
Patan Collector’s Office Bomb Threat: પાટણ જિલ્લાના કલેક્ટર કચેરીના મેલ આઈડી પર બોમ્બ બ્લાસ્ટની ધમકી મળતાં હાહાકરા મચ્યો છે. અધિકારીઓ કર્મચારીઓને રજા આપી દેવામાં આવી છે. બોમ્બ સ્કોડ અને પોલીસ દ્વારા કચેરીમાં સઘન તપાસ હાથ ધારાઈ છે. મેઈલમાં બપોરે ત્રણ વાગ્યા સુધી કલેક્ટર કચેરીમાં બ્લાસ્ટ થવાની સંભાવના વ્યક્ત કરી હતી. ત્યારે હવે રાજકોટ કલેક્ટર કચેરીને પણ આવો જ મેઈલ મળ્યો છે. જેથી તંત્ર સતર્ક બન્યું છે. અને તપાસ હાથ ધરવામાં આવી છે. હજુ સુધી પાટણ કલેકટર કચેરીમાંથી કંઈ વાંધાજનક વસ્તુ મળી નથી. જો કે હવે રાજકોટને પણ ધમકીભર્યો મેઈલ મળતાં તંત્ર દોડતું થયું છે.
પાટણ કલેક્ટર કચેરીમાં બોમ્બ બ્લાસ્ટની ધમકી મળતાં તમામ અધિકારીઓ અને કર્મચારીઓને બહાર લાવી દેવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાની સાથે જ પોલીસ અને ડોગ સ્કોડનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો. હાલ આખી કલેક્ટર કચેરી તપાસી કાઢવામાં આવી છે. જો કે હજુ સુધી કોઈ વાંધાજનક વસ્તુઓ ન મળતાં તંત્રએ રાહતના શ્વાસ લીધા છે. જો કે કચેરીની આસપાસ સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે.
કલેક્ટરના મેઈલ આઈડી પર મળી ધમકી
કલેક્ટર અરવિંદ વિજયનના ઇમેઇલ આઈડી પર બોમ્બથી ઉડાવી દેવાની ધમકીનો મેઇલ આવ્યો હતો. પાટણ જિલ્લા પોલીસ કમિશનરની ટીમનો કાફલો કલેક્ટર કચેરીએ પહોંચી ગયો હતો. પાટણ કલેક્ટર કચેરીના કેમ્પસમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. આ ધમકી ભરેલો મેઇલ મજાક મસ્તીમાં કરવામાં આવ્યો છે કે કેમ તેને લઇને પણ તપાસ કરવામાં આવી રહી છે.