
અજબ ગજબ: કપલ્સના આજના સમયમાં પણ આપણા દેશમાં લગ્ન અને પ્રેમસંબંધમાં નાતજાતની સાથેસાથે સંબંધોને પણ મહત્ત્વ આપવાનું ચલણ જળવાઈ રહેલું છે. ઓડિશામાં યુવકે ફોઈ સાથે લગ્ન કર્યાં તો જામની પંચાયતે બંનેને સજાના ભાગરૂપે અપમાનિત કર્યાં અને ખેતરમાં બળદની જેમ હળે જોતરીને ખેતી કરાવી હતી. એ પછી બંનેને મંદિરમાં લઈ જઈને કથિત રીતે પાપ શુદ્ધ કરવા માટે શુદ્ધીકરણનું અનુષ્ઠાન પણ કરાવ્યું હતું.
ભત્રીજાએ ફોઈ સાથે લગ્ન કર્યાં એટલે ગામલોકોએ બંનેને હળે જોતર્યા
ઓડીશાના રાયગઢ જિલ્લામાં એક ગામ છે, કંજમાઝિરા ગામ. ગામના યુવક અને તેના પિતાની બહેન એટલે કે ફોઈ વચ્ચે પ્રેમ થઈ ગયો. અને લગ્ન પણ કરી લીધાં હતાં. બંનેનાં લગ્ન ગામના લોકોને સ્વીકાર્ય નહોતાં. યુવક અને યુવતી ફોઈ-ભત્રીજો થતાં બંને વચ્ચે લોહીના સંબંધ હતા. એટલે ગ્રામજનો આ લગ્નની વિરુદ્ધ હતા એટલે પહેલાં તો બંનેને ગામ બહાર ધકેલી દીધા હતા. એ પછી પાછા બોલાવીને બંનેને બળદની જેમ હળે જોતર્યાં અને ખેતી કરાવી હતી.
આ ઘટનાનો વીડિયો સામે આવ્યો ત્યારે પોલીસ અધિકારીઓએ એક ટીમ સાથે ગામની મુલાકાત લીધી અને ફરિયાદ દાખલ કરી છે. ફોઈ-ભત્રીજાને શોધવાના કામમાં પોલીસ જોતરાઈ છે. જાન્યુઆરીમાં પણ આવી જ ઘટના બની હતી. રાયગઢમાં મહિલાએ પર જ્ઞાતિમાં લગ્ન કરતાં એક પરિવારના 40 સભ્યે મહિલાનું મુંડન કરાવ્યું હતું.
વૃદ્ધાને જીવતી કરવા મૃતદેહને છાણમાં દાટી દીધો
બીજી બાજુ, ઉત્તર પ્રદેશના સીતાપુર જિલ્લામાં મહિલાને ઝેરી સાપ કરડી ગયેલો. મહિલાને લઈને પરિવાર સ્વાસ્થ્ય કેન્દ્ર ગયો તો ડૉક્ટરે મૃત જાહેર કર હતી. પરિવારને ડૉક્ટરની વાત પર વિશ્વાસ નહોતો બેસતો એટલે મહિલાનો મૃતદેહ લઈને એક તાંત્રિક પાસે પહોંચ્યા. તાંત્રિકે મહિલાને 24 કલાકમાં જીવતી કરવાનો દાવો કર્યો અને મૃતદેહ છાણમાં દાટી દીધો હતો. જોકે મોડી રાતે મૃતદેહ છાણમાંથી બહાર કાઢ્યો હતો.
આ વાત મળી એટલે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના સંયોજકો સમર્થકોને લઈને સ્થળ પર પહોંચી ગયા અને તાંત્રિકના ખોટા દાવા સામે હોબાળો મચાવ્યો હતો. ચકપુરવા ગામનાં 60 વર્ષનાં કલાવતી દેવીને સાપે ડંખ માર્યો હતો. ગુરુવારે બપોરે કલાવતી દેવી ખેતરમાં કામ કરતાં હતાં ત્યારે સાપે ડંખ માર્યો હતો. સર્પદંશની ખબર પડતાં જ પરિવારજનો તેમને નજીકના વિસવાં ખુર્ગ ગામમાં વૈદ્ય પાસે લઈ ગયા પણ કોઈ ફેર ન પડ્યો એટલે આરોગ્ય કેન્દ્રમાં લઈ ગયા. ત્યાં ડૉક્ટરે કહ્યું કે કલાવતી દેવી મૃત્યુ પામ્યાં છે. આ સાંભળીને પરિવાર આકળવિકળ થઈ ગયો. વાત મળતાં ઇસ્માઇલ ગંજમાં આવેલા રામ જાનકી મંદિરના તાંત્રિક કૃપાલ દાસ ગામે પહોંચ્યા અને કલાવતી દેવીને જીવિત કરવાનો દાવો કર્યો. કલાવતી દેવીને 24 કલાક સુધી છાણ નીચે દબાવી દેવામાં આવે તો એ જીવતાં થઈ જશે, એવો તાંત્રિક કૃપાલ દાસે દાવો કર્યો. તાંત્રિકના દાવાને કારણે પરિવારે પરવાનગી આપી. પછી તાંત્રિકે કલાવતી દેવીનો મૃતદેહ છાણ નીચે દાટી દીધો.








