
Family Murder: સોમવારે કર્ણાટકના મૈસુરના વિશ્વેશ્વરાય નગર વિસ્તારમાં એક એપાર્ટમેન્ટમાં એક જ પરિવારના ચાર સભ્યો રહસ્યમય સંજોગોમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા. પોલીસના જણાવ્યા અનુસાર, મૃતકોની ઓળખ ચેતન (45), તેની પત્ની રૂપાલી (43), તેમનો 15 વર્ષનો પુત્ર અને ચેતનની માતા પ્રિયમવદા (62) તરીકે થઈ છે. પોલીસને શંકા છે કે ચેતને પહેલા ત્રણેયને ઝેર આપ્યું અને પછી ફાંસી લગાવીને આત્મહત્યા કરી છે.
પોલીસ ઘટનાસ્થળે પહોંચી
મૈસુર શહેરના પોલીસ કમિશનર સીમા લાટકરે ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી. આ પછી તેમણે કહ્યું કે પોલીસે આ મામલાની તપાસ શરૂ કરી દીધી છે. ઘટનાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. પરિવારના 4 સભ્યો મૃત હાલતમાં મળી આવ્યા છે. ચેતનની માતા એક ફ્લેટમાં મૃત હાલતમાં મળી આવી હતી અને બાકીના બધા તે જ એપાર્ટમેન્ટ કોમ્પ્લેક્સના બીજા ફ્લેટમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા. તેમણે વધુમાં કહ્યું કે પ્રિયંવદા અલગ રહેતી હતી.
આત્મહત્યા કરતા પહેલા ચેતને તેના ભાઈને ફોન કર્યો હતો
મૃતક ચેતને અમેરિકામાં રહેતા તેના ભાઈ ભરતને ફોન કરીને કહ્યું હતું કે તે તેના પરિવાર સાથે આત્મહત્યા કરી રહ્યો છે. પોલીસ કમિશનરે કહ્યું કે ભરતે તરત જ રૂપાલીના માતાપિતાને ફોન કર્યો અને તેમને ચેતનના એપાર્ટમેન્ટમાં પહોંચવા કહ્યું હતુ. જ્યારે તેઓ ફ્લેટ પર પહોંચ્યા, ત્યારે ઘટના બની ચૂકી હતી. તેમણે સવારે 6 વાગ્યે પોલીસને ફોન કર્યો અને વિદ્યારણ્યપુરમ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને કેસની તપાસ શરૂ કરી હતી.
દેવું થઈ જતાં પગલું ભર્યું
અહેવાલ અનુસાર, ચેતન એક મિકેનિકલ એન્જિનિયર હતો જે HR કન્સલ્ટન્સી ફર્મ ચલાવતો હતો. તેના પર ભારે દેવું હતું કારણ કે તેણે ખાનગી શાહુકારો સહિત અનેક નાણાકીય સંસ્થાઓ પાસેથી લગભગ ૩ કરોડ રૂપિયા ઉધાર લીધા હતા. ચેતનનો પરિવાર વિશ્વેશ્વરનગરમાં એક ફ્લેટમાં રહેતો હતો અને તેની માતા તે જ માળે બાજુના ફ્લેટમાં એકલી રહેતી હતી.
ઘટનાસ્થળેથી ચીઠ્ઠી મળી
ઘટનાને અંજામ આપતાં પહેલા એક ચીઠ્ઠી પણ તેણે લખી હતી. ચેતને લખ્યું છે કે પોલીસે તેના મૃત્યુ માટે તેના પરિવારના અન્ય સભ્યો, સંબંધીઓ અને મિત્રોને હેરાન ન કરવા જોઈએ. ચેતને એમ પણ કહ્યું કે તેને આ પગલું ભરવાનો પસ્તાવો છે અને તે તેના માટે જવાબદાર છે. પોલીસે જણાવ્યું કે ચેતને સવારે 4 વાગ્યે તેના ભાઈ ભરતને ફોન કર્યો હતો. ત્યાર બાદ પોલીસને જાણ કરતાં તપાસ હાથ ધરાઈ છે.
આ પણ વાંચોઃ આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પરિણામ, 16મીએ થયું હતુ મતદાન
આ પણ વાંચોઃ રાજકોટ: મહિલા દર્દીઓની તપાસના વિડિયો યુટ્યુબ પર અપ્લોડ કરતાં તપાસના આદેશ, જીલ્લાની હોસ્પિટલો પર તવાઈ