
Ahmedabad: અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં એક દુ:ખદ ઘટના સામે આવી છે, જ્યાં 21 વર્ષીય યુવતીએ પ્રેમી સાથેના અશ્લીલ વીડિયો વાયરલ થવાના ડરથી આત્મહત્યા કરી લીધી છે. ચાંદખેડાના હાઈરાઈઝ એપાર્ટમેન્ટના 14માં માળેથી ઝંપલાવીને તેણે પોતાનું જીવન ટૂંકાવ્યું છે. આ ઘટનામાં પોલીસે યુવતીના પ્રેમી મોહિત ઉર્ફે મિતરાજ મકવાણા અને તેના મિત્ર હાર્દિક રબારી સામે આત્મહત્યા માટે દુષ્પ્રેરણાનો ગુનો નોંધ્યો છે.
પ્રેમસંબંધમાં દગો અને બ્લેકમેલિંગ
મળતી માહિતી મુજબ યુવતી અને મોહિત વચ્ચે પ્રેમસંબંધ હતો, પરંતુ મોહિતે તેમની અંગત પળોનો વીડિયો તેના મિત્ર હાર્દિક રબારીને આપી દીધો. હાર્દિકે મીનાક્ષીને ફોન કરીને આ વીડિયોની જાણકારી આપી અને તેને હિલ લોક હોટલ પાસે મળવા બોલાવી. ત્યાં યુવતીએ તેની બહેનપણી અને તેના પતિ સાથે જઈને હાર્દિકને મળી, જ્યાં તેણે વીડિયો બતાવ્યો. આ ઘટનાએ મીનાક્ષીને આઘાતમાં મૂકી દીધી. તેણે મોહિતને વીડિયો ડિલીટ કરવા કહ્યું, પરંતુ મોહિતે રૂ. 2500ની માંગણી કરી અને વીડિયો ડિલીટ કરવાની ના પાડી હતી.
પોલીસની હાજરીમાં વીડિયો કર્યો ડિલીટ છતા રહ્યો ભય
આ મામલે યુવતીએ પોલીસનો સંપર્ક કર્યો, અને પોલીસની હાજરીમાં મોહિતના ફોનમાંથી વીડિયો ડિલીટ કરાવ્યો. જોકે, હાર્દિકના ફોનમાં વીડિયો હજુ હોવાની શંકા મીનાક્ષીને સતાવતી હતી. આ ડરને કારણે તે સતત ચિંતામાં રહેતી હતી. થોડા દિવસો પહેલા બંને પક્ષો વચ્ચે સમાધાન થયું હોવા છતાં, મીનાક્ષીને વીડિયો વાયરલ થવાનો ભય રહ્યો, જે તેના માનસિક તણાવનું મુખ્ય કારણ બન્યો.
આ કેસમાં પોલીસે શું કાર્યવાહી કરી?
વીડિયો વાયરલ થવાની ચિંતાએ મીનાક્ષીને એટલી હદે તૂટી પડી કે તેણે ચાંદખેડાના એક હાઈરાઈઝ બિલ્ડિંગના 14માં માળેથી ઝંપલાવીને જીવન ટૂંકાવ્યું. આ ઘટના બાદ ચાંદખેડા પોલીસે મોહિતની ધરપકડ કરી લીધી છે, જ્યારે હાર્દિક રબારીની શોધખોળ ચાલુ છે. પોલીસે આરોપીઓ સામે આત્મહત્યા માટે દુષ્પ્રેરણાનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. આ ઉપરાંત, યુવતીએ મોહિતને રૂ. 6000 અને સોનાની ચેઈન પણ આપી હતી, જે બ્લેકમેલિંગનો ભાગ હતો.








