
European Gold Reserves: યુરોપની કેટલીક કેન્દ્રીય બેન્કો પોતાના સોનાના ભંડારને એક દેશમાંથી બીજા દેશમાં ખસેડી રહી છે. નેધરલેન્ડ્સે તાજેતરમાં અમેરિકા અને કેનેડામાં રાખેલા પોતાના સોનામાંથી આશરે 86 ટન સોનું લંડન ખસેડ્યું છે. આ નિર્ણય પાછળ વધતી જિયોપોલિટિકલ અને આર્થિક અનિશ્ચિતતા વચ્ચે સંકટ સમયે સોનું ઝડપથી ઉપયોગમાં લઈ શકાય તેવો હેતુ હોવાનું જણાવાયું છે.
નેધરલેન્ડ્સે 86 ટન સોનું લંડન ખસેડ્યું
નેધરલેન્ડ્સની કેન્દ્રીય બેન્કે જણાવ્યું કે અમેરિકા અને કેનેડામાં રાખવામાં આવેલા કુલ આશરે 313 ટન સોનામાંથી લગભગ 86 ટન સોનું લંડન ખસેડવામાં આવ્યું છે. માર્ચથી ઓગસ્ટ દરમિયાન આ પ્રક્રિયા હાથ ધરાઈ હતી. બેન્કના જણાવ્યા અનુસાર, સોનાને લંડનમાં રાખવાથી કોઈ ગંભીર સંકટ ઊભું થાય ત્યારે તેને વધુ સરળતાથી ઉપયોગમાં લઈ શકાય છે.
આ નિર્ણય બાદ સ્વાભાવિક રીતે સવાલ ઊભો થયો છે કે શું યુરોપિયન દેશોને કોઈ મોટા આર્થિક કે વૈશ્વિક સંકટની આશંકા છે? જોકે અધિકારીઓનું કહેવું છે કે આ પગલું કોઈ એક ચોક્કસ આપત્તિની આગાહી પર આધારિત નથી. તેના બદલે દેશો હાલની અસ્થિર વૈશ્વિક સ્થિતિમાં પોતાના રિઝર્વને વધુ સુરક્ષિત અને ઉપયોગી રીતે રાખવાની વ્યૂહરચના અપનાવી રહ્યા છે.
ફ્રાન્સ અને જર્મની પણ અગાઉ કરી ચૂક્યા છે આવી કામગીરી
નેધરલેન્ડ્સ પહેલાં ફ્રાન્સે પણ અમેરિકામાં રાખવામાં આવેલા પોતાના સોનાના ભંડારનો એક હિસ્સો પરત મંગાવ્યો હતો. જર્મનીની બુન્ડેસબૅન્કે પણ વિદેશોમાં રાખેલા 216 ટનથી વધુ સોનાને શિફ્ટ કર્યું હતું. તેમાં ન્યૂયોર્કમાંથી 111 ટન અને પેરિસમાંથી 105 ટન સોનું સામેલ હતું. આ પ્રક્રિયા 2016માં પૂર્ણ થઈ હતી.
ગોલ્ડમેન શૅક્સના સંશોધન વિશ્લેષકો લીના થોમસ અને ડેન સ્ટ્રુવેનના જણાવ્યા અનુસાર, કોલ્ડ વૉર દરમિયાન પણ યુરોપની કેટલીક કેન્દ્રીય બેન્કોએ પોતાના સોનાના ભંડારનો હિસ્સો ન્યૂયોર્ક ખસેડ્યો હતો.
વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના વરિષ્ઠ માર્કેટ સ્ટ્રેટેજિસ્ટ જોસેફ કૅવાટોનીના જણાવ્યા મુજબ, યુદ્ધ અને વેપારી તણાવ આવા નિર્ણયોમાં અસરકારક પરિબળ છે, પરંતુ તે એકમાત્ર કે સૌથી મોટું કારણ નથી. મોંઘવારી, વ્યાજના દર અને સોનાને ઝડપી વેપાર માટે ઉપલબ્ધ રાખવાની જરૂરિયાત પણ મહત્વની છે.
લંડન કેમ બન્યું સોનાનું પસંદગીનું કેન્દ્ર?
નેધરલેન્ડ્સે અમેરિકા અને કેનેડામાંથી ખસેડેલું સોનું હવે બેન્ક ઑફ ઇંગ્લેન્ડની તિજોરીમાં રાખવામાં આવ્યું છે. લંડન વિશ્વના સૌથી મોટા સોના વેપાર કેન્દ્રોમાંનું એક હોવાથી સંકટના સમયે સોનું ઝડપથી ખરીદવું કે વેચવું હોય તો તે અનુકૂળ સ્થાન માનવામાં આવે છે.
નેધરલેન્ડ્સના કેન્દ્રીય બેન્કના ગવર્નર ઓલાફ સ્લેપેને જણાવ્યું કે તેમને આશા છે કે ક્યારેય સોનાનો ઉપયોગ સંકટની સ્થિતિમાં કરવાની જરૂર નહીં પડે, પરંતુ સંકટનો સામનો કરવાની ક્ષમતા અને તૈયારી મજબૂત કરવી જરૂરી છે.
બેન્ક ઑફ ઇંગ્લેન્ડમાં ચાર લાખથી વધુ ગોલ્ડ બાર
સેન્ટ્રલ લંડનમાં આવેલી લગભગ 300 વર્ષ જૂની બેન્ક ઑફ ઇંગ્લેન્ડની તિજોરીઓમાં લગભગ ચાર લાખ ગોલ્ડ બાર રાખવામાં આવ્યા છે. તેમની કુલ કિંમત 200 અબજ પાઉન્ડથી વધુ હોવાનું જણાવાય છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના ઇન્ડસ્ટ્રી સર્વે મુજબ બેન્ક ઑફ ઇંગ્લેન્ડ હજુ પણ વિશ્વના સૌથી મહત્વપૂર્ણ ગોલ્ડ વૉલ્ટિંગ સ્થળોમાંનું એક છે.
જોકે હવે કેન્દ્રીય બેન્કો સોનાના ભંડારને અલગ-અલગ સ્થળોએ રાખીને જોખમ ઘટાડવાની દિશામાં આગળ વધી રહી છે. ગોલ્ડમેન શૅક્સના વિશ્લેષકોના જણાવ્યા મુજબ, સોનું ક્યાં રાખવું તે હવે રિઝર્વ મેનેજમેન્ટનો મહત્વપૂર્ણ મુદ્દો બની ગયો છે.
કેટલાક સોનાનું ભૌતિક રીતે પણ થયું ટ્રાન્સફર
નેધરલેન્ડ્સે ન્યૂયોર્કમાં લગભગ 59 ટન સોનું વેચીને લંડનમાં સમકક્ષ સ્ટોક ખરીદ્યો હતો. આ રીતે એટલાન્ટિક પાર ભૌતિક પરિવહનની જરૂર પડી નહોતી. જોકે 27 ટનથી વધુ સોનું અમેરિકા અને કેનેડામાંથી નેધરલેન્ડ્સના ઝીસ્ટ શહેરમાં ભૌતિક રીતે મોકલાયું અને ત્યારબાદ સમાન માત્રામાં સોનું ઝીસ્ટથી લંડન મોકલાયું.
ગોલ્ડ ટ્રાન્સફર કરતી કંપનીઓ પોતાની સુરક્ષા વ્યવસ્થાની વિગતો જાહેર કરતી નથી. બ્રિન્ક્સ ગ્લોબલ સર્વિસિસે જોકે જણાવ્યું છે કે તાજેતરના સમયમાં કેન્દ્રીય બેન્કો સહિતની સંસ્થાઓ તરફથી ગોલ્ડની માંગ વધી છે. કંપનીના નાદેર અંટારે આ પાછળ વધતી જિયોપોલિટિકલ અને આર્થિક અનિશ્ચિતતા તથા સોનાની ‘સ્ટ્રેટેજિક રિઝર્વ્ડ વેલ્થ’ તરીકે વધતી ભૂમિકાને કારણ ગણાવ્યું.
કેન્દ્રીય બેન્કો સોનું કેમ વધારી રહી છે?
વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ અનુસાર છેલ્લા ચાર વર્ષમાં કેન્દ્રીય બેન્કોએ સરેરાશ દર વર્ષે આશરે 1,000 ટન સોનું ખરીદ્યું છે. આ આંકડો છેલ્લા દાયકાના સરેરાશ 500 ટન કરતાં લગભગ બમણો છે. 2008ના વૈશ્વિક નાણાકીય સંકટ બાદ આ વલણ વધુ મજબૂત બન્યું છે.
સોનાની વધતી કિંમત પણ કેન્દ્રીય બેન્કોની ખરીદી પાછળનું મહત્વનું કારણ છે. આ વર્ષે જાન્યુઆરીમાં સોનાની કિંમત પ્રતિ ઔંસ 5,000 ડૉલરથી ઉપર પહોંચી હતી. ત્યારબાદ ભાવમાં ઘટાડો થયો હોવા છતાં તે ઐતિહાસિક રીતે ઊંચા સ્તરે છે. ગોલ્ડમેન શૅક્સના સંશોધકોના અંદાજ મુજબ 2026ના અંત સુધીમાં સોનાનો ભાવ પ્રતિ ઔંસ 4,900 ડૉલર સુધી પહોંચી શકે છે, જે ઓગસ્ટના સ્તર કરતાં આશરે 300 ડૉલર વધુ છે.
મોંઘવારી અને આર્થિક-જિયોપોલિટિકલ ઉથલપાથલ દરમિયાન સોનાને સુરક્ષિત સંપત્તિ માનવામાં આવે છે. તેથી યુરોપિયન દેશોનું સોનું શિફ્ટ કરવાનું વલણ કોઈ ચોક્કસ મોટા સંકટની જાહેરાત કરતાં વધુ, બદલાતી વૈશ્વિક પરિસ્થિતિમાં પોતાના રિઝર્વને સુરક્ષિત, વૈવિધ્યસભર અને જરૂર પડે ત્યારે તરત ઉપયોગ કરી શકાય તેવું રાખવાની વ્યૂહરચના તરીકે જોવામાં આવી રહ્યું છે.









