ્ય ગૃહમંત્રીની અધ્યક્ષતામાં પોલીસ અધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી.
રાજ્યના ગૃહ મંત્રીની અધ્યક્ષતામાં મળેલી કાયદો અને વ્યવસ્થાને લઈને યોજાયેલી બેઠકમાં પોલીસ અધિકારીઓને જરૂરી સૂચનો આપવાની સાથે ટકોર કરવામાં આવી હતી. જેમાં DySPથી લઈને ઉચ્ચ કક્ષાના તમામ અધિકારીઓએ પોતાનો રિપોર્ટ કાર્ડ રજૂ કરવા સહિત તેમના વિસ્તારના ક્રાઈમ રેટની વિગતે માહિતી આપવા જણાવ્યું હતું. તેમજ 100 કલાકમાં રાજ્યભરના અસામાજિક તત્ત્વોની તૈયાર કરવામાં આવેલી યાદી પર યોગ્ય કાર્યવાહી કરવા આદેશ કર્યા હતા.
જ્યારે IPS અધિકારીઓના રિપોર્ટ કાર્ડ ગૃહ મંત્રી અને ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ દ્વારા રિવ્યુ કરવામાં આવશે. આ સાથે બેઠકમાં અરજદારોને અધિકારીઓ રૂબરૂ મળે તેના પર ભાર મુકાયો છે.
બેઠકમાં અન્ય કઈ બાબતો પણ થઈ ચર્ચા
- શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં શસ્ત્ર પ્રોજેક્ટ લાગુ કરાશે.
- ફૂટ પેટ્રોલિંગ અને વાહન ચેકિંગ વધુ સખત બનાવાશે.
- ગુનેગારો અને ગુંડા તત્વો પર તાત્કાલિક અને આક્રમક કાર્યવાહી કરવામાં આવશે.
- અવૈધ હથિયારો, ડ્રગ્સ અને પ્રોહિબિશન કેસો પર તાત્કાલિક કાર્યવાહી કરવાનો આદેશ અપાયો.
- સંદિગ્ધ ગુનેગારોને ઝડપી કાયદાની જાળમાં લાવવા તાકીદ કરવામાં આવી.
- ડાર્ક ફિલ્મ, હથિયાર, ડ્રગ્સ અને પ્રોહિબિશન કેસો પર કાર્યવાહી કરવામાં આવશે.
- શસ્ત્ર પ્રોજેક્ટને રાજ્યના વધુ વિસ્તારોમાં લાગુ કરવાની જાહેરાત.
- ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓની જામીન રદ કરવા તાકીદ.
- જામીન રદ કરવા માટે જરૂરી કેસોની યાદી તાત્કાલિક તૈયાર કરવાનો આદેશ.
હવે તે પ્રશ્ન ઉઠી રહ્યો છે કે, અત્યાર સુધી શું ગુજરાતમાં પોલીસ ઉપરોક્ત તમામ કાર્યવાહી કરી રહી નહતી. પાણી મોઢા ઉપરથી વ્હેવા લાગ્યું છે તેવું હર્ષ સંઘવીને લાગી રહ્યું છે? શું ગુજરાતમાં વધી રહેલા ક્રાઈમ રેટને લઈને કેન્દ્રથી ફટકાર લાગ્યા પછી હર્ષ સંઘવી જાગ્યા છે? કેમ કે વસ્ત્રાલ ઘટનાના વીડિયો ખુબ જ વાયરલ થયા હતા. તે પછી પોલીસે કરેલી કાર્યવાહીના વીડિયો તો વધારે પડતા જ વાયરલ થઈ રહ્યા છે.
હવે આરોપીઓના પરિજનોના વીડિયો વાયરલ થઈ રહ્યા છે, જેમાં તેઓ કહી રહ્યા છે કે આમાં અમારો શું વાંક હતો કે અમારા ઘર તોડી પાડવામાં આવ્યા છે. હર્ષ સંઘવી કાયદો અને વ્યવસ્થા જળવાય તે માટે વીડિયો વાયરલ થયા પછી અચાનક જાગૃત થયા હતા. જ્યાર સુધી વીડિયો વાયરલ થયા નહતા ત્યાર સુધીમાં ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા તેમના મતે ખુબ જ સારા ચાલી રહ્યા હતા. પરંતુ એક જ દિવસમાં રોલો પડી ગયો. વીડિયો વાયરલ થયા પછી કરવામાં આવેલી કાર્યવાહી કાયદાને અભરાઈ ઉપર ચઢાવીને કરવામાં આવી છે.
તમારે આરોપીઓને જાહેરમાં મારવા જ હતા તો પછી તમારે કોર્ટ-કચેરીની પરવાનંગી લેવાની જરૂરત હતી. ઘર તોડી પાડવા હતો તો તે કાયદા પ્રમાણે કરવા જેવી કાર્યવાહી છે. એક વ્યક્તિના ગુન્હાની સજા આપણે બીજાને કેવી રીતે આપી શકીએ? ગુજરાત સરકાર તો એક વ્યક્તિની સજા આખા પરિવારને આપી રહી છે. તે કેટલું યોગ્ય છે. તમે જ કાયદો અને વ્યવસ્થાની ધજાગરા ઉડાવી રહ્યા છો અને પાછો કાયદો અને વ્યવસ્થા જાળવાની વાતો કરવામાં આવી રહી છે.
હર્ષ સંઘવીએ પ્રેસ કોન્ફ્રન્સમાં કહે છે કે ગુંડાતત્વો સાથે પોલીસ કર્મચારીઓનું ક્નેક્શન સામે આવશે તો તેમને પણ નોકરીથી હાથ ધોવા પડશે. વાત બરાબર છે, તેમની પરંતુ નેતાઓના ક્નેક્શન સામે આવે તો શું કરશો? ગુજરાત અને દેશભરમાં ગુંડાતત્વો સાથે બીજેપી નેતાઓ તો સ્ટેજ શેર કરી ચૂક્યા છે.
શું હર્ષ સંઘવીને કેન્દ્ર તરફથી ફટકાર લગાવવામાં આવી છે? આ પ્રશ્ન તે માટે ઉભો થઈ રહ્યો છે કેમ કે પાછલા ઘણા સમયથી ગુજરાતમાં ગુનાહિત પ્રવૃત્તિ, દારૂનું વેચાણ માટે પોલીસની પરવાનગીનો મુદ્દો, નશામાં હિટ એન્ડ રન કેસ સહિતના અનેક કેસો બની રહ્યા છે. તેથી ક્યાંકને ક્યાંક ગુજરાતની છબી ભારતમાં ખરાબ થઈ રહી છે. સ્વભાવિક છે કે, ગુજરાતની છબી ખરાડાય એટલે સીધો તેનો દાગ બીજેપીને લાગે છે. આ કારણે ગુજરાતમાં વધી રહેલી અરાજકતાને કંટ્રોલ કરવા માટે અને ક્રિમિનલોને મળેલો ખુલ્લા દૌર ઉપર બ્રેક મારવા માટે કેન્દ્રથી કડક આદેશ આવ્યો હોઈ શકે છે.
હાલમાં ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાના ધજાગરા પહેલા ગુંડાતત્વો ઉડાવે છે અને ન્યાયને આગળ ધરીને પાછળથી પોલીસ ઉડાવે છે. આમ ગુજરાતમાં પોલીસ અને ગુંડાતત્વો બંને કાયદો અને વ્યવસ્થાના ધજાગરા ઉડાવી રહ્યા છે. આ વચ્ચે હર્ષ સંઘવી લો એન્ડ ઓર્ડરની સ્થિતિ સુધારવા માટે મીટિંગ કરી રહ્યા છે. આ મીટિંગમાં એવું કશું જ નવું નથી, તેનાથી ગુજરાતમાં ગુનાહિત પ્રવૃત્તિઓ રોકાઈ જશે. જે ગુંડાઓને છાવરવામાં આવે છે અને તેઓ પોતાના ઉપર બીજેપીની રહેમનજર હોવાનું વિચારે છે તેઓ ગમે ત્યારે ગમે તે વ્યક્તિ સાથે મારપીટ કરી શકે છે.
ગુજરાતમાં તો સરકારે પોતે જ કાયદો અને વ્યવસ્થાના ધજાગરા ઉડાવી દીધા છે. પહેલા ચોક્કસ એક ધર્મના ગુનાહિત ઇતિહાસ ધરાવતા ક્રિમિનલો માટે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો તેવું કહેનારા હર્ષ સંઘવી હવે કહી રહ્યા છે કે, ક્રિમિનલ કોઈપણ ધર્મ-સમાજનો હોય તેને બક્ષવામાં આવશે નહીં. તે ઉપરાંત તેઓ હવે કહી રહ્યા છે કે, ક્રિમિનલ લોકોનો કોઈ સમાજ હોતો નથી. તેઓ માત્ર ક્રિમિનલ હોય છે. વસ્ત્રાલની ઘટના પછી હર્ષ સંઘવીને બ્રહ્મજ્ઞાન થયું હોય તેવું લાગી રહ્યું છે.