
Chhota Udepur: છોટાઉદેપુર તાલુકાના સરપંચો ગ્રાન્ટની ફાળવણીમાં અન્યાયનો આક્ષેપ કરી મેદાને આવ્યા છે. તાલુકાના તમામ સરપંચોએ પ્રાયોજના વહીવટદાર સાથે મુલાકાત કરી એક આવેદનપત્ર આપ્યું છે, જેમાં ગુજરાત સરકાર દ્વારા ફાળવવામાં આવતી ગ્રાન્ટની ફાળવણીમાં અનિયમિતતા અને ગ્રામ્ય કક્ષાએ તેનો યોગ્ય ઉપયોગ ન થતો હોવાનો ગંભીર આરોપ લગાવ્યો છે.
છોટાઉદેપુરના તમામ સરપંચો મેદાને
સરપંચોનું કહેવું છે કે, ગુજરાત સરકાર દ્વારા છોટાઉદેપુર જિલ્લામાં કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે, પરંતુ આ ગ્રાન્ટ દરેક ગ્રામ પંચાયત સુધી પહોંચતી નથી. તેમનો આક્ષેપ છે કે, આ ગ્રાન્ટ અનેક નેતાઓની માનીતી એજન્સીઓને ફાળવવામાં આવે છે, જેના કારણે ગ્રામ્ય વિકાસના કામો પર પૂરતું ધ્યાન આપવામાં આવતું નથી. એક સરપંચે જણાવ્યું, “ગ્રાન્ટનો ખરેખર ઉપયોગ ગ્રામ્ય કક્ષાએ થવો જોઈએ, પરંતુ એવું થતું નથી. આનાથી ગામડાઓનો વિકાસ અટકી રહ્યો છે.”
સરપંચોએ ઉચ્ચારી રાજીનામાની ચીમકી
સરપંચોએ પ્રાયોજના વહીવટદારને ગ્રાન્ટની ન્યાયપૂર્વક ફાળવણી કરવાની માંગ કરી છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે, જો તેમની માંગણીઓનો યોગ્ય નિકાલ નહીં થાય અને સંતોષકારક જવાબ નહીં મળે તો તાલુકાના તમામ સરપંચો સામૂહિક રાજીનામું આપશે. એક સરપંચે કહ્યું, “અમારું માનવામાં નહીં આવે તો અમે રાજીનામું આપવા માટે તૈયાર છીએ. ગામડાઓના વિકાસ માટે ન્યાય મળવો જોઈએ.”
સરપંચોએ કરી ન્યાયની માંગ
આ મુદ્દે પ્રાયોજના વહીવટદાર સાથે થયેલી બેઠકમાં સરપંચોએ ગ્રાન્ટની ફાળવણીમાં પારદર્શિતા અને ન્યાયની માંગ કરી છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, દરેક ગ્રામ પંચાયતને તેમના હક્કની ગ્રાન્ટ મળે તે જરૂરી છે, જેથી ગામડાઓના વિકાસના કામો ઝડપથી આગળ વધી શકે.
સરકાર શું પગલા લેશે તેના પર નજર
આ ઘટનાએ સ્થાનિક રાજકારણમાં ખળભળાટ મચાવ્યો છે. હવે બધાની નજર પ્રાયોજના વહીવટદાર અને સરકારના આગળના પગલાં પર રહેશે. સરપંચોની આ ચીમકી અને આવેદનપત્ર ગ્રામીણ વિકાસની સમસ્યાઓને ઉજાગર કરે છે, જેનો ઉકેલ લાવવા માટે તંત્રની કસોટી થશે.
અહેવાલ : ઉમેશ રોહિત
આ પણ વાંચો:
Bharuch: 35થી વધુ આંગણવાડી બહેનોને આવ્યા ન્યૂડ વીડિયો કોલ, મહિલાઓ વિફરી , પછી જુઓ શું કર્યું
Aajab Gajab: એક એવું ગામ જ્યાં એક પણ રસ્તો નથી, જાણો કયાં છે આ અનોખું ગામ?






