
- Bhaskar.com દ્વારા ક્રિકેટમાં ચાલતાં ભ્રષ્ટાચારને ઉઘાડું પાડવા માટે સ્ટિંગ ઓપરેશન કરવામાં આવ્યું.
- દૈનિક ભાસ્કરના પત્રકાર અભિષેક કુમારનો ચોંકાવનારો ઇન્વેસ્ટિગેટિવ રિપોર્ટ.
Corruption in cricket । આજે ભારત – પાકિસ્તાનની ટીમ એશિયા કપની ફાઈનલ રમશે. ક્રિકેટ રસિયાઓ ઉછળી ઉછળીને ચીચીયારીઓ પાડીને હાર – જીતની ચર્ચાઓ કરી રહ્યાં છે. પણ, ક્રિકેટના મૂળમાં ભ્રષ્ટાચાર ઘુસી ચૂક્યો છે. તે અંગેનો સ્ફોટક રિપોર્ટ દૈનિક ભાસ્કર દ્વારા રજૂ કરવામાં આવ્યો છે. દૈનિક ભાસ્કરના પત્રકાર અભિષેક કુમારે કરેલાં ઇન્વેસ્ટિગેટિવ રિપોર્ટમાં ઘણી ચોંકાવનારી વિગતો છે.
અનુરાગ કુમાર, રોહિત સૈની અને વિક્કી નામના ત્રણના ખેલાડીઓએ ક્રિકેટ રમાડવાના નામે નાણાં પડાવી લેવામાં આવ્યા હોવા અંગે ડિસેમ્બર – 2024માં પોલીસ ફરિયાદ નોંધાવી હતી. મામલો કોર્ટમાં પહોંચતા આરોપીયોએ નાણાં પરત કરવાનો એગ્રીમેન્ટ કર્યો હતો. અને 9 મહિનામાં વિક્કીને 13 લાખ રૂપિયા પરત કર્યા. જોકે, અનુરાગ અને રોહિતને તો હજી કંઈ મળ્યું નથી. આ મામલાને પગલે ભાસ્કર દ્વારા ક્રિકેટના કરપ્શનને બહાર પાડવા સ્ટિંગ ઓપરેશન કરવામાં આવ્યું હતું. આ અંગેનો પૂરો રિપોર્ટ આપ https://www.bhaskar.com/db-original/news/india-under-19-squad-selection-corruption-rohit-sharma-sehwag-dhawan-coach-136025108.html પર વાંચી શકો છો. પણ, કેટલાંક જાણીતા ક્રિકેટરોના કોચ શું કહે છે એ તમને જણાવું.
સહવાગના કોચ રહેતાં એ. એન. શર્માએ કહ્યું હતું કે, પસંદગીમાં રૂપિયા ચાલે છે. દિલ્હી એન્ડ ડિસ્ટ્રીક્ટ ક્રિકેટ એસોસિએશન એટલે કે DDCA માં પસંદગીના નામે રૂપિયા માંગી લેવાનું ચલણ છે. જો તમારા છોકરાંને અંડર-19 માં રમવું હોય તો 15-16 લાખ લાંચ આપવી પડશે. અંતિમ 11માં પસંદગી માટે પણ ખેલાડીઓ પાસે નાણાં માંગવામાં આવે છે. પહેલાના સમયમાં કોચ કોઈ છોકરા માટે કહે કે તે સારું રમે છે તો તેની પસંદગી થઈ જતી હતી. પરંતુ, હવે તો કોચની કોઈ વાત જ સાંભળવામાં આવતી નથી. માત્રને માત્ર નાણાંનું જ ચલણ છે. ભાગ્યે જ કોઈ ગરીબ છોકરો આગળ નિકળી શકે છે.
અહીં જણાવી દઉં કે, દિલ્હી ક્રિકેટ એસોસિએશન પર અગાઉ અરૂણ જેટલીનું વર્ચસ્વ હતું અને હાલ તેમનો દિકરો સત્તા ધરાવે છે. અને અમિત શાહના દિકરાએ તો દેશના ક્રિકેટ પર રાજ્ય કર્યું અને હાલ ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલમાં પણ એ જ છે. એટલે ભ્રષ્ટાચારના છેડાં તેઓના સુધી ના પહોંચતા એવું માનવું મુર્ખામી જ ગણાય.
શિખર ધવનના કોચ રહેલાં મદન શર્માએ ભાસ્કરને જણાવ્યું હતું કે, DDCA માં પસંદગીમાં પ્રતિભા નહીં પણ રાજકારણ જ ચાલે છે. એક છોકરો પાછલી સિઝનમાં દિલ્હીમાં બેસ્ટ પરફોર્મર હતો, પરંતુ, અંડર-16ની ટીમમાં એ છોકરાનું નામ ના આવ્યું. માત્ર રાજકારણને લીધે. જ્યારે કે એનાથી ઓછી પ્રતિભાવાળા ટેક્નિકલી રીતે નબળા ખેલાડીને ટીમમાં તક મળી હતી. અરૂણ જેટલીના સમયમાં સુનીલ દેવ સ્પોર્ટ્સ સેક્રેટરી હતાં. અમે કહીએ કે છોકરો સારુ રમે છે તો એ કહેતાં મોકલો. એમની સામે છોકરો પરફોર્મ કરે તો તેને આગળ વધવાની તક મળતી હતી. વિરાટ કોહલી આ રીતે જ રમી શક્યો હતો. શિખર અને ઇશાત પણ આ રીતે જ રમી શક્યા હતાં. જોકે, આજકાલ તો હવે પહેલાં જેવું રહ્યું નથી.
યજુવેન્દ્ર ચહલ અને પવન નેગીના કોચ રહેલા રણધીર સિંહે જણાવ્યું કે, પવન નેગી વર્લ્ડ કપ માટે સિલેક્ટ થયો હતો છતાં એને સ્ટેટ ટીમમાં લેવામાં ના આવ્યો. આ મામલે બધાંને પુછ્યું પણ કોઈની પાસે જવાબ નહોતો. પવન નેગી વિશ્વ કપ, એશિયા કપની ટીમમાં હતો અને એજ સીઝનમાં તેને સ્ટેટની રણજી ટીમમાં પસંદ કરાયો નહોતો. આજે ક્રિકેટમાં માત્ર ચીઠ્ઠી અને ભ્રષ્ટાચાર જ ચાલે છે.
ઇશાંત શર્માના કોચ શ્રવણ કુમારે જણાવ્યું હતું કે, હવે ક્રિકેટમાં એ જ આગળ વધી શકે છે, જેની પાસે પૈસા અને પહોંચ છે. પહેલાં દિલ્હીમાં કોમ્પિટીશન હતી. જે સારું રમે, તેને કોઈ રોકી શકતું નહોતું. પણ, હવે એવું નથી. અંડર 16 થી માંડી અંડર 19 સુધીમાં પસંગદી માટે 15 થી 25 લાખનો ભાવ ચાલે છે. અને આની જાણકારી DDCA ના તમામ મોટા અધિકારીઓ સારી રીતે જાણે છે. જોકે, કોઈ કશું કરી શકતા નથી. એટલે જ ઇંડિયા અંડર – 19માં દિલ્હીનો એકપણ ખેલાડી નથી.
રોહિત શર્માના કોચ દિનેશ લાડે જણાવ્યું હતું કે, મુંબઈમાં અંડર-16ની પસંદગી માટે કલ્પેશ કોલી ટૂર્નામેન્ટ રમાડાય છે. એમાં રોહિત શર્માની પસંદગી બોરિવલીથી થઈ હતી. જોકે, ટીમના કોચને પોતાના ગમતાં ખેલાડીને રમાડવો હતો એટલે રોહિતને એકપણ મેચ રમાડાયો નહોતો. તેથી રોહિતની અંડર-16માં પસંદગી થઈ નહોતી. જોકે, નસીબ એની સાથે હતું. એટલે તે આગળ વધ્યો. મુંબઈમાં પણ પસંદગી માટે પૈસા જ ચાલે છે. જોકે, કોઈ આની સામે અવાજ નથી ઉઠાવી શકતું. અવાજ ઉઠાવનાર ખેલાડીનું કેરિયર જ ખત્મ કરી નાંખવામાં આવે છે. ક્લબવાળાઓનું સિલેક્ટર સાથે સેટિંગ હોય છે.
એકંદરે, ભારતીય ક્રિકેટમાં કરપ્શન તો કોંગ્રેસના કાળમાં પણ હતું. પરંતુ, અમિત શાહના સુપુત્રના રાજમાં ક્રિકેટ એ જ કરપ્શન બની ગયું છે એવો અર્થ ભાસ્કરના રિપોર્ટમાંથી નિકળે છે એવું કહેવું સ્હેજેય ખોટું ગણાશે નહીં.









