
અજબ ગજબ: કૅન્સરનું નિદાન થાય એ સાથે જ ઘણા દર્દીઓ છેલ્લી ઘડી ગણવા લાગતા હોય છે પણ કેટલાક એવા પણ હોય છે જે જીવનની છેલ્લી પળ સુધી જીવવા ઇચ્છાતા હોય છે. જાપાનની એક કૅન્સરપીડિત મહિલાએ આ જ વાત પુરવાર કરવા એક કૅફે શરૂ કર્યું છે અને એ કૅફેમાં બધા જ કર્મચારીઓ વિકલાંગો છે.

જાપાનની સર્વાઇકલ કૅન્સર પીડિત મહિલાએ કૅફે શરૂ કર્યું
જાપાનની મહિલા યુકી ઇનૌએ એપ્રિલ, 2022માં 54 વર્ષની વયે સર્વાઇકલ કૅન્સરનું નિદાન થયું હતું. નિદાન થયું ત્યારે જ ચોથા સ્ટેજનું કૅન્સર હતું. એ સમયે ઝડપથી કૅન્સર એમના શરીરની અંદરની ગ્રંથિઓ અને હાડકાંમાં વિસ્તરી ગયું હતું. ઓપરેશન માટે મોડું થઈ ગયું હોવાનું ડૉક્ટરે કહ્યું હતું. અને જીવવા માટે 18 મહિના જ છે, એનું ભવિષ્ય પણ ભાખી લીધું હતું. પોતાને કૅન્સર છે એવી ખબર પડી એ પછી ઇનૌએ હારી જવાને બદલે બીમારી સામે સાહસપૂર્વક લગ્યાં અને સકારાત્મક વિચારસરણી અપનાવી. એવામાં એમને બાકીના જીવનનો સદુપયોગ કેવી રીતે કરવો, એ વિચાર આવ્યો. અને સાથેસાથે પોતાની ભત્રીજી મિયુ યાદ આવી. મિયુને ડાઉન સિન્ડ્રોમ હતો. અને એને નાનપણથી કૅફેમાં કામ કરવાની ઇચ્છા હતી પણ એ માટે બહુ સંઘર્ષ કરવો પડ્યો હતો. મિયુનું સપનું પૂરુ કરવા માટે ઇનૌએએ ટોકિયોમાં નવેમ્બર, 2024માં કૅફે શરૂ કર્યું. અને નામ રાખ્યું ‘સ્માઇલ’ અને મિયુની સાથેસાથે ડાઉન સિન્ડ્રોમ જેવી બીજી વિકલાંગતા ધરાવતા લોકોને પણ નોકરી આપી. સૌકોઈ કામ કરે અને ચહેરા પર સ્મિત હોય એવી ઇનૌએની ઇચ્છા હતી અને એના જીવનનો આ સિદ્ધાંત તેમના કૅફે સ્માઇલ દર્શાવે છે. કર્મચારીઓની સુવિધા માટે કૅફેમાં માત્ર 2 જ વસ્તુ મળે છે.

બેઠક પર ખાસ પ્રકારનાં રમકડાં રાખ્યાં
કર્મચારીઓ સરળતાથી ભોજન પીરસી શકે એ માટે ઇનૌએ કૅફેની દરેક બેઠક પર ખાસ પ્રકારનાં રમકડાં રાખ્યાં છે. મનોદિવ્યાંગ કર્મચારીઓને ટૅબલ પર ઓર્ડર આપવા માટે ‘બીલાડીના ટૅબલ પર, સસલાના ટૅબલ પર ઓર્ડર લઈ જા’ એટલું જ કહેવું પડે છે. મિયુ અને અન્ય કર્મચારીઓને એમનું આ કામ બહુ ગમે છે અને ખુશ થઈને ઇનૌએના જીવનનો ઉદ્દેશ્ય પૂરો થઈ જાય છે.
હજુ પણ કૅન્સર સામે લડી રહી છે મહિલા
ઇનૌએને કૅન્સરનું નિદાન થયે 3 વર્ષ થઈ ગયાં છે અને આશાવાદી થઈને કૅન્સર સામે લડી રહી છે. એના કૅફેમાં બચવાની આશા રાખનારા કૅન્સર પીડિતોની ઘણી વાર બેઠક થતી હોય છે, ઇનૌએ આમરણ આ કૅફે ચાલુ રાખવા ઇચ્છે છે.










