
Valsad: દક્ષિણ ગુજરાતના છેવાડાનું વલસાડ હવે ધીરેધીરે ડ્રગ્સના કારોબારનું મુખ્ય એપી સેન્ટર બની રહ્યું છે અહીં વિશાળ દરિયા કિનારો તેમજ મહારાષ્ટ્ર સરહદ પારથી ડ્રગ્સનો કારોબાર ફુલ્યો ફાલ્યો હોવાની વાત સપાટી ઉપર આવી રહી છે અને ડ્રગ્સ માફિયાઓ માટે હોટ ફેવરીટ સ્થળ બની રહયાનું સપાટી ઉપર આવી રહ્યુ છે એક સમયે ઈંગ્લીશ દારૂની મોટાપાયે હેરાફેરી માટે પંકાયેલા વલસાડ જિલ્લામાં હવે કરોડોના ડ્રગ્સની ખેપ માટે ડ્રગ્સ માફિયા સક્રિય થતાં વલસાડ જાણે ડ્રગ્સના કારોબારનું એપી સેન્ટર બની રહ્યું છે.
મહારાષ્ટ્ર-દમણથી દારૂ ગુજરાતમાં ઘુસાડવા માટે બાય ટ્રેન-બાય રોડ અને દરિયાઇ માર્ગે બુટલેગરો મોટાપાયે ધંધો કરતા હોવાનું અને પકડાવાનું વર્ષોથી ચાલુ રહ્યું છે જે સૌ કોઈ જાણે છે ત્યારે હવે છેવાડાના આ જિલ્લામાં ડ્રગ્સ માફિયાઓ સક્રિય થયા છે અને ઉપરા ઉપરી ડ્રગ્સ પકડાવાના તો ઠીક કાચો માલ ઉત્પાદન કરવાની આખી ફેકટરી ઝડપાતા અનેક સવાલો ઉભા થયા છે.
અગાઉ ચલામાં ATSની રેડ અને ત્યારબાદ મુંબઈથી રોડ માર્ગે બે વિદેશીઓ વલસાડમાં ડ્રગ્સ લાવતા ઝડપાઇ ગયા બાદ થોડાજ સમયમાં ફરી વલસાડ જિલ્લાના અટગામ વિસ્તારમાં ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (DRI)એ મોટી કાર્યવાહી કરીને એક ગુપ્ત ડ્રગ્સ મેન્યુફેક્ચરિંગ ફેક્ટરી ઉપર રેડ કરી લગભગ રૂ.20 કરોડથી વધુ કિંમતનો 114 કિલોગ્રામ પ્રવાહી ડ્રગ્સનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. આ કાર્યવાહીમાં ફેક્ટરીના બે માલિકો અને બે વર્કર્સ સહિત કુલ ચાર આરોપીઓ ઝડપાયા છે.
ચોંકાવનારી વાતતો એ છે કે વલસાડના અટગામમાં ચંદ્રકાન્ત કેછડા અને અશોક મુળજી પીઠારીયા એક વર્ષથી આ ફેકટરી ચલાવતા હતા,જેઓ સામે NDPS એક્ટ હેઠળ કેસ નોંધાયો છે અહીં મશીનરી, કેમિકલ્સ અને અન્ય મુદ્દામાલ પણ કબજે કરાયા છે.
DRI અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ ફેક્ટરીમાં તૈયાર થતા પ્રવાહી ડ્રગ્સને અન્ય ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં સપ્લાય કરવામાં આવતો હોવાની આશંકા છે. આરોપીઓ આ પ્રવાહી ડ્રગ્સનો કાચો માલ ક્યાંથી લાવતા હતા અને કેવી રીતે બનાવતા અને ક્યાં વેચાણ કરતા હતા તેની વિગતો મેળવવા માટે 3 દિવસના રિમાન્ડ પર લઈને વધુ તપાસ કરવામાં આવી રહી છે. આ કાર્યવાહીથી ગુજરાતમાં ડ્રગ્સ ટ્રાફિકિંગના નેટવર્કને તોડી પાડવામાં મોટી સફળતા મળી શકે છે અને આગળનીતપાસમાં વધુ ખુલાસા થવાની શક્યતા છે.
અત્રે ઉલ્લેખનીય છે આ અગાઉ પણ તા.4 ઓકટોબરની આસપાસ ગુજરાત ATSની ટીમે વાપીના ચલા વિસ્તારમાં દરોડો પાડી ₹30 કરોડથી વધુની કિંમતનો મેફેડ્રોન (MD) ડ્રગના જથ્થો ઝડપી પાડ્યો હતો તે સમયે પણ મેફેડ્રોન (MD) બનાવવા માટે ઉપયોગમાં લેવાતા કેમિકલ્સ અને કાચો માલ ક્યાંથી મેળવવામાં આવતો હતો, તેમજ આ સપ્લાય ચેઇનમાં કોણ કોણ સામેલ છે તે અંગે પણ તપાસ શરૂ થઈ હતી.
આ પહેલા તા. 20 માર્ચની આસપાસ પણ ગુજરાત સ્ટેટ મોનિટરિંગ સેલે બાતમીના આધારે ભીલાડ હાઇવે ઉપરથી એમએચ-48-ડીસી-1482 નંબરની કારમાંથી 250 ગ્રામ એમડી ડ્રગ્સનો જથ્થો પકડી પાડયો હતો અને પોલીસે બે નાઇજીરિયન આરોપી ચીકુ ફ્રાન્સિસ અને હકીમ ડેવિડની ધરપકડ કરી જેલ ભેગા કર્યા છે. આ બન્ને આરોપીની પ્રાથમિક પુછપરછમાં જથ્થો મુંબઇના બોરીવલીથી મેળવ્યા બાદ કાર ભાડે કરી જથ્થો વલસાડ આપવા આવ્યા હોવાની કબુલાત કરી હતી.
આમ,અહીં મુંબઈ (મહારાષ્ટ્ર)નું કનેક્શન ખુલ્યું હતું અને તેમાંય વિદેશીઓ પકડાયા હતા ત્યારે માદક પદાર્થનો ઉપયોગ વધતાં વલસાડ ડ્રગ્સનું એપી સેન્ટર બની રહ્યુ છે અને અહીંથી માલ જાય પણ છે અને બહારથી આવે પણ છે તે સાબિત થઈ રહ્યું છે, આજકાલ યુવા પેઢી નશામાં બરબાદ થઈ રહી છે ત્યારે ઉપરા ઉપરી ઝડપાઇ રહેલા ડ્રગ્સના રેકેટ તે વાતનો પુરાવો છે જે ખૂબજ ગંભીર બાબત છે.
આ પણ વાંચો:
Valsad: વલસાડમાં નેશનલ હાઈવે પર ખાડાને કારણે બાઈકચાલકનો જીવ ગયો, ટ્રકે કચડી નાખ્યો
valsad: “આદિવાસી રત્ન” ભાજપી સાંસદના વલસાડમાં જીવના જોખમે થતી અંતિમક્રિયા
Bihar Election: ‘તમારો વોટ પડી ગયો છે’, બિહારમાં મતદાન કર્યા વગર મતદારોને બહાર કાઢ્યા










