
Rajinikant And Dhanush Gets Bomb Threat: ફિલ્મસ્ટાર રજનીકાંત અને ધનુષને બોમ્બથી ઉડાવી દેવાના ધમકીભર્યા ઇ મેઇલ મળતા પોલીસ દોડતી થઈ ગઈ હતી અને બંને કલાકારોના ઘરોમાં બૉમ્બ શોધવા બૉમ્બ સ્ક્વોડે તપાસ શરૂ કરી હતી.
દક્ષિણના સુપરસ્ટાર રજનીકાંત અને તેમના પૂર્વ જમાઈ ધનુષને તેમના ઘરોમાં બોમ્બ મૂકી ઉડાવી દેવાની ધમકી મળી છે.એક અજાણ્યા વ્યક્તિએ ધમકીભર્યા ઈમેલ મોકલ્યા બાદ પોલીસે બંને કલાકારોના ઘરોની તપાસ હાથ ધરી હતી.
તમિલનાડુ પોલીસે મંગળવારે જણાવ્યું હતું કે રાજ્યના પોલીસ મહાનિર્દેશકને આ ઈમેલ મળ્યા હતા જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે રજનીકાંત અને ધનુષના ઘરોમાં બોમ્બ મૂકવામાં આવ્યા છે અને તેઓને ઉડાવી દેશે.
ચેન્નાઈના ટેનામ્પેટ પોલીસના જણાવ્યા અનુસાર, રજનીકાંતના ઘરે બોમ્બ વિસ્ફોટની ધમકી આપતો પહેલો ઈમેલ 27 ઓક્ટોબરના રોજ સવારે 8:30 વાગ્યે મળ્યો હતો.
એક પોલીસ અધિકારીએ પીટીઆઈને જણાવ્યું હતું કે, “જ્યારે અમે તેમનો સંપર્ક કર્યો, ત્યારે અમને કહેવામાં આવ્યું કે તેમને બોમ્બ સ્ક્વોડની મદદની જરૂર નથી.”તે જ દિવસે સાંજે 6:30 વાગ્યે બીજો ધમકીભર્યો ઈમેલ મોકલવામાં આવ્યો હતો, અને રજનીકાંતની ટીમે ફરીથી સુરક્ષા તપાસનો ઇનકાર કર્યો હતો.
ઈમેલ મળ્યા પછી પોલીસ જ્યારે બોમ્બ સ્ક્વોડ સાથે રજનીકાંતના ઘરે સુરક્ષા તપાસ કરવા પહોંચી. સુપરસ્ટારના સુરક્ષા ગાર્ડ્સે પોલીસને કહ્યું કે કોઈ અજાણ્યો વ્યક્તિ વિસ્ફોટકો મૂકવા માટે ઘરમાં પ્રવેશ્યો નથી, તેથી તે ફક્ત એક અફવા હશે.પોલીસે બોમ્બ સ્ક્વોડ સાથે કરેલી તપાસ બાદ કઈ નહિ મળતા તે વાત અફવા સાબિત થઈ હતી.
અભિનેતા ધનુષને પણ બોમ્બ ધમકી આપતો ઈમેલ મળ્યો હતો અને પોલીસે જ્યારે તપાસની વાત કરી ત્યારે ધનુષે પણ આ મામલે પોલીસની મદદ લેવાનો ઇનકાર કર્યો હતો. તાજેતરના અઠવાડિયામાં અનેક પ્રખ્યાત સેલિબ્રિટીઓને આવા જ ધમકીભર્યા ઈમેલ મળ્યા છે. પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, “સાયબર ક્રાઈમ પોલીસ ઈમેલ પર નજર રાખી રહી છે, પરંતુ હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.”
આ પણ વાંચો:








