
Gandhinagar Raheja Land Case: ગાંધીનગર કોબામાં રૂ.1100 કરોડના રાહેજા જમીન કાંડમાં મોઢવાડિયા મૌન
દિલીપ પટેલ
અમદાવાદ, 20 નવેમ્બર 2026
આઈ ટી પ્રધાન અર્જુન મોઢવાડિયાએ જે કંપની સામે રાષ્ટ્રપતિને ફરિયાદ કરી હતી કે રૂ.1100 કરોડનું નુકસાન રાજ્યની જનતાને કરવામાં આવ્યું છે. હવે આ કંપનીઓની ગેરરીતિ તેઓ છાવરી રહ્યાં હોય તેમ તેમની સામે પગલાં લેતા નથી. અહીં 1.50 લાખ આઈટી કંપની ગુજરાતના યુવાનોને નોકરી આપવાની હતી. પણ વાસ્તવિકતા કંઈક જૂદી છે.
21 – એપ્રિલ 2006માં નરેન્દ્ર મોદીએ બોલાવેલી પ્રધાન મંડળની બેઠકમાં પોતાની સહીથી રાહેજાને જમીન આપવાનો નિર્ણય કર્યો હતો. ત્યારબાદ મહેસૂલ પ્રધાન કૌશિક પટેલે સહી કરીને વિભાગમાં આદેશ કર્યો હતો.
ગાંધીનગર જિલ્લાના કોબા ગામ ખાતે 3 લાખ 77 હજાર ચોરસ મીટર એટલે કે 93 એકર કે 158 વીઘા જમીન રૂ. 470ના પ્રતિ ચોરસ મીટરના દરે આઈ.ટી. પાર્ક માટે મુંબઈની કંપની રાહેજાને ફાળવી હતી.
સાયન્સ ટેકનોલોજી વિભાગની કંપનીને આપેલી જમીન હતી. જે જમીન એકાએક રાહેજાને આપવામાં આવી હતી. હવે સાયન્સ અને ટેકનોલોજી વિભાગના પ્રધાન મોઢવાડિયા છે. તેઓ ધારે તો આજે 20 વર્ષ જૂના ગંભીર ગેરરીતિના કેસમાં તપાસ કરીને જમીન પરત લઈ શકે એવી સત્તા એમની પાસે છે.
કલેક્ટરે મીટરના રૂ. 900 લેવાનું કહ્યું, પણ લેવાયા અડધા એટલે કે 470. આમ જનતાની માલિકીની જમીન કોઈ હરાજી વગર સસ્તામાં આપી દીધી હતી. ગુજરાત સરકારે ‘કે રહેજા કોર્પ’ને ઘણા નિયમો વિરુદ્ધ જઈને જમીન આપી હોવાથી શંકા મોદી સરકારની સામે કરવામાં આવી અને ભ્રષ્ટાચારના આરોપ મૂકવામાં આવ્યા હતા.
જંત્રી પ્રમાણે 19 હજાર કરોડની સ્ટેમ્પ ડ્યુટી ભરવાની થતી હતી. બજાર ભાવ રૂ. 30 હજાર હતો. જંત્રી પ્રમાણે ભાવ થતો હતો 715 કરોડ. બજાર ભાવ પ્રમાણે ભાવ થતો હતો રૂ. 1129 કરોડ. સરકારે જમીન રૂ.17 કરોડમાં આપી દીધી હતી. 1100 કરોડ ઓછા લેવાયા હોવાનું રાષ્ટ્રપતિ સમક્ષ રજૂઆત અર્જૂન મોઢવાડિયા સહિત કોંગ્રેસે ફરિયાદ કરી હતી. તિજોરીને ઓછામાં ઓછું 1100 કરોડ રૂપિયાનું નુકસાન થયું હોવાનો આરોપ મૂક્યો હતો.
વડી અદાલત
ગુજરાત હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવેલી એક જાહેર હિતની અરજી (PIL) સામાજિક કાર્યકર ભાનુભાઈ ઓડેદરા દ્વારા ખાનગી પક્ષકારોને કરવામાં આવેલી જમીન ફાળવણીની સીબીઆઈ તપાસની માંગ કરવામાં આવી હતી.
જાહેર હિતની અરજીના સંદર્ભમાં, કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ ભાસ્કર ભટ્ટાચાર્ય અને ન્યાયાધીશ જે. બી. પારડીવાલાની ખંડપીઠે આજે રાજ્ય સરકારને એક અઠવાડિયાની અંદર જવાબ દાખલ કરવા માટે આદેશ આપ્યો હતો.
પાછળથી, ગુજરાત હાઈકોર્ટના ચુકાદા મુજબ, જાન્યુઆરી ૨૦૧૪માં તત્કાલીન ચીફ જસ્ટિસ ભાસ્કર ભટ્ટાચાર્ય અને જસ્ટિસ જે. બી. પારડીવાલાની ખંડપીઠે સરકારની નીતિ મુજબ યોગ્ય પ્રક્રિયા અનુસરાઈ હોવાનું ઠેરવીને આ અરજી ફગાવી દીધી હતી.
આજે સ્થિતિ
ગાંધીનગરના કોબા ખાતે ગુજરાત સરકાર દ્વારા કે. રાહેજા કોર્પને આઈ.ટી. પાર્ક અને સેઝ બનાવવા માટે ફાળવવામાં આવેલી જમીન હાલમાં કંપનીના કબજામાં છે. 2026માં કોમર્શિયલ તથા રહેણાંક પ્રોજેક્ટ કાર્યરત અને વિકસિત થઈ રહ્યા છે.
હાલમાં આ જમીન પર રાહેજા ગ્રૂપનો માઈન્ડસ્પેસ ગાંધીનગર નામનો SEZ અને આઈ.ટી. પાર્ક પ્રોજેક્ટ અસ્તિત્વમાં છે. 5 લાખ ચોરસ ફૂટ જેટલો વિસ્તાર વિકસાવવામાં આવ્યો છે અને બાકીના વિસ્તારમાં તબક્કાવાર વિકાસની ક્ષમતા છે.
કે. રાહેજા માર્ગ તરીકે ઓળખાય છે. સરકાર દ્વારા SEZ નિયમોમાં સમય જતાં અપાયેલી છૂટછાટ અને એન.એ. (બિનખેતી) પરવાનગી બાદ અહીં આઈ.ટી. ઓફિસોની સાથે અન્ય કોમર્શિયલ અને રહેણાંક બાંધકામ પણ વિકસ્યા છે.
વિધાનસભા
વિપક્ષ કોંગ્રેસ દ્વારા વિધાનસભામાં અને જાહેરમાં એવા આક્ષેપો કરવામાં આવ્યા હતા કે સરકારે ગૌચરની કિંમતી જમીન બજારભાવ કરતા ઘણા ઓછા દરે આપી છે. તેમાં શરત ભંગ કરીને કોમર્શિયલ તથા રહેણાંક બાંધકામ કરવામાં આવ્યું છે.
7 વર્ષ પહેલાં વિધાનસભામાં પ્રશ્નોત્તરી કાળ બાદ ગૃહની બહાર કોંગ્રેસે આક્ષેપ કર્યો કે, ભાજપ સરકારે રાહેજા ગ્રૂપને કોબા ખાતે ગૌચરની 158 વીઘા જમીન પાણીના ભાવે પધરાવી દીધી. સરકારે 2006માં 1 હજાર કરોડની જમીન 17.70 કરોડમાં આપી દીધી. કોંગ્રેસના નેતા નિરંજન પટેલ, વિરજી ઠુંમર, પરેશ ધાનાણીએ કહ્યું હતું કે, ગૌચરની જમીન વેચી શકાય નહીં તેવો સર્વોચ્ચ અદાલતનો ચુકાદો હોવા છતાં ભાજપ સરકારે કંપનીને આઈટી પાર્કનો કોઈ જ અનુભવ ન હોવા છતાં રાહેજા ગ્રૂપને લાખો ચોમી જમીન પાણીના ભાવે પધરાવી દીધી છે.
રાજ્ય સરકાર પગલાં ભરવાને બદલે માલિકોને છાવરી રહી છે.
રાહેજા ગ્રૂપને આઈટી, આઈટીઈ – સેઝ પાર્ક બનાવવા માટે ફાળવેલી જમીનમાં આ કંપની દ્વારા હેતુફેર કરી કોમર્શિયલ અને રહેણાકના મકાનો બનાવીને ખુલ્લેઆમ શરતભંગ કરેલ હોવા છતાં રાજ્ય સરકાર તેની સામે પગલાં ભરવાને બદલે માલિકોને છાવરી રહી છે. એવા આરોપ હતા.
ગૌચરની 3,76,581 ચો મી જમીન પ્રતિ ચોમી. રૂ. 470ના પાણીના ભાવે આપી.
આ જમીન પર કોમર્શિયલ કે રહેણાંક હેતુ માટે ત્યાં બાંધકામ થયેલું હોય તો આવું બાંધકામ દૂર કરી અને શરતભંગ મુજબ આ જમીન સરકાર પાછી લેવા માંગે છે કે કેમ?
ભાજપ સરકારે વિધાનસભામાં સ્વીકાર્યું હતું કે, ગાંધીનગરના કોબા ખાતે સ.નં. 270ની ગૌચરની જમીન મે. એક્વાલાઈન પ્રોપર્ટીઝ પ્રા. લી. (રાહેજા ગ્રપ)ને આઈટી, આઈટીઈએસ સેઝ પાર્ક બનાવવા માટે ફાળવવામાં આવી છે.
તેના ઉત્તરમાં ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કોઈ હેતુફેર કે શરતભંગ થયો ન હોવાનું જણાવીને ગૃહને ગેરમાર્ગે દોરતા ખોટી માહિતી આપી હતી. ઉલ્લેખનીય છે કે ગૌચરની કુલ 3,76,581 ચો મી જમીન પ્રતિ ચો મી. રૂ. 470ના પાણીના ભાવે આપી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
સીએજી
આ ઉપરાંત, ભારતના કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ (CAG)ના અહેવાલમાં પણ જમીનના મૂલ્યાંકનમાં અંદાજે રૂ.10 કરોડની ઓછી વસૂલાત થઈ હોવાની નોંધ લેવામાં આવી હતી.
ખોટા મૂલ્યાંકનને કારણે ‘ઓક્યુપન્સી પ્રાઈસ’ (કબજા કિંમત)ની વસૂલાતમાં થયેલી ત્રુટિ હતી. ઓડિટમાં જણાયું છે કે, સરકારના ઠરાવોમાં નિર્ધારિત વિવિધ પરિબળો ધ્યાનમાં રાખીને જમીનની મૂળ કિંમતમાં જે વધારા ઉમેરવાના હતા, તેનું પાલન વિભાગ દ્વારા કરવામાં આવ્યું ન હતું.
જમીનનું બજાર મૂલ્ય ખોટી રીતે નક્કી કરવામાં આવ્યું, જેના પરિણામે જમીન ફાળવણી મેળવનારાઓને અયોગ્ય આર્થિક લાભ થયો.
કેબિનેટ અથવા વિભાગ દ્વારા મંજૂર કરાયેલા ફાળવણી આદેશો સાથે જોડાયેલા મૂલ્યાંકન અહેવાલોની સીએજીએ તપાસ કરી હતી. જમીનની કિંમત નક્કી કરતી વખતે માર્ગદર્શિકા મુજબ તેમાં જે વધારા (additions) ઉમેરવાના હતા, તે ઉમેરવામાં આવ્યા ન હતા.
3 લાખ 77 હજાર ચોરસ મીટર જમીનના મીટર દીઠ રૂ. 705 લેવા જોઈતા હતા પણ લેવામાં આવ્યા હતા 470. તેથી સરકારને રૂ. 10 કરોડ ગુમાવવા પડ્યા હતા.
સપ્ટેમ્બર 2002માં સરકાર દ્વારા જમીનના મૂલ્યાંકન માટે બહાર પાડવામાં આવેલી માર્ગદર્શિકામાં, જમીનના વેચાણ મૂલ્યમાં 20થી 25 ટકા અને ઔદ્યોગિક હેતુ માટે 30થી 40 ટકાનો વધારો કરવાની જોગવાઈ છે.
ગૌચર જમીન માટે કુલ મૂલ્યના 30 ટકા એટલે કે રૂ. 705 ઉમેરવાના હતા.
સ્ટેટ લેન્ડ વેલ્યુએશન કમિટીએ જમીનનું વેચાણ મૂલ્ય પ્રતિ ચોરસ મીટર રૂ. 470 નક્કી કર્યું હતું, પરંતુ તેમાં પાકા રસ્તા માટે ઓછામાં ઓછા 20 ટકા અને ઔદ્યોગિક વિસ્તાર માટે 30 ટકાનો વધારો ઉમેર્યો ન હતો.
ગૌચર જમીન સહિતની જમીન માટે મળવાપાત્ર કબજા કિંમતમાં રૂ. 10 કરોડની ઓછી વસૂલાત થઈ.
એમ સીજીએજીએ વિધાનસભામાં આપવામાં આવેલા તેના અહેવાલમાં કહ્યું હતું.
ભૂલભરેલી હકકપત્રક નોંધ
ગાંધીનગર જિલ્લાના તલાટી કે સર્કલ ઓફિસર, નાયબ મામલતદાર, મામલતદાર, કલેક્ટર દ્વારા નિયમોનું ઉલ્લંઘન કર્યું હતું.
સીએજીએ અહેવાલ આપ્યો હતો કે, ગાંધીનગર કલેક્ટર કચેરીમાં ફાળવણીના રેકોર્ડની સીએજીએ તપાસ કરી તો કોબા ગામના સર્વે નંબર 237, 238, 240, 270 એક્વાલાઇન પ્રોપર્ટીઝ પ્રાઇવેટ લિમિટેડ (અગાઉની ‘રહેજા કોર્પોરેશન પ્રાઇવેટ લિમિટેડને SEZ (સ્પેશિયલ ઇકોનોમિક ઝોન) હેતુ માટે ફાળવવામાં આવી હતી.
શરતભંગ
નવી શરત હેઠળ જમીન આપી હતી જેથી જમીન પરના અધિકારો સરકાર પાસે રહે છે. મ્યુટેશનમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં, એવી શરત હતી. જમીન હસ્તાંતરણ અંગેની નોંધ (મ્યુટેશન) પાડવામાં આવી હતી, અને આ જમીનને ‘નવી અને પ્રતિબંધિત શરતની જમીનને બદલે ‘જૂની શરત’ ની જમીન તરીકે દર્શાવવામાં આવી હતી. એવી નોંધ સીએજીએ કરી હતી.
વધારે જમીન આપી
પણ, ગામ જમીન માલિકીના દસ્તાવેજોના નમૂના 6, 7, 12, 8-અની તપાસ સીએજીએ કરી તો રાહેજા કંપનીને 3 લાખ 76 હજાર 581 ચો.મી. જમીન ફાળવવાને બદલે 4 લાખ 39 હજાર 880 ચો.મી. જમીન ફાળવવામાં આવી હોવાનું દર્શાવવામાં આવ્યું હતું. આમ 63,299 ચોરસ મિટર જમીન વધારે આપી દીધી છે.
સરકાર કે કલેક્ટરના આદેશો મેળવ્યા વિના જ 63299 ચો.મી. સરકારી જમીન જેનું મૂલ્ય રૂ. 4 કરોડ 46 લાખ થતું હતું તે આપી દીધી હતી. હસ્તાંતરિત કરવામાં આવી હતી.
સીએજીએ મોદી સરકારને લેખિતમાં જાણ કરી હતી છતાં 2012 સુધી કોઈ જવાબ આપ્યો ન હતો.
2026 મુંબઈ
મુંબઈમાં રાહેજાએ રાહેજા ઇમ્પેરિયા-I નામની 214 મીટર એટલે કે 702 ફૂટ ઊંચી 52 માળની બિલ્ડીંગ બનાવી છે. જે ભારતની 10 ઊંચી બિલ્ડીંગ પૈકીની એક છે.
17 નવેમ્બર, 2026માં K Raheja Corp એ પનવેલમાં 165 એકર જમીન માટે 956 કરોડ રૂપિયાનો વિકાસ કરાર કર્યો હતો. રાયગઢ જિલ્લાના પનવેલ તાલુકાના શેડુંગ, કસલખંડ, ખાનાવલે અને આષ્ટે ગામોમાં ફેલાયેલી જમીનનો સમાવેશ થાય છે. આ જમીન NH-48 (જૂના મુંબઈ-પુણે હાઈવે) ને અડીને આવેલી છે.
આ કરાર હેઠળ કંપનીને ત્યાં ‘મિક્સ-યુઝ’ (મિશ્ર ઉપયોગ ધરાવતી) ટાઉનશિપ વિકસાવવાના અધિકારો મળ્યા છે, જેમાં 123.7 મિલિયન ચોરસ ફૂટ જેટલો વિકાસ કરવાની ક્ષમતા છે.
મહારાષ્ટ્રમાં ભાજપની સરકાર છે.








