
- વડોદરાના સૌથી માલેતુજાર ગરબા મહોત્સવ છાશવારે સપડાય છે વિવાદમાં.
- “રહ ના જાયે તેરી મેરી બાત આધી” પર રીલ પ્રેમી યુગલે જાહેરમાં ચુમ્મા ચાટી કરી.
United Way Garba । વડોદરાના અતુલ પુરોહીત (અતુલદાદા)ના ગરબાના શોખિન યૂવાઓ મોંઘા ભાવના પાસ ખરીદીને તૈયાર થઈને યુનાઇટેડ વે ગરબા મહોત્સવમાં મ્હાલવા માટે પહોંચી જાય છે. જોકે, છેલ્લાં ઘણાં વર્ષોથી વડોદરાના સૌથી માલેતુજાર ગરબા મહોત્સવ કોઈકને કોઈક કારણોસર વિવાદમાં સપડાય છે. ઉદ્ધત આયોજકો, અણઘડ વહીવટ હોવા છતાં યૂવાનોમાં યુનાઇટેડ વે ગરબા મહોત્સવનું વળગણ ઓછું થતું નથી.
વડોદરાના ગરબા મહોત્સવનો આગવો ઇતિહાસ છે પરંતુ, છેલ્લાં બે – ત્રણ દાયકાથી ગરબા મહોત્સવ કેટલાંક વગદાર લોકો માટે કમાણીનું, ધિકતો ધંધો કરવાનું સાધન માત્ર બની રહ્યો છે. એમાંય જ્યારથી યેન કેન પ્રકારે ઉત્સવ ઉજવવામાં મસ્ત સરકાર સત્તામાં આવી છે ત્યારથી તો નવરાત્રિ મહોત્સવ પણ જાણે આરાધનાને બદલે માત્ર મોજમસ્તી કરવાનો તહેવાર બની ગયો છે. વડોદરાના પવિત્ર નવરાત્રિ મહોત્સવને યુવક – યુવતી માટે મોજમસ્તીનું માધ્યમ બનાવવામાં યુનાઇટેડ વે જેવા ધંધાદારી આયોજકોનો સિંહ ફાળો છે. અને એમાંય છેલ્લાં કેટલાંક વર્ષોથી નવરાત્રિનો ધંધો કરવા માટે બીજા પણ અનેક આયોજકો મેદાનમાં આવી ગયાં છે. જેને પગલે ખેલૈયાઓની ખેંચતાણ પણ જોવા મળતી હોય છે. અને એકબીજા પર કાદવ ઉછાળવાનો ખેલ પણ અંદર ખાને ખેલાતો હોય તેવી પણ જાણકારીઓ મળી રહે છે.
યુનાઇટેડ વે ગરબાનો ઇતિહાસ તો ઘણો વિવાદાસ્પદ છે જ પરંતુ ભાજપા સાથે કુણા સંબંધો ધરાવતાં આયોજકોના માથે ચિંતાનું રૂંવાડુંય ફરકતું નથી. અને પ્રતિવર્ષ છાતી કાઢીને તેઓ પાછા મેદાનમાં આવી જતાં હોય છે. જોકે, દર વર્ષે કોઈકને કોઈક વિવાદ તો સામે આવે જ છે. પરંતુ, અતુલ દાદાની કે યુનાઇટેડ વેની લોકપ્રિયતામાં અને મેદાનમાં ઉભરાતાં યુવાનોમાં ઓટ વર્તાતી નથી તે વાસ્તવિકતા છે.
તગડી કિંમતના પાસ વેચ્યા પછી યુવાનોના પાર્કિંગથી માંડી મેદાન સુધીની વ્યવસ્થામાં અનેક ઉણપો રહેતી હોય છે. પાણીની બોટલ ડબલ ભાવે વેચવામાં આવે છે, નાસ્તાના સ્ટોલ્સ પર પણ ઉઘાડી લૂટ ચલાવવામાં આવતી હોય છે જોકે, ભાજપાના ખોળે બેઠેલાં તંત્રને જનહીત કરતાં આ માલેતુજાર આયોજકોની વધારે ચિંતા થાય છે. તેથી જ તેઓ કોઈ જ પ્રકારની કાર્યવાહી માત્ર દેખાડા પૂરતી જ કરીને કામ કર્યાનો સંતોષ પ્રાપ્ત કરી લે છે.

આ વર્ષ પહેલાં જ નોરતે યુનાઇટેડ વે ગરબાના મેદાનમાં કાદવની સમસ્યા સામે આવી હતી. કાદવ – કિચડમાં ગરબાના કેટલાંક રાઉન્ડ ફર્યા બાદ યુવાનોએ ભારે રોષ વ્યક્ત કર્યો હતો. જેને પગલે આયોજકોએ મંચ પરથી રિફંડ આપવાની જાહેરાતો કરી હતી. જોકે, કેટલાં યુવાનોને રિફંડ મળ્યું છે? તેનો આંકડો હજી સુધી કોઈ જગ્યાએ જોવા મળતો નથી.
એ તો ઠીક પરંતુ, આજે એક એવો વિડીયો સામે આવ્યો છે જે ભારે ચકચાર મચાવી રહ્યો છે. યુનાઇટેડ વે ગરબા ગ્રાઉન્ડમાં એક યુગલ જાહેરમાં ચુમ્મા ચાટી કરતાં રીલ બનાવી રહ્યાં છે અને બેકગ્રાઉન્ડમાં “આધા હૈ ચંદ્રમા રાત આધી, રહ ના જાયે તેરી મેરી બાત આધી” વાગી રહ્યું છે. શક્ય છે કે રીલમાં પછીથી પણ આ ગીત ઉમેરવામાં આવ્યું હોય. પરંતુ, યુનાઇટેડ વેના મેદાનમાં આ પ્રકારે રીલ બનાવવી કેટલી યોગ્ય છે? આસપાસ આટલી મોટી સંખ્યામાં લોકો હાજર હોય, ત્યારે રીલ પ્રેમી યુગલ આવું અશ્લિલ પ્રદર્શન કરવાની હિંમત કેમ કરી શકે? યુનાઇટેડ વેના પ્રતિષ્ઠિત પાસ ખરીદી જાહેરમાં આવી અશ્લિલતા ફેલાવવી કેટલી યોગ્ય છે? યુનાઇટેડ વે ગરબા મહોત્સવના આયોજકો માતાજીની આરાધનાના પર્વમાં આવી અશ્લિલતા ના ફેલાય તે માટે શું પગલાં લે છે? આવાં અનેક પ્રશ્નો સામે આવીને ઉભા રહે છે.
શું યુવતીના માતા – પિતા આ વિડીયો જોઈને આનંદથી ઝૂમી ઉઠ્યાં હશે? શું યુવકના માતા – પિતાએ વિડીયો જોઇ તેનો ખભો થાબડીને કહ્યું હશે કે જોરદાર? આ બંને પ્રશ્નોના જવાબ છે… ના… સદંતર ના…
આવા દ્રશ્યો ભવિષ્યમાં વધુ જોવા ના મળે તે માટે આ વર્ષથી જ માતા – પિતાઓએ સંતાનોને આવા માલેતુજાર ગરબા મહોત્સવમાં જતાં રોકવા જોઈએ. પોતાની પોળ – સોસાયટીમાં માતાજીની આરાધના કરવા માટે સંતાનોને પ્રેરવા જોઈએ. માતા – પિતા વગર આ મામલે બીજું કોઈ કંઈ નહીં કરી શકે. દર વર્ષે કમાણી કરવા માટે આ શહેરના બની બેઠેલા શ્રેષ્ઠીઓ તો એમના તાયફાઓની હાટડી ખોલવાના જ છે. પણ, રૂપિયાનું પાણી અને સંતાનના સંસ્કારનું અધઃપતન રોકવાની જવાબદારી હવે માત્રને માત્ર માતા – પિતાની છે એવું કહેવું સ્હેજપણ ખોટું નથી.





