
Delhi Air Pollution: દેશની રાજધાની દિલ્હીમાં હવા એટલી ઝેરી બની ગઈ છે કે હવે લોકોને રીતસર શ્વાસ લેવામાં ખૂબજ તકલીફ પડી રહી છે, છેલ્લા ઘણાજ વર્ષોથી સતત વધતા જઈ રહેલા પ્રદૂષણને કારણે દિલ્હીમાં રહેવું હવે મુશ્કેલ બની ગયું છે. દિલ્હી-એનસીઆરમાં પ્રદૂષણનું સ્તર હજુ પણ ગંભીર છે. દિવાળી બાદ હવા ઝેરી બની ગઈ છે, મોટાભાગના વિસ્તારોમાં AQI સ્તર 300 થી વધુ છે.
આજે બુધવાર, 29 ઓક્ટોબરની સવારે પણ કોઈ સુધારો જોવા મળ્યો નથી પ્રદૂષણ ઘટાડવા કુત્રિમ વરસાદના કરેલા પ્રયોગ પણ નિષ્ફળ રહયા છે.
લોકોને હજુ પણ શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે, અને વહીવટીતંત્રે સાવચેતી તરીકે ગ્રુપ 2 હેઠળ અનેક પ્રતિબંધો લાગુ કર્યા છે. નોન BS6 વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, પરંતુ હવાની ગુણવત્તામાં કોઈ સુધારો જણાયો નથી.
આજે તા.૨૯ ઓક્ટોબરની વહેલી સવારે, દિલ્હીના ઘણા વિસ્તારોમાં હવાની ગુણવત્તા ખૂબ જ ખરાબ રહી છે અને દિલ્હીના જુદા જુદા વિસ્તારમાં 300 કે તેથી વધુ પ્રદૂષણની માત્રા જોવા મળી હતી.
આજે સવારે વઝીરપુરમાં ૩૨૭, પુસામાં ૨૯૭, શાદીપુરમાં ૨૫૩, મુંડકામાં ૩૧૫, અશોક વિહારમાં ૩૦૧, દ્વારકા સેક્ટર-૮માં ૩૦૮, રોહિણીમાં ૩૨૦ અને સિરી ફોર્ટમાં ૩૨૬ AQI નોંધાયું હતું.
આ ડેટા સ્પષ્ટપણે દર્શાવે છે કે દિલ્હીના લગભગ તમામ ભાગોમાં હવાની ગુણવત્તા ખતરનાક સ્તરે પહોંચી ગઈ છે. ધુમ્મસ અને ધૂળના સ્તરને કારણે સવારે વાતાવરણ ધૂંધળું બની જતાં વાહન ચાલકો અને રાહદારીઓને પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો અને શ્વાસ લેવામાં મુશ્કેલી પડી હતી.
મહત્વનું છે કે પ્રદૂષણ ઘટાડવા માટે, દિલ્હી સરકારે મંગળવારે 53 વર્ષમાં પહેલી વાર કૃત્રિમ વરસાદનું પરીક્ષણ કર્યું હતું ભારતીય હવામાન વિભાગ (IMD) અને અન્ય એજન્સીઓએ આ પ્રયોગમાં સહયોગ કર્યો પણ દિલ્હીમાં વરસાદ ન થયો અને પ્રયોગ નિષ્ફળ રહ્યો.
IMD રિપોર્ટ અનુસાર, વાતાવરણમાં ભેજનું સ્તર 10 થી 15 ટકાની વચ્ચે હતું, જે કૃત્રિમ વરસાદ માટે પૂરતું નહોતું.
સરકારનું કહેવું છે કે કૃત્રિમ વરસાદ પ્રક્રિયાને વધુ સારી બનાવવા માટે હજુ વધુ પરીક્ષણો કરવામાં આવશે. PTI અનુસાર, મંત્રી મનજિન્દર સિંહ સિરસાએ જણાવ્યું હતું કે કાનપુરમાં હવામાન સાફ થતાં જ વિમાન ઉડાન ભરશે અને પરીક્ષણનો આગામી તબક્કો ફરીથી હાથ ધરવામાં આવશે.
નિષ્ણાતો માને છે કે જો ભેજનું સ્તર વધે છે, તો કૃત્રિમ વરસાદ વાયુ પ્રદૂષકોને ઘટાડવામાં મદદ કરી શકે છે. જોકે, હાલ માટે, દિલ્હીવાસીઓને પ્રદૂષણથી રાહત માટે થોડા વધુ દિવસો રાહ જોવી પડી શકે છે.
આ પણ વાંચો:
kidnapped: ઈરાનમાં અપહરણ કરાયેલા 4 ગુજરાતીઓ ભારત પરત પહોંચ્યા








