
- બનાસકાંઠા: રમઝાન મહિનામાં શુક્રવારે સવારની શાળાની વર્ષો જૂની પરંપરા વિનુ પટેલે કેમ તોડી?
રાજ્યમાં મુસ્લિમોની સંખ્યા સારી એવી છે. તેથી ઘણા વિસ્તારોમાં ખાસ કરીને મુસ્લિમ વસ્તી ધરાવતા પ્રદેશોમાં, રમઝાન મહિનામાં શુક્રવારે શાળાનો સમય વહેલો રાખવામાં આવે છે. તેની પાછળ મુખ્ય કારણ એ છે કે શુક્રવારે મુસલમાનોએ જુમ્માની નમાઝ માટે વધુ સમય મળી રહે.
આ વચ્ચે મળી રહેલા સમાચાર અનુસાર, બનાસકાંઠા જિલ્લાના પ્રાથમિક શિક્ષણાધિકારીએ રમઝાન માસમાં શુક્રવારે વહેલી સવારના પરિપત્રને રદ કરી દેવામાં આવ્યો છે. આ અંગે જિલ્લાના પ્રાથમિક શિક્ષણાધિકારી વિનુ પટેલ સાથે વાત કરવાની કોશિશ કરવામાં આવી હતી. પરંતુ તેમના સાથે ટેલિફોનિક વાતચીત યોગ્ય રીતે થઈ શકી રહી નથી. પરંતુ એક વાત તો ચોક્કસ છે કે, કોઈ અધિકારીને ફોન ઉપર પોતાની વાત કહેવી હોય તો સ્પષ્ટ શબ્દોમાં કહી શકે છે. પરંતુ વિનુ પટેલ એવું કરવાનું ટાળતા હોય તેવું દેખાઈ રહ્યુ છે.
જણાવી દઈએ કે, બનાસકાંઠામાં મુસ્લિમોની સંખ્યા સારી એવી છે. તો નવાબની નગરી ગણાતા પાલનપુર સહિતના આસપાસના વિસ્તારોમાં પણ મોટી સંખ્યામાં મુસ્લિમો વસવાટ કરે છે. આ તમામ બાબતોને ધ્યાનમાં લીધા વગર જિલ્લા શિક્ષણાધિકારી વિનુ પટેલ અને જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિએ ભેદભાવપૂર્વકનો નિર્ણય લઈને રમઝાન માસમાં મુસ્લિમોને શુક્રવારે શાળાનો વહેલી સવારનો સમય આપવાનો ઈન્કાર કરતો પરિપત્ર જાહેર કરી દીધો છે.
જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી વિનુ પટેલ દ્વારા શુક્રવારની શાળાનો સમય બદલી નાંખવામાં આવતા મુસ્લિમ સમાજમાં નારાજગી જોવા મળી રહી છે. સાથે જ મુસ્લિમ શિક્ષકોને પણ આંચકો લાગ્યો છે. જણાવી દઈએ કે, બનાસકાંઠામાં વર્ષોથી રમઝાન મહિનામાં શુક્રવારે શાળાનો સમય સવારનો રહેતો હતો. પાછલા ઘણા વર્ષોથી ચાલી આવતી પરંપરાને વિનુ પટેલે તોડી પાડી છે.
ઉલ્લેખનિય છે કે, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ પોતાના નવા પરિપત્રમાં શાળાને રેગ્યુલર સમયે કરવા અંગેનો કોઈ કારણ પણ દર્શાવ્યો નથી. મહત્વપૂર્ણ બાબત છે કે વર્તમાન સમયમાં સત્તાને વ્હાલા થવા રાજકીય નેતાઓ ધર્મને લઈને વિવાદીત ટિપ્પણી કરીને પોતાના રાજકીય રોટલા શેકતા હોય છે. પરંતુ પ્રથમ વખત એવું જોવા મળી રહ્યું છે કે, શિક્ષણ ક્ષેત્રે પણ લઘુમતી સમાજ સાથે ભેદભાવ કરીને સત્તાધીશોના ખોળામાં બેસવાનું કથિત રીતે કામ કરવામાં આવી રહ્યુ છે.
પ્રાથમિક શિક્ષણાધિકારીની ખુરશી ઉપર બેસીને સૌથી મોટા લઘુમતી સમાજ માટે ભેદભાવપૂર્વકનો નિર્ણય લેવો ખુબ જ મોટી વાત છે. જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી વિનુ પટેલે શાળાનો સમય કેમ બદલ્યો તેનું કારણની સ્પષ્ટતા કરવી જોઈતી હતી. કેમ કે કોઈ ભૂલ-ચૂક થઈ હોય તો તેને સુધારી શકી હોત પરંતુ સવારની શાળાના પરિપત્રને રદ્દ કરીને બીજો પરિપત્ર આપવો શું દર્શાવે છે?
આ બાબત પ્રાદેશિક શૈક્ષણિક વિભાગો અને શાળાઓની નીતિ પર પણ આધાર રાખે છે. ગુજરાતમાં પણ કેટલીક શાળાઓમાં રમઝાન દરમિયાન શુક્રવારે સમયસૂચી બદલવામાં આવી શકે છે. તેથી બનાસકાંઠાના મુસ્લિમ સમાજના આગેવાનો રજૂઆત કરે તો શિક્ષણાધિકારીને સમય બદલી આપવો પડે તેવું બંધારણ કહે છે.
જણાવી દઈએ કે, 14 વર્ષ પહેલા મુસ્લિમ અગ્રણીઓએ બનાસકાંઠા જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન રાજેન્દ્રભાઇ જોષીને રજુઆત કરી હતી. તેમની રજૂઆતને ધ્યાનમાં લઈને બનાસકાંઠાની તમામ શાળાની શુક્રવારની પાળી સવારની કરવામાં આવી હતી. તેવી જ રીતે આજથી 13 વર્ષ પહેલા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી બી.કે. પટેલે રાજેન્દ્ર ભાઈના નિર્ણયને આગળ ધપાવ્યો હતો.