
Rajkot Dakshaben Vasani Controversy: રાજકોટમાં ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારો માટે બનાવવામાં આવેલી આવાસ યોજનામાં ડેપ્યુટી મેયર દક્ષાબેન વસાણીના નામે ક્વાર્ટર ફાળવાયું હોવાના મુદ્દે રાજકીય વિવાદ ઊભો થયો છે. સાધુ વાસવાણી રોડ પર આવેલા નટરાજનગરના રાજીવ ગાંધી આવાસ યોજનાના ક્વાર્ટર નંબર 119 સાથે દક્ષાબેન વસાણીનું નામ જોડાયેલું હોવાનો દાવો સામે આવ્યો છે. આ મામલે મિલકત છુપાવવાથી લઈને આવાસનો ઉપયોગ કર્યા વિના તેને અન્ય વ્યક્તિને રૂ.6 લાખમાં આપવાના આક્ષેપો થયા છે.
વિવાદનું કેન્દ્ર એ છે કે એક તરફ શહેરમાં અનેક ગરીબ પરિવારો સરકારી આવાસ મેળવવા માટે ઓફિસોના ધક્કા ખાઈ રહ્યા છે, ત્યારે બીજી તરફ કરોડોની મિલકતો ધરાવતા ચૂંટાયેલા પ્રતિનિધિના નામે આવાસ ફાળવાયું હોવાની માહિતી સામે આવી છે. કોંગ્રેસ અને વિપક્ષે આ સમગ્ર મામલે ઉચ્ચસ્તરીય તપાસની માગ કરી છે.
2015માં ફાળવણી અને મિલકત અંગેના સવાલો
સામે આવેલા દસ્તાવેજો અંગે કરવામાં આવેલા દાવા મુજબ દક્ષાબેન વસાણીના નામે આ આવાસ વર્ષ 2015માં ફાળવાયું હતું. સાથે એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે વર્ષ 2006થી જ તેમની પાસે અલગ-અલગ સ્થળોએ દુકાન અને મિલકતો હતી. ચૂંટણી દરમિયાન રજૂ કરાયેલા સોગંદનામામાં પણ આ આવાસનો ઉલ્લેખ ન હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
અહીં સૌથી મોટો સવાલ એ છે કે જો આવાસ યોજના માટે લાભાર્થી પાસે અન્યત્ર પાકું મકાન કે મિલકત ન હોવાની શરત લાગુ પડતી હોય, તો અગાઉથી મિલકત ધરાવતા વ્યક્તિને વર્ષ 2015માં કયા નિયમ હેઠળ આવાસ ફાળવવામાં આવ્યું?
દક્ષાબેન વસાણીનો ખુલાસો: દુકાનના ડિમોલિશનના બદલામાં આવાસ મળ્યું
આ સમગ્ર મામલે દક્ષાબેન વસાણીએ પોતાનો પક્ષ રજૂ કરતાં કહ્યું છે કે તેમણે આવાસ મેળવવા માટે કોઈ ફોર્મ ભર્યું નહોતું. તેમના જણાવ્યા મુજબ વર્ષ 2001માં ગોપાલ ચોકમાં આવેલી તેમની દુકાન ડિમોલિશન હેઠળ આવી હતી. કોર્પોરેશન દ્વારા દુકાનના બદલામાં આવાસ આપવાની વાત કરવામાં આવી હતી અને તે આધારે તેમને ક્વાર્ટર મળ્યું હતું.
તેમણે એવો પણ દાવો કર્યો કે આ આવાસ તેમને કાયદેસર રીતે મળ્યું હતું અને આશરે છ-સાત મહિના પહેલાં તેમણે રૂ.6 લાખના દસ્તાવેજ સાથે તે અન્ય વ્યક્તિને આપી દીધું હતું. તેમણે સ્પષ્ટતા કરી કે આવાસમાં તેઓ પોતે રહેવા ગયા નહોતા.
રૂ.6 લાખમાં હસ્તાંતરણ છતાં રેકોર્ડમાં નામ અંગે સવાલ
આવાસના હાલના રહેવાસી પાસેથી કરવામાં આવેલી પૂછપરછમાં પણ ક્વાર્ટર દક્ષાબેન વસાણી પાસેથી રૂ.6 લાખમાં લીધું હોવાની વાત સામે આવી છે. દસ્તાવેજ વર્ષ 2026ની શરૂઆતના હોવાનું જણાવાયું છે. હાલના રહેવાસીએ આશરે છ-સાત મહિનાથી ત્યાં રહેતા હોવાનું જણાવ્યું હતું.
આ દરમિયાન 2026-27ના વેરા રેકોર્ડમાં હજુ પણ દક્ષાબેન વસાણીનું નામ દેખાય છે કે કેમ તે મુદ્દે પણ સવાલો ઊભા થયા છે. જો આવાસનું હસ્તાંતરણ થઈ ચૂક્યું હોય તો સરકારી રેકોર્ડમાં માલિકી અથવા લાભાર્થીના નામમાં જરૂરી ફેરફાર કેમ થયો નથી?
આવાસ યોજનાના નિયમો અને પ્રશાસનની જવાબદારી પર પ્રશ્નો
વિપક્ષનો મુખ્ય સવાલ એ છે કે રાજીવ ગાંધી આવાસ અથવા સ્લમ પુનર્વસન યોજના હેઠળ દુકાનના ડિમોલિશનના બદલામાં રહેણાંક ક્વાર્ટર આપવાની સત્તાવાર જોગવાઈ હતી કે નહીં. જો આવી જોગવાઈ ન હોય તો દક્ષાબેન વસાણીને ક્વાર્ટર કયા આધાર પર ફાળવાયું?
સાથે જ, જો લાભાર્થીની મિલકતની સ્થિતિની ચકાસણી કરવી જરૂરી હતી તો 2015માં ફાળવણી પહેલાં રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓએ કયા દસ્તાવેજોની તપાસ કરી હતી? ફાળવણી પ્રક્રિયામાં કોઈ અધિકારીની બેદરકારી થઈ હોય તો તેની જવાબદારી નક્કી કરવામાં આવશે કે નહીં?
રાજકોટના અન્ય આવાસોની પણ તપાસની માગ
કોંગ્રેસે આ એક કિસ્સા પૂરતો મુદ્દો ન રાખીને રાજકોટમાં ગરીબો માટે બનાવવામાં આવેલા અન્ય આવાસોની પણ તપાસ કરવાની માગ કરી છે. વિપક્ષે અગાઉની તપાસો, SIT અને વિજિલન્સ કાર્યવાહી અંગે પણ સવાલો ઉઠાવીને કહ્યું છે કે તપાસની જાહેરાત બાદ તેના અહેવાલો જાહેર ન થાય તો કાર્યવાહીનો હેતુ શું રહે છે?
હવે મુખ્ય પ્રશ્ન એ છે કે રાજકોટ મહાનગરપાલિકા આ મામલે સ્વતંત્ર અને તથ્ય આધારિત તપાસ કરશે કે નહીં? જો નિયમોનું ઉલ્લંઘન થયું નથી તો ફાળવણીનો સંપૂર્ણ આધાર અને દસ્તાવેજો જાહેર કરવામાં સરકારને શું વાંધો છે? અને જો કોઈ ગેરરીતિ સામે આવે તો જવાબદાર અધિકારીઓ તથા લાભાર્થી સામે કાયદેસર કાર્યવાહી ક્યારે થશે?
સરકારી આવાસ યોજનાઓનો મૂળ હેતુ જરૂરિયાતમંદ લોકોને છત આપવાનો છે. તેથી એક ક્વાર્ટરના વિવાદથી આગળ વધીને રાજકોટના સમગ્ર આવાસ ફાળવણી તંત્રમાં પારદર્શિતા, પાત્રતા ચકાસણી અને હસ્તાંતરણની પ્રક્રિયા અંગે સ્પષ્ટતા કરવી હવે મહાનગરપાલિકા અને સરકાર સામેનો મહત્વનો જવાબદારીનો મુદ્દો બની ગયો છે.








