
- ACC પ્રમુખ મોહસિન નકવી સાથે ટૂર્નામેન્ટ પહેલાં હાથ મળાવવામાં સૂર્યાને વાંધો નહોતો પડ્યો, તો ફાઈલનમાં કેમ?
- ખેલાડીઓને હાથ નહીં મેળવવાનું કહેનાર સરકારે જય શાહને કહ્યું નહીં હોય કે, ફાઇનલમાં બીજા કોઈના હસ્તે ટ્રોફી અપાવવાની ગોઠવણ કરે.
Mehul Vyas | રવિવારે ભારતીય ક્રિકેટ ટીમ એશિયા કપની ફાઇનલમાં પાકિસ્તાનને હરાવ્યા બાદ જે દેશપ્રેમનું નાટક કર્યું તે ખરેખર શરમજનક કહેવાય. રમતગમતમાં રાજકારણ ઘુસવું ના જોઈએ. પણ, મોદી રાજમાં બધું જ મુમકીન છે. એટલે જ નાણાંની રેલમછેલવાળું ક્રિકેટીયું ઓપરેશન સિંદૂર દેશની જનતાને જોવાનો લ્હાવો મળ્યો. અને મેચ પછી તરત જ સ્વ-ઘોષિત નોન-બાયોલોજીકલ મહામાનવે એક્સ પર પોસ્ટ કરીને ઓપરેશન સિંદૂરને ક્રિકેટના મેદાનમાં ઉતારી દીધું અને ખેલાડીઓને શુભેચ્છા પાઠવી. જોકે, નરેન્દ્ર દામોદરદાસ મોદીને ખબર નહીં હોય કે અમિત શાહના દીકરાના હાથમાં ICCની સત્તા હોવા છતાં પાકિસ્તાનનો નકવી એક કલાક ખેલાડીઓને ટટળાવ્યા બાદ ટ્રોફી આપ્યા વગર મેદાનમાંથી જતો રહ્યો અને સૂર્યકુમાર એન્ડ ગ્રૂપ દ્વારા ટ્રોફી વગર જ વિજયોત્સવ ઉજવ્યો.
દેશભરના અંધભક્તો અને ગોદી મિડીયા તો સૂર્યકુમારના અંદાજ પર આફરીન પોકારી ઉઠ્યાં છે. કદાચ અંધભક્તો અને ગોદી મિડીયા એવું પણ સાબિત કરવાનો પ્રયાસ કરશે કે, પહેલગામ હુમલામાં માર્યા ગયેલા લોકોના પરિવારજનો પાકિસ્તાનના હારવાથી સંતુષ્ટ થઈ ગયાં છે. એક એક રન અને એક એક વિકેટ દ્વારા ભારતીય ક્રિકેટ ટીમે પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો એવું સાબિત કરવાનો પણ પ્રયાસ કરશે.
આ સંજોગોમાં નોટકીંબાજ મોદી મહારાજનાં રાજમાં પ્રશ્નો ઉભા કરવાની કુટેવ ધરાવતાં મારાં જેવા લોકોનો અજંપો વધે તે સાવ સહજ બાબત છે. યુએનની મહાસભામાં પાકિસ્તાનના પીએમ શરીફે ભારતના નામ જોગ આક્ષેપો કર્યાં. ત્યારબાદ બાંગ્લાદેશના પ્રમુખ યુનૂસે પણ ભારત પર આક્ષેપો કર્યાં હતાં. જોકે, બાદમાં આપણાં વિદેશ મંત્રી કોઈનું નામ લીધા વિના ગણગણ કરી ગયાં. જેને ગોદી મિડીયાએ ગર્જના ગણાવી. 56ની છાતીવાળાની ટોળકીમાં ટ્રમ્પનું નામ લેવાની હિંમત ના હોય એ તો સમજી શકાય. પણ, વૈશ્વિક મંચ પર પાકિસ્તાન અને બાંગ્લાદેશને તો નામ લઇને જવાબ આપી શકાય.
એશિયા કપ માટે ભારતીય ટીમ પહોંચી ત્યારે સૌથી પહેલાં જે પ્રેસ કોન્ફરન્સ થઈ હતી. જેમાં તમામ ટીમોના કેપ્ટન અને એશિયન ક્રિકેટ કાઉન્સિલના પ્રમુખ / પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ મોહસિન નકવી પણ હાજર રહ્યાં હતાં. તેમણે ટ્રોફીનું અનાવરણ કર્યું હતું. અને બાદમાં તમામ કેપ્ટન સાથે ચા-નાસ્તો કર્યો હતો. એ વખતે સૂર્યકુમાર યાદવે નકવી સાથે હાથ મેળવ્યો હતો. અને વાતો પણ કરી હતી. સૂર્યકુમારે પાકિસ્તાનના કેપ્ટન સાથે સ્ટેજ પર હાથ ભલે ના મેળવ્યો પણ, બાદમાં સ્ટેજ પરથી ઉતરીને હાથ મળાવ્યો જ હતો.
કદાચ ત્યાં સુધી મોદી સરકારે એશિયા કપમાં ખેલાડીઓએ કરવા પડનાર નૌટંકીની સ્ક્રિપ્ટ લખી નહોતી. અથવા સ્ક્રિપ્ટની જરૂર જ મોદી સરકારને લાગી નહીં હોય. પરંતુ, એશિયા કપમાં ભારત – પાકિસ્તાનની પહેલી મેચ પહેલાં જ બોયકોટ ટ્રેન્ડ થયું. દેશપ્રેમ ખાતર ભારત – પાકિસ્તાનની મેચ નથી જોવી તેવી ચર્ચા ઉઠી અને મોદી સરકારે તાબડતોબ દેશપ્રેમના નાટકની સ્ક્રિપ્ટ તૈયાર કરાવી. એટલે જ એ મેચ પૂરી થયા બાદ સૂર્યકુમાર એન્ડ ગ્રૂપ દ્વારા પાકિસ્તાન ટીમ સાથે હાથ ના મેળવવામાં આવ્યો. ગ્રીનરૂમનો દરવાજો પણ બંધ કરી દેવાયો. આ બધાં વિઝ્યુલ્સ ગોદી મિડીયા માટે ખાસ વહેતાં કરવામાં આવ્યાં હતાં.
પહેલી મેચ પહેલાં એશિયા કપમાં ભારત – પાકિસ્તાનની મેચ નહીં જોવાનો જે જુવાળ જોવા મળ્યો એ પછી શાંત થઈ ગયો. પણ, ફાઇનલમાં તો ગજબનો તખ્તો ગોઠવી દેવાયો? છેલ્લાં કેટલાંક વર્ષોથી પાકિસ્તાન ક્રિકેટ બહું કથળી ગયું છે. જ્યારે ભારતની ટીમ પાકિસ્તાન કરતાં અનેક ગણી મજબૂત છે. ત્યારે ફાઈનલમાં ભારત જીતશે તેવી પૂરી ગેરેન્ટી હતી. મેચ જીત્યા બાદ ટ્રોફી વિતરણમાં એ.સી.સી.ના પ્રમુખ નકવી આવશે, એ પણ ખબર હતી. અને છતાંય એક કલાક સુધી ખેલાડીઓને ગ્રાઉન્ડ પર આંટા મારવા પડ્યા, અને ટ્રોફિ વગર જ વિજયોત્સવ ઉજવવો પડ્યો.
ત્યારે આ તબક્કે પ્રશ્ન થાય કે, એશિયન ક્રિકેટ કાઉન્સિલ કરતાં મોટાં એવાં ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલની સત્તા સંભાળતાં જય અમિત શાહ મોહસિન નકવીને ગ્રાઉન્ડમાં ઉતરતાં ના રોકી શક્યાં? શું અમિત શાહના સુપુત્રએ મોહસિનને કોલ કર્યો અને નકવીએ નફ્ફટાઈ કરી હશે? મોહસિન નકવીની એટલી હિંમત કે એક કલાક સુધી તે ભારતીય ખેલાડીઓને મેદાનમાં ટટળાવે, અને અમિત શાહનો સુપુત્ર કે મોદી સરકાર બેઠાં બેઠાં જોતાં જ રહે?
નરેન્દ્ર દામોદરદાસ મોદીએ સમય કાઢીને મેચ જોયાં પછી એક્સ પર શુભેચ્છાઓ પાઠવી હશે, કે મેચ પહેલાં જ સ્ક્રિપ્ટ રાઇટરોએ પોસ્ટ તૈયાર કરી નાંખી હશે? ટ્રોફી વગર વિજયોત્સવ ઉજવવા ભારતીય ટીમ તૈયાર થઈ ત્યારે ફટાકડાં ફોડનારાને આતશબાજી શરૂ કરવાનો ઓર્ડર કોણે આપ્યો હશે? અને આ છેલ્લો સવાલ ભારતીય નાગરીક તરીકેનો અન્ય દેશપ્રેમી લોકોને છે કે શું એશિયા કપની ફાઇનલ જીતીને ભારતે પહેલગામ આતંકવાદી હુમલાનો બદલો લઇ લીધો એમ તમે માનો છો?










