
ઝેલેન્સ્કીએ કહ્યું- માફી માંગવામાં આવશે નહીં; હવે શાંતિમંત્રણા જ વર્લ્ડવોર-3નું બનશે કારણ?
યુક્રેનના પ્રમુખ વોલોદિમીર ઝેલેન્સ્કી અને અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે શુક્રવારે યોજાયેલી મંત્રણામાં ઉગ્ર દલીલો બાદ ઝેલેન્સ્કી મક્કમ રહ્યા અને તેમણે ટ્રમ્પથી માફી માગવાનો ઈનકાર કરી દીધો છે. એક ઈન્ટરવ્યૂમાં તેમણે આ ઘટનાને બંને પક્ષો માટે નુકસાનકારક ગણાવી હતી.
ઝેલેન્સ્કીએ કહ્યું કે જો અમેરિકા સમર્થન પાછું ખેંચી લેશે તો રશિયા વિરુદ્ધ યુક્રેનની સુરક્ષા કરવી અમારા માટે મુશ્કેલ બની જશે. જોકે મને એ વાત પર અફસોસ છે કે અમેરિકન પ્રમુખ સાથે ઉગ્ર દલીલોનું જાહેર પ્રસારણ કરાયું. ઝેલેન્સ્કીએ કહ્યું કે અમે વિનમ્રતા જાળવી રાખવા માગીએ છીએ.
જ્યારે ઝેલેન્સ્કીને સવાલ કરાયો કે શું તમે અમેરિકન પ્રમુખ પાસે માફી માગવાનો છો તો તેમણે જવાબ આપ્યો કે ના, હું પ્રમુખનું સન્માન કરું છું. હું અમેરિકન લોકોનું પણ સન્માન કરું છું પણ મને નથી લાગતું કે અમે કંઈ ખોટું કર્યું છે. ટ્રમ્પ અને પુતિનના વધતા સંબંધો વચ્ચે ઝેલેન્સ્કીએ કહ્યું કે હું ઈચ્છું છું કે ટ્રમ્પ મધ્યસ્થતા કરતા રહે. મારી ઈચ્છા છે કે ટ્રમ્પ અમારી તરફેણ કરે. જોકે શું હવે ફરી ટ્રમ્પ સાથે સારા સંબંધો બનશે તેવા સવાલના જવાબમાં તેમણે ‘હાં’ માં જવાબ આપ્યો હતો.
યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદીમીર ઝેલેન્સ્કીએ શુક્રવારે (28 ફેબ્રુઆરી, 2025) વ્હાઈટ હાઉસમાં અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન બંને નેતાઓએ યુક્રેનમાં વર્ષોથી ચાલે રહેલા યુદ્ધમાં સંભાવિત યુદ્ધ વિરામ માટે ચાલી રહેલી વાતચીતના ભાગ તરીકે સંયુક્ત રાજ્ય અમેરિકા માટે ખનિજ કરાર પર ચર્ચા કરી.
આ દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર રશિયા-યુક્રેન યુદ્ધ પર મોટું નિવેદન આપ્યું છે. ટ્રમ્પે કહ્યું કે, ‘રશિયાની સાથે યુદ્ધ વિરામ પર કૉમ્પ્રોમાઇઝ કરવું પડશે. યુદ્ધ ખોટી દિશામાં જઈ રહ્યું છે. રશિયાની સાથે અમારી સારી ચર્ચા થઈ છે.’
ટ્રમ્પે કહ્યું કે, અમારા કારણે તમે સહી સલામત છો, સમજૂતી કરી લો. અમેરિકા વગર યુક્રેન યુદ્ધ ન લડી શકે યુક્રેન અમારા કારણે યુદ્ધમાં લાંબો સમય સુધી ટકી શક્યું.યુક્રેને સમજૂતી કરવી પડશે.
આ પણ વાંચો- ચૂંટણી પંચના આશીર્વાદથી મતદાન યાદીમાં ફેરફાર કરી રહી છે ભાજપ: CM મમતા બેનર્જી
જો કે, ઝેલેન્સ્કીએ યુદ્ધવિરામનો વિરોધ કર્યો અને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, કોઈ સમજૂતી નહીં કરીએ. આ દરમિયાન બંને નેતાઓ વચ્ચે ઉગ્ર ચર્ચા થઈ હતી. કીવ પોસ્ટના અનુસાર, ઝેલેન્સ્કીએ ટ્રમ્પ યુદ્ધ વિરામનો વિરોધ કર્યો અને કહ્યું કે, અમારે માત્ર યુદ્ધ વિરામની જરૂર નથી. કોઈ યુદ્ધવિરામ નહીં માનીએ. અમે પહેલા પણ આવું કર્યું છે. પુતિને 25 વખત તેનું ઉલ્લંઘન કર્યું છે, જેમાં તમારા રાષ્ટ્રપતિ કાળ દરમિયાન પણ આ થયું.
અમેરિકન મીડિયા રિપોર્ટના અનુસાર, રાષ્ટ્રપતિ ટ્રમ્પ, ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ અને રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી વચ્ચે ઓવલ ઓફિસમાં ખુબ ઉગ્ર ચર્ચા થઈ. ઝેલેન્સ્કીએ વેન્સને યુક્રેન આવવા માટે કહ્યું અને વેન્સે તેના પર પ્રચાર યાત્રા કરવાનો આરોપ લગાવ્યો. ટ્રમ્પે ઝેલેન્સ્કીને કહ્યું કે, હજુ તમારી પાસે કાર્ડ નથી. તમે ત્રીજા વિશ્વ યુદ્ધની રમત રમી રહ્યા છો. ઝેલેન્સ્કી… તમે અમેરિકાનું અપમાન કરી રહ્યા છો. આટલી નફરત વચ્ચે શાંતિ સંભવ નથી.
શાંતિ કરારના ઉલ્લેખ પર ઝેલેન્સ્કી ગુસ્સે થયા અને ટ્રમ્પ સાથે ઉગ્ર દલીલ કરી હતી. ઝેલેન્સ્કીએ કહ્યું કે, ‘અમે કોઈપણ યુદ્ધવિરામ સ્વીકારીશું નહીં.’ આના પર ટ્રમ્પે કહ્યું, ‘તમારો દેશ મુશ્કેલીમાં છે. તમે અમને ન જણાવો કે અમારે શું કરવાનું છે. તમે ત્રીજા વિશ્વયુદ્ધની રમત રમી રહ્યા છો. તમે અમને આદેશ આપવાની સ્થિતિમાં નથી. અમેરિકાએ યુક્રેનને હથિયાર આપ્યા છે. અમે તમને 350 અબજ ડોલરના હથિયાર આપ્યા છે. જો તમે સમાધાન નહીં કરો, તો અમે આમાંથી બહાર નીકળીશું. આજથી તમારા ખરાબ દિવસો શરૂ થયા છે.’
આ પહેલા રાષ્ટ્રપતિ ટ્રમ્પે ઓવલ ઓફિસમાં રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીનું સ્વાગત કર્યું અને જાહેરાત કરી કે આજે દુર્લભ ખનિજો પરના કરાર પર હસ્તાક્ષર કરવામાં આવશે. રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું કે, ‘અમે ખનિજો લેવા જઈ રહ્યા છીએ અને તેનો ઉપયોગ અમે તમામ કામો માટે કરીશું, જેમાં AI, હથિયાર અને સેના સામેલ છે. આ અમને સારી સ્થિતિમાં રાખે છે. મને આશા છે કે મને એક શાંતિદૂત તરીકે યાદ કરવામાં આવશે. હું આ બધું જીવન બચાવવા માટે કરી રહ્યો છું. આનાથી ત્રીજા વિશ્વયુદ્ધ થઈ શકે છે. આ યુદ્ધ ખોટી દિશામાં જઈ રહ્યું હતું.’
અમેરિકન રાષ્ટ્રપતિએ કહ્યું કે, ‘આ શાંતિનો માર્ગ છે. આ સમસ્યાનો ઉકેલ લાવવાનો રસ્તો છે. મને લાગે છે કે આ દેશના વડા તરીકે આવું કરવાની મારી જવાબદારી છે કે હું આવું કરું. આ ખુબ ખરાબ છે કે અમે તેમાં સામેલ થઈ ગયા, કારણ કે અમારે તેમાં સામેલ નહોતું થવું જોઈતું અને યુદ્ધ નહોતું થવું જોઈતું.’
જોકે, હવે શાંતિમંત્રણામાં બંને દેશના રાષ્ટ્રપતિઓ વચ્ચે થયેલી ઉગ્ર ચર્ચા પછી એવું લાગી રહ્યુ છે કે, શાંતિમંત્રણા જ વર્લ્ડવોર-3નું કારણ બની શકે છે. આ અંગે ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના નિવેદનમાં સંકેત પણ આપી દીધો છે. તેથી જો આગામી દિવસોમાં સમસ્યાનો ઉકેલ આવશે નહીં તો ચોક્કસ રીતે કંઈક મોટી ઘટના બની શકે છે, જેમાં મોટી સંખ્યામાં નિર્દોષ લોકો બલિએ ચઢી શકે છે.
તો અમેરિકા પણ યુક્રેનમાં રહેલા ખનીજ લેવા માટે વર્લ્ડ વોર-3ને આમંત્રણ આપે તેમાં શંકાને કોઈ સ્થાન નથી. ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના નિવેદનોમાં સ્પષ્ટ રીતે કહ્યુ છે કે, અમેરિકાએ યુક્રેનને કરેલી 350 અબજ ડોલરની મદદ પરત જોઈએ છે. તેથી આગામી સમયમાં પૈસા અને પાવર માટે ગમે તેટલા નિર્દોષ લોકોને ભોગ લેવો પડે તો પણ પૂંજીપતિઓ અને જગત જમાદાર બની બેસેલ અમેરિકા લઈ શકે છે.
આ પણ વાંચો- ચૂંટણી પંચના આશીર્વાદથી મતદાન યાદીમાં ફેરફાર કરી રહી છે ભાજપ: CM મમતા બેનર્જી