
નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશ જસ્ટિસ મદન બી. લોકુરને યુનાઈટેડ નેશન્સ ઇન્ટરનલ જસ્ટિસ કાઉન્સિલનો અધ્યક્ષ નિમવામાં આવ્યો છે. તેમની નિમણૂકનો કાર્યકાળ તાત્કાલિક અસરથી 12 નવેમ્બર 2028 સુધીનો રહેશે. રિપોર્ટ મુજબ, આ નિમણૂક સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસ દ્વારા કરવામાં આવી છે, જેમણે આ ક્ષેત્રમાં જસ્ટિસ લોકુરની નિષ્ણાતતા અને અનુભવને માન્યતા આપી છે.
સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર ગુટેરેસે કહ્યું, ‘મને તમને તાત્કાલિક અસરથી આંતરિક ન્યાય પરિષદના સભ્ય તરીકે અધ્યક્ષ તરીકે નિમણુંક કરતાં આનંદ થાય છે, જેનો કાર્યકાળ 12 નવેમ્બર 2028ના રોજ પૂરો થશે.’ જસ્ટિસ લોકુર આંતરિક ન્યાય પરિષદનું નેતૃત્વ કરશે, જેમાં વિશ્વભરના પ્રતિષ્ઠિત ન્યાયમૂર્તિઓનો સમાવેશ થાય છે. તેમાં ઉરુગ્વેની કારમેન આર્ટિગાસ, ઑસ્ટ્રેલિયાની રોઝલી બાલ્કિન, ઑસ્ટ્રિયાનાં સ્ટેફન બ્રેઝીના અને યુનાઇટેડ સ્ટેટ્સનાં જે પોઝેનલનો સમાવેશ થાય છે.
જાણવું જરૂરી છે કે 1953 માં જન્મેલા જસ્ટિસ લોકુરની કારકિર્દી શાનદાર રહી છે. તેમણે 4 જૂન 2012 થી 30 ડિસેમ્બર 2018 ના તેઓની નિવૃત્તિ સુધી ભારતના સર્વોચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશ તરીકે કામ કર્યું હતું. ઉલ્લેખનીય છે કે તેમને 2019 માં ફિજીના સર્વોચ્ચ ન્યાયાલયના ગેરનિવાસી પેનલના ન્યાયાધીશ તરીકે પણ નિમણૂક કરવામાં આવી હતી, જસ્ટિસ લોકુર અન્ય દેશના સર્વોચ્ચ ન્યાયાલયમાં પદ સંભાળનાર પહેલા ભારતીય ન્યાયાધીશ છે.
નોંધનીય છે કે આંતરિક ન્યાય પરિષદ સંયુક્ત રાષ્ટ્રની ન્યાયપ્રણાલી માટેના વ્યવસ્થાપનમાં સ્વતંત્રતા, વ્યાવસાયિકતા અને જવાબદારી સુનિશ્ચિત કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. અધ્યક્ષ તરીકે જસ્ટિસ લોકુર સંગઠન અંદર નિષ્પક્ષતા અને પારદર્શકતા પ્રોત્સાહન આપતા પરિષદના પ્રયાસોની દેખરેખ કરશે.
નોંધનીય છે કે જસ્ટિસ મદન લોકુર અભિવ્યક્તિની સ્વતંત્રતા અને અન્ય મૂળભૂત હકો માટે ઘણા ખરા વખતોમાં વક્તવ્ય આપતા જોવા મળે છે. આ વર્ષના મે મહિનામાં પત્રકારો સાથે જોડાયેલા એક કાર્યક્રમમાં બોલતા તેમણે કહ્યું હતું, ‘અસહમતિનો અર્થ એન્ટી નેશનલ થઈ શકે નથી, જે દુર્ભાગ્યવશ આજના સમયમાં બનાવ્યો છે. અભિવ્યક્તિની સ્વતંત્રતા અને પ્રદર્શનની સ્વતંત્રતા એકબીજા સાથે પરસ્પર જોડાયેલા છે. તમે એવું કહી ના શકો કે તમે પ્રદર્શન કરો પણ કાઈ બોલશો નહિ. આજના સમયમાં પ્રદર્શન કરનારાઓ સાથે બુલડોઝર જસ્ટિસ કરવામાં આવી રહી છે. તેમને પરેશાન કરવામાં આવી રહ્યા છે.’
જસ્ટિસ લોકુરનું કહેવું હતું, ‘બંધારણમાં પોલીસ સામે તમે કશું બોલવાનું ન હોય તેવું વિકલ્પ આપેલું છે, ‘ચુપ રહેવું’ એ એક મૂળભૂત હક છે, જે સંવિધાને દેશના નાગરિકોને આપ્યું છે, પણ પોલીસ તેને તમારા વિરૂધ્ધ જ ઉપયોગ કરે છે, તેને જામીન ન આપવાનો આધાર બનાવવામાં આવી રહ્યો છે. તેને દેશદ્રોહીની દ્રષ્ટિથી જોવામા આવે છે, જે બિલકુલ ખોટું છે. પત્રકારોના મોબાઈલ ફોન, લેપટોપ લઇને તેમનાં પ્રાઈવસીના હક પર હુમલો કરવામાં આવી રહ્યો છે, જે આપણા સંવિધાનના કલમ 20નું સ્પષ્ટ ઉલ્લંઘન છે.’
જસ્ટિસ મદન બી. લોકુરએ બૃજભૂષણ શરણસિંહ વિરુદ્ધ પ્રદર્શન કરી રહેલ પહેલવાનો સાથે થયેલ દુર્વ્યવહારને લઈને પણ દિલ્હી પોલીસની ટીકા કરી હતી. તેમણે કહ્યું હતું કે આ મામલાથી આ સંકેત આપવામાં આવી રહ્યો છે કે મહિલાઓએ શક્તિશાળી વ્યક્તિઓ વિરુદ્ધ યૌન અપરાધની ફરિયાદ કરવી જોઈએ નહીં.








