
અહેવાલ :દિલીપ પટેલ
Ahmedabad: અમદાવાદ શહેરની વચ્ચેથી પસાર થતી ખારી નદી પરથી પાણી લઈ આવતી ખારીકટ નહેર બંધ કરવાના બદલે તેને ચાલુ રાખવા અને સમારકામ કરવા માટે 35 વર્ષમાં અમદાવાદ મહાનગરપાલિકા અને રાજ્ય સરકારે રૂ. 5 હજાર કરોડ ખર્ચી નાંખ્યા છે છતાં તેનો ઉપાય મળતો નથી.
ખારીકટ નહેર બની એશિયાની સૌથી મોટી કચરાપેટી
એશિયાની સૌથી મોટી કચરાપેટી તરીકે જાણીતી ખારી નહેર આસપાસ બિલ્ડરોએ કરેલા આડેધડ બાંધકામ અને અમપાના અણઘડ વહીવટના કારણે નાગરિકોના નાણાનું પાણી નહેરમાં વહી રહ્યું છે.અમદાવાદનો સૌથી મોટો ખર્ચાળ પ્રોજેક્ટ સાબિત થયો છે. તે પણ બિલ્ડર અને ઉદ્યોગોના લાભ માટે આ ખર્ચ કરાયું પણ તેમની પાસેથી વસૂલ કરાયો નથી. આ નહેરથી હાલ કોઈ સિંચાઈ થતી નથી છતાં સરકાર અને AMC દ્વારા અમદાવાદના નાગરિકોના વેરાના પૈસા બરબાદ કરવામાં આવી રહ્યાં છે. આ ખર્ચ અટકતું નથી. મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ અમદાવાદના હોવાથી તેમણે ફરી એક વખત રૂ. 1 હજાર કરોડ ખર્ચ ખારીકટ નહેરની સુધારણા માટે કરવાની મંજૂરી આપી છે.
ખારીકટ નહેર તબક્કા 2નું સમારકામ કરવા માટે રાજ્ય સરકારે આપી મંજૂરી
રૂ. 1 હજાર કરોડના ખર્ચે અમદાવાદ શહેર વચ્ચેથી પસાર થતી 100 વર્ષ જૂની ખારીકટ નહેર તબક્કા 2નું સમારકામ કરવા માટે રાજ્ય સરકારે મંજૂરી આપી છે. ખારીકટની પેટા નહેરના આઠ ભાગમાં વિકસાવવા રાજ્ય સરકારે મંજૂરી આપી. 22.5 કિલોમીટર લંબાઈમાં કામ થશે. જેમાં આઠ સિંચાઈની નહેરો છે. જ્યારે ચાર સ્ટ્રોમ વોટર નહેર છે.
ખારીકટ નહેર પર 90 માઈનોર બ્રિજ ભયજનક
અમદાવાદ મનપા વિસ્તરમાં ખારીકટ નહેર પર 90 માઈનોર બ્રિજ આવેલા છે. તે ભયજનક છે. પરંતુ તેના સમારકામ માટે રાજ્યના સિંચાઈ વિભાગ કે મહાનગર પાલિકાએ કામ કર્યા નથી.
રૂ. 1003 કરોડનાં પ્રોજેક્ટને મળી મંજૂરી
અમુક હિસ્સામાં આર.સી.સી. સ્ટોર્મ વોટર બોક્સ સ્ટ્રકચર સહિત નહેર બોક્સ સ્ટ્રક્ચર મુજબની ડિઝાઇન તથા અન્ય હિસ્સાઓમાં માત્ર નહેર બોક્સ સ્ટ્રક્ચર મુજબની ડીઝાઈન સહિત વોટર સપ્લાય-ડ્રેનેજ નેટવર્ક-રોડ-સ્ટ્રીટલાઈટ-સ્ટ્રીટ વિકાસની કામગીરીનાં આયોજન સાથેનો રકમ રૂ. 1003 કરોડનાં બ્લોક એસ્ટીમેટ સાથેનો ડીટેલ પ્રોજેક્ટ રીપોર્ટ બનાવી સક્ષમ સત્તાની મંજુરી મેળવી રાજય સરકારમાં મોકલી આપવામાં આવ્યો હતો. જેની સૈધ્ધાંતિક મંજુરી મળી ગઈ છે. તેના ટેન્ડર આગામી 15 દિવસમાં જાહેર કરવામાં આવશે.
ખારીકટ નહેર ફેઝ- 2માં શું કામ થશે ?
ખારીકટ નહેર ફેઝ- 2માં એસ.પી. રીંગ રોડથી મુઠીયા ડ્રેઈન, મુઠીયા ડ્રેઈન નરોડા સ્મશાન ગૃહ, વિઝોલ વહેળાથી એકસપ્રેસ વે, વિંઝોલ વહેળા થી ઘોડાસર (આવકાર હોલ), ઘોડાસર (આવકાર હોલ) થી વટવા ગામદિવીમાતા પંપીંગ), સેકશન- 4 વટવા ગામ (દેવીમાતા પંપીગ)થી ખારી નદી તરફ જતી એસ.પી. રીગ રોડ સુધીની નહેર, સેકશન- 03 વટવા ગામ(દેવીમાતા પંપીગ)થી વસઈ તરફ જતી એસ.પી. રીંગ રોડ સુધીની નહેર, વટવા ગામ (દૈવીમાતા પંપીંગ)થી રોપડા તળાવ તથા સરોપડા તળાવથી ખારી નદી સુધીનો ભાવ વિકસાવવામાં આવશે.
પેટા નહેરો માટે કોઈ વિચારણા નહીં
અમદાવાદ શહેરના ઉત્તર પૂર્વ અને દક્ષિણ ઝોનમાંથી પસાર થતી ખારી કટ નહેરને રૂ.1200 કરોડના ખર્ચથી ઉપરના ભાગે માર્ગ વિકસાવવામાં આવી રહ્યા છે. પેટા નહેરો માટે કોઈ વિચારણા કરવામાં આવી ન હતી.
કુલ 104 માઈનોર બ્રીજ ભયજનક
અમદાવાદમાં ખારીકટ-ફતેહવાડી નહેર પર કુલ 104 માઈનોર બ્રીજ ભયજનક છે. રાજ્ય સરકારે 50 વર્ષથી નાના પુલના સમારકામ થયા નથી. સ્ટ્રકચર પરથી અવરજવર પણ બંધ કરવામાં આવી છે.
નહેરોની તમામ જવાબદારી કોર્પોરેશનને સોંપવામાં આવી
ખારીકટ વિકાસ પ્રોજેક્ટ મંજૂરી સમયે સિંચાઈ વિભાગ અને સરદાર સરોવર નિગમ તરફથી આ નહેરોની તમામ જવાબદારી કોર્પોરેશનને સોંપવામાં આવી હોવાનો પત્ર લખવામાં આવ્યો હતો. પરંતુ કોઈ સૈધ્ધાંતિક નિર્ણય લેવામાં આવ્યો ન હતો. સરદાર સરોવર નિગમ લિ.ના કાર્યપાલક ઈજનેર તરફથી ઓગસ્ટ 2024માં ખારીકટ સોંપી હતી.
સમારકામના ખર્ચનો અંદાજ
મહાનગરપાલિકા દ્વારા બંને નહેર પરના બાંધકામ માળખાનો સર્વે કરી સમારકામ ખર્ચનો અંદાજ તૈયાર રૂ.100 કરોડ તૈયાર કર્યો હતો. એક અંદાજ મુજબ ખારીકટ અને ફતેહવાડી નહેર પર કુલ 104 સ્ટ્રકચર છે જે પૈકી મ્યુનિ. કોર્પોરેશનની હદમાં 98 સ્ટ્રકચર છે જેના રીપેરીંગ માટે રૂ.135 કરોડનો ખર્ચ થવાનો અંદાજ છે.
એશિયાની મોટી કચરાપેટી કેમ કહેવાઈ ?
ખારીકટ એશિયાની સૌથી મોટી કચરાપેટી કહેવામાં આવી રહી છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રૂ. ત્રણ કરોડના ખર્ચથી સેંકડો ટન કચરો કાઢવામાં આવ્યો હતો. કેમિકલ અને એસિડયુક્ત પાણી છોડવામાં આવી રહ્યા છે. 2017માં 20 દિવસ સુધી સફાઈ કરીને રૂ. 5.50 કરોડના ખર્ચ બાદ નહેર શુદ્ધ થઈ હતી. પરંતુ ત્યારબાદ યોગ્ય દેખરેખનો અભાવ અને ગાંધી-વૈદ્યનું સહિયારું ચાલી રહ્યું હોવાથી નહેરમાં કેમિકલયુક્ત તથા ડ્રેનેજના પાણી છોડવાનું બંધ થયું ન હતું. ખારીકટ નહેરમાં કેમિકલના પાણી છોડવામાં ન આવે તેના માટે 24 સી.સી. ટી.વી લગાવવામાં આવ્યા છે. પણ બંધ હોય છે.
તબક્કો 1
પ્રથમ તબક્કા ફેઝ-1માં નરોડા સ્મશાનથી વિંઝોલ વહેળા સુધીની 12.75 કિલોમીટરની લંબાઈમાં નહેર ડેલવલપમેન્ટની કામગીરી અન્વયે કામ પૂર્ણ થયું છે. ફેઝ- 1માટે ફાળવવામાં આવેલા રૂ. 1338 કરોડ ખર્ચ થયું છે. ફેઝ-2 અંતર્ગત વિવિધ પાંચ સ્ટ્રેચમાં હયાત નહેરને રિ ડેવલપ કરવાની કામગીરીને મંજૂરી આપી છે. મ્યુનિસિપલ કમિશ્નરે સુચવેલી ડિઝાઇન મુજબ ખારીકટ વિકાસનો પ્રોજેક્ટ રૂ. 1400 કરોડનો હતો.
ફેઝ 1ના ત્રણ પ્લાન
22 કિલો મીટર લાંબી નહેરના 12.50 કિલો મીટરનો ભાગ વિકસાવવાનું નક્કી કરી 2025માં કામ પૂરું કરવાનું હતું. પ્રોજેક્ટમાં રાજ્યનો સિંચાઈ વિભાગ 50 ટકા ખર્ચ આપે છે. 50 ટકા ખર્ચ મહાનગરપાલિકા આપે છે. મહાનગરપાલિકાએ ત્રણે વિકલ્પ સિંચાઈ વિભાગને પાઠવ્યા હતાં. છેવટે સિંચાઈ વિભાગે રૂ. 1200 કરોડનો વિકલ્પ પસંદ કર્યા હતા. રૂ. 1200 કરોડનો અંદાજ ધરાવતો ત્રીજો અને સૌથી વધુ ખર્ચાળ વિકલ્પ તંત્રે પસંદ કર્યો હતો.
ગોતા- ગોધાવી નહેરના ધોરણે નહેરના ભાગને બંને તરફના સર્વિસ રોડ સાથે સમથળ કરવામાં આવી છે. નહેરની ઉપર ડબલ એ ગ્રેડના આરસીસી સ્લેબ તૈયાર કરવામાં આવ્યા છે. ભારે વાહનોની અવર જવર પણ સરળતા પૂર્વક થઈ શકશે.
ફાયદા
સિંચાઈના પાણીના વહન માટે 2.60 માટર અને 2.60 મીટરના બે પ્રિકાસ્ટ આરસીસીના બોક્સ છે. તેમજ 6 મીટરથી 3.30 મીટરના બે સ્ટ્રોમ વોટર બોક્સ છે. ખારીકટ નહેરની પાણીની વહન ક્ષમતા 73.63 ક્યુબિક મીટર દરેક સેકન્ડની થશે. આસપાસના વિસ્તારમાં ચોમાસાના પાણી વહેશે. મતલબ કે સ્ટ્રોમ વોટર લાઈન બની જશે. નહેરને ઉપરથી બંધ કરીને તેના પર 80થી 90 ફૂટના ડામરના રોડ બને છે. નરોડા-નારોલ રોડ પરનો ટ્રાફિક હળવો થશે. લોકો કચરો નાખતા અટકશે.
પ્રદૂષણ
નહેરમાં કેમિકલ યુક્ત પાણીની માત્રા સહેજ પણ ઓછી થઈ નથી. ચોમાસામાં વરસાદના પગલે નહેરમાં ખૂબ જ મોટા પાયે દુર્ગંધ યુક્ત પાણી આવે છે. નરોડા જીઆઇડીસી વિસ્તારમાં આવેલી કેટલીક કેમિકલ ફેક્ટરીઓ દ્વારા કેમિકલયુક્ત પાણી ખારીકટ નહેરમાં છોડવામાં આવતા નરોડા જીઆઇડીસીને નોટિસ આપી ખુલાસો માંગવામાં આવે છે. નહેરના પાણીનો રંગ બદલાઈ ગયો હતો. આસપાસના નાગરિકોને દુર્ગંધનો સામનો કરવો પડ્યો હતો.
64 આઉટલેટ દ્વારા કેમિકલનું પાણી છોડવામાં આવ્યું હતું. 12 સ્થળે ડ્રેનેજ પાણીના આઉટલેટ છે. પૂર્વ અને ઉત્તર ઝોનના ડ્રેનેજ પમ્પીંગ સ્ટેશનમાંથી નારોલ-નરોડા ટ્રેક મેઈનમાં પાણી છોડવામાં આવે છે. નરોડા-નારોલ લાઈન મોટાભાગે ભરેલી હોય છે તેથી પાણી બેક મારે છે અને તે પાણી ખારીકટ નહેરમાં જાય છે. નહેરમાં જતા આ અશુધ્ધ પાણીને રોકવા માટે આઠ પમ્પીંગ સ્ટેશનની લાઈનો અને દિશા બદલવામાં આવી હતી. નરોડા-નારોલ મેઈન ટ્રેકના બદલે એસ.જી રીંગરોડ બનાવવામાં આવેલી નાના ચિલોડા- વિંઝોલ ટ્રેક મેઈનમાં જોડવામાં આવી હતી.
ભેદભાવ
પૂર્વ અને પશ્ચિમ અમદાવાદનો ભેદ અહીં છે. ખારીકટ નહેરને કારણે પૂર્વ વિસ્તારનો વિકાસ વર્ષોથી ક્યાંકને ક્યાંક અટકી રહ્યો હતો.
વિશ્વ બેંકની લોન
ખારીકટ નહેર વિકાસના જી.એ.ડી. ડીઝાઈન એપ્રુવલ, રાઈટ ઓફ વે ડીમાકેશન, રૂ. 400 કરોડની ગ્રાન્ટ તથા સંયુક્ત સુપરવિઝનના કામ સિંચાઈ વિભાગ દ્વારા કરવામાં આવશે. અમદાવાદ મહાનગરપાલિકા રૂ. 100 કરોડનો ખર્ચ કર્યો છે. વર્લ્ડ બેંક લોનમાંથી રૂ. 400 કરોડ મેળવાયા છે.
પાંચ ટેન્ડર
12.75 કિલો મીટર લાંબી ખારીકટ નહેર માટે 5 ઠેકા જાહેર કરાયા હતા.
નરોડા સ્મશાનગૃહથી વિંઝોલ વહેળા સુધીની ખારીકટ નહેર માટેના 5 ભાગ આ પ્રમાણે છે.
રૂ.235.80 કરોડનાં નરોડા સ્મશાનગૃહથી નવયુગ સ્કૂલ ક્રોસિંગનો સમાવેશ થાય છે.
રૂ.300 કરોડનાં બીજા ટેન્ડરનાં નવયુગ સ્કૂલ નહેર ક્રોસિંગથી નિધિ પાર્ક સોસાયટીનો સમાવેશ થાય છે.
રૂ. 241.34 કરોડના ત્રીજા ટેન્ડરમાં નિધિ પાર્ક સોસાયટીની ઓઢવ ફાયર સ્ટેશન છે.
રૂ. 232 કરોડના ચોથા ટેન્ડરમાં ઓઢવ ફાયર સ્ટેશનથી થોમસ ઈંગ્લીસ હાઈસ્કૂલ છે.
રૂ. 253.75 કરોડના થોમસ ઈંગ્લીસ હાઈસ્કૂલથી વિંઝોલ વહેળા સમાવેશ કરાયો છે.
નહેરમાં વચ્ચે આવતી નરોડા જીઆઈડીસીથી પીરાણા જતી મેગા લાઈનને શિફ્ટ કરવામાં આવી છે.
ભ્રષ્ટ રીત
ગુણવત્તાથી લઈ અને અન્ય પ્રશ્નો ઊભા થાય તો પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્ટને પેનલ્ટી કરવાની શરતો ન મૂકતા કંપનીને કામ આપવાની દરખાસ્ત વોટર કમિટિ દ્વારા ફગાવી દેવામાં આવી હતી. સમિતિમાં પ્રદુષિત પાણીની સમસ્યા અંગે પણ ચર્ચા થઈ હતી. થર્ડ પાર્ટી ઈન્સ્પેક્શનની કામગીરી કરનાર પાર્ટી એટલેકે PMCને પેનલ્ટી કરવા સહિતના પગલાં લેવા માટે ટેન્ડરમાં પેનલ્ટી ક્લોઝ રાખવામાં આવ્યા નથી. ઇજનેર વિભાગના અધિકારીઓએ થર્ડ પાર્ટી ઈન્સ્પેક્શન -PMC કંપની ટીટીઆઈ કન્સલ્ટીંગ એન્જિનિયર્સ પ્રાઇવેટ લિમિટેડ (TTI Consulting Engineers) પહેલાંથી જ બચાવવા અને છાવરવા માટેના ઈરાદા સાથેના પ્રયાસો કરવામાં આવ્યા હતા.
પ્રોજેક્ટમાં કૌભાંડ
અમદાવાદની 100 વર્ષથી જૂની ખારીકટ નહેર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રૂ. 1250 કરોડથી નવી બનાવવામાં આવે છે. રૂ.240 કરોડનું કૌભાંડ કરવામાં આવ્યું હોવાના આક્ષેપ કોંગ્રેસ પક્ષ ઘ્વારા કરવામાં આવ્યા હતા.
નહેરની વચ્ચે પાણીના નિકાલ માટે પ્રિ-બોક્સ નાખવામાં આવ્યા નથી. સિંચાઈના પાણી અને વરસાદી પાણીના નિકાલ માટે અલગ અલગ બોક્સ નાખવાના હતા. પરંતુ નરોડા સ્મશાન ગૃહથી લઈ નવયુગ શાળા સુધીના 2.5 કિલોમીટરના ફેઝમાં કોન્ટ્રાકટર RKC ઇન્ફ્રાબેલ્ટ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા પ્રિ-કાસ્ટ બોક્સ નાખવામાં આવ્યા નથી.ટેન્ડર મુજબ બોક્સ નાખવાની જગ્યાએ માત્ર દીવાલ ઊભી કરી છે.
વિપક્ષ વિપક્ષના નેતા શહેઝાદ ખાન પઠાણે જણાવ્યું હતું કે, પ્રિ-કાસ્ટ બોક્સ ન નાખવાનું કૌભાંડ કરવામાં આવ્યું છે. પાંચ તબક્કામાં બે પ્રિ-કાસ્ટ બોક્સ નાખવાના હતા. કાસ્ટીંગ સીટુ બોક્સ હતા.
પ્રથમ તબક્કામાં નરોડા સ્મશાન ગૃહથી નવયુગ સ્કૂલ સુધી RKC ઇન્ફ્રાબેલ્ટ નામની કંપનીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. પ્રિ-કાસ્ટ બોક્સ નાખ્યું નથી. ટેન્ડર મુજબ બોક્સ નાખવામાં આવ્યું નથી, માત્ર કાસ્ટિંગ સીટુની દિવાલ જ ઊભી કરી ઢાંકી દેવામાં આવી છે.
બીજો તબક્કો નવયુગ સ્કૂલથી નિધિ પાર્ક સોસાયટીનો અઢી કિલોમીટરનો છે. તેમાં રેલ વિકાસ નિગમ લિમિટેડ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. તેમાં પ્રિ-કાસ્ટ બોક્સ અને કાસ્ટીંગ સીટુ બોક્સ નાખવામાં આવ્યા છે, પરંતુ જ્યારે આ કોન્ટ્રાક્ટરને ખબર પડી કે RKC ઇન્ફ્રા બેલ્ટ કંપની દ્વારા બોક્સ નાખવામાં આવ્યા નથી તો તેમણે પણ નાખવાના બંધ કરી દીધા હતા.
પાંચમાં ફેઝની કામગીરી કરનાર કોન્ટ્રાક્ટર કલથીયા એન્જિનિયરિંગ એન્ડ કન્સ્ટ્રકશન દ્વારા પ્રિ-કાસ્ટ બોક્સ નાખવા કોઈ કામગીરી કરી નથી માત્ર આસપાસની દીવાલ બનાવી દીધી છે.
ભવિષ્યમાં નહેરમાં ગાબડું પડ તો જવાબદાર કોણ? ડિઝાઈનમાં ફેરફાર કરી દીધો છે.
ટેન્ડરમાં બંને ડિઝાઇન અંગે ક્યાંય પણ તેનો ઉલ્લેખ નથી. સ્પષ્ટપણે પ્રિ-કાસ્ટ બોક્સ અને કાસ્ટિંગ સીટુ બોક્સ નાખવા અંગે જણાવાયું છે.
12 કિલોમીટરના આ પ્રોજેક્ટમાં એક જ ડિઝાઇન હોય અલગ અલગ ડિઝાઇન હોય નહીં.
મલ્ટીમીડિયા કન્સલ્ટન્ટ કંપનીની પણ નિમણૂક ખારીકટ નહેર ડેવલોપમેન્ટ પ્રોજેક્ટ માટે પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ કંપની તરીકે એસસીપી કંપનીની નિમણૂક કરવામાં આવી છે. જે કુલ પ્રોજેક્ટના 1.25 ટકા લેખે છે, જેની જવાબદારી સંપૂર્ણ પ્રોજેક્ટ પર મોનિટરિંગ કરવાની હોય છે. તેઓએ કેમ ધ્યાન ના આપ્યું.
ખડી સમિતિના અધ્યક્ષ દેવાંગ દાણીએ વિપક્ષનાં આક્ષેપો પાયા વિહોણા ગણાવ્યા હતાં. વળાંક અથવા ટેકનીકલ જોઈન્ટમાં જરૂર પડે ત્યાં કાસ્ટીંગ સીટુનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
પ્રોજેક્ટમાં કોઈ કૌભાંડ થયું નથી એમ વોટર રિસોર્સ મેનેજમેન્ટનો હવાલો સંભાળતા વિજય પટેલે જણાવ્યું હતું. ટેન્ડર કરવામાં આવ્યા તેમાં બંને રીતે કામગીરી કરવાની હતી. ટેન્ડરની શરતોનો કોઈ ઉલ્લંઘન કે ભ્રષ્ટાચાર થયો નથી. કાસ્ટીંગ સીટુ આખા પ્રોજેક્ટમાં લગાવવામાં આવે તો 100 કરોડ બચત થાય છે.
તબક્કો બીજો
બીજા તબક્કાની મંજૂરી
અમદાવાદ મહાનગરપાલિકા હદ વિસ્તારમાંથી પસાર થતી સિંચાઇ વિભાગ દ્વારા નિર્મિત ખારીકટ નહેરની કુલ લંબાઈમાંથી ફેઝ-૧માં સમાવિષ્ટ કામો બાદ બાકી રહેતી લંબાઇમાં એસ.પી. રીંગ રોડથી મુઠીયા ગામ થઈને નરોડા સ્મશાન ગૃહ સુધી તથા વિંઝોલ વહેળાથી ઘોડાસર આવકાર હોલ થઈ વટવા થઈને એસ.પી. રીંગ રોડ સુધીની હયાત ખારીકટ નહેર હાલ ખુલ્લામાં છે.
ખારીકટ નહેર ફરી વિકાસ ફેઝ-2ની કામગીરી માટે અંદાજે 1003 કરોડ રૂપિયાના કામો મંજૂરી આપી છે. એસ.પી. રીંગ રોડથી નરોડા સ્મશાન ગૃહ, વિંઝોલ વહેળાથી ઘોડાસર (આવકાર હોલ), ઘોડાસર (આવકાર હોલ)થી વટવા ગામ અને વટવા ગામથી એસ.પી.રીંગ રોડ સુધીની હયાત નહેરને રિ ડેવલપ કરવાની કામગીરી અમદાવાદ મહાનગરપાલિકા હાથ ધરશે.
આર.સી.સી. સ્ટોર્મ વોટર બોક્સ સ્ટ્રક્ચર, રોડ, ફૂટપાથ ડેવલપમેન્ટ, રિટેઈલિંગ વોલ, વોટર સપ્લાય પાઇપલાઇન, ઇરીગેશન સ્ટ્રક્ચર, સ્ટોર્મ વોટર એક્સટેન્શન, સિવર સિસ્ટમ વગેરે કામોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
કચરાનું મિશ્રણ થતાં નહેરનું પાણી પ્રદૂષિત થવાને લીધે જાહેર આરોગ્યને પણ હાની પહોંચવાની સમસ્યા રહે છે.
નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ અને ગંદકી
અમદાવાદ શહેર માટે પીરાણા ડમ્પ સાઈટ અને ખારીકટ નહેર કલંક સમાન બની રહ્યા છે, નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલની લાલ આંખ બાદ પીરાણા ડમ્પ સાઇટ પર બાયોમાઈનીંગ શરૂ કરવામાં આવ્યું છે.
નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ દ્વારા ખારીકટ નહેર મુદ્દે પણ કડક વલણ અપનાવવામાં આવ્યું હતું. તેથી ખારીકટ નહેરને દૂષિત થતી રોકવા માટે યુદ્ધના ધોરણે કામ શરૂ કરવામાં આવ્યું હતું. એકાદ વર્ષમાં જ નહેરમાં જતા ડ્રેનેજના પાણી બંધ કરવાનું નક્કી કર્યું હતું. ખારીકટ નહેરની સફાઈ માટે રાજય સરકાર અને મ્યુનિ. કોર્પોરેશન દ્વારા વારંવાર જાહેરાતો કરવામાં આવતી રહી છે.
નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલના આદેશ બાદ કરવામાં આવેલા સરવેમાં ગજાનંદ પાર્ક નિકોલ, અવધેશ પાર્ક, પ્રબુધ્ધ આશ્રમ નિકોલ, અમરદીપ પાર્ક નિકોલ સર્જન શોપીંગ સેન્ટર, સરદાર ચોક બ્રીજ, નારાયણ પાર્ક નિકોલ, નિકોલ વોર્ડ પમ્પીંગ સ્ટેશન, કાવ્યા રેસીડેન્સી ઠક્કરનગર, આર્શીવાદ પાર્ક પમ્પીંગ સ્ટેશન, અંબિકાનગર ઓઢવ તથા કેશવ પાર્ક ઓઢવ ખાતે કામ શરૂ કરવામાં આવ્યા છે. ગજાનંદ પાર્ક નિકોલ અને અવધેશ પાર્ક પાસે 300 એમ.એમ.ની ગ્રેવીટી પાઇપ લાઇન નાંખવામાં આવી હતી. જેના માટે રૂ. 10 લાખનો ખર્ચ થયો હતો.
ખારીકટ માટે અન્ય ખર્ચ
ગ્રીન ટ્રીબ્યુનલના આદેશ બાદ અમરદીપ પાર્ક નિકોલ અને સર્જન શોપીંગ સેન્ટર પાસે સવા કિલોમીટરની ગ્રેવીટી પાઈપલાઈન નાંખવાની હતી.
ઉત્તર ઝોનમાં સત્યમ પમ્પીંગ સ્ટેશનને અપગ્રેડ કરવામાં આવ્યું હતું.
સાડા ત્રણ કિલોમીટર લાંબી રાઈઝીંગ લાઈન નાખી તેને નાના ચિલોડા-વિંઝોલ લાઈન સાથે જોડાણ કરવાનું હતું. રાઈઝીંગ લાઈન અને ગ્રેવીટી લાઈન માટે રૂ.4.60 કરોડનો ખર્ચ થયો હતો.
બાપા સીતારામ ચોકથી સત્યમ પમ્પીંગ સ્ટેશન સુધી અંદાજે બે કિલોમીટર લાંબી ગ્રેવીટી લાઈન નાખવામાં આવી હતી.
સત્યમનગર પમ્પીંગ સ્ટેશનને અપગ્રેડ કરવા માટે રૂ. 1.45 કરોડનો ખર્ચ કરાયો હતો.
પૂર્વ ઝોનના નિકોલ (કાવ્યા), અંબિકાનગર ઓઢવ, છોટાલાલની ચાલી, રબારી કોલોની તથા જીવનવાડી પમ્પીંગ સ્ટેશનને અપગ્રેડ કરવાની કામગીરી કરી હતી.તમામ પમ્પીંગ સ્ટેશનની લાઈનો એસ.પી. રીંગરોડ તરફ લઈ જવામાં આવી હતી.
ઓઢવ 310 ડ્રેનેજ પમ્પીંગ સ્ટેશનમાં જોડાણ કરવામાં આવ્યા હતા. નિકોલ વોર્ડ પમ્પીંગ સ્ટેશન અને કાવ્યા રેસી. પાસે 3 કિલોમીટર લાંબી ગ્રેવીટી લાઈન રૂ. 2.75 કરોડના ખર્ચે નાંખવામાં આવી હતી.
અંબિકાનગર ઓઢવ પાસે રબારી વસાહત ડ્રેનેજ પમ્પીંગ સ્ટેશનને જોડતી 3 કિલોમીટર લાંબી રાઈઝીંગ લાઈન નાંખી હતી.
છોટાલાલની ચાલી પાસે રૂ.1.70 કરોડના ખર્ચથી 500 એમ.એમ.ની રાઈઝીંગ લાઈન નાંખવાની હતી.
ખારીકટ નહેરમાં જતા દુષિત પાણીને રોકવા માટે 8 ડ્રેનેજ પમ્પીંગ સ્ટેશન લાઈનોને જોડતી 18 કિલોમીટરની નવી લાઈનો રૂ. 26 કરોડના ખર્ચે નાંખવામાં આવી હતી.
ખારીકટ નહેર પર પ્રાયોગિક ધોરણે 800 મીટરનો રોડ જશોદાનગર પાસે તૈયાર કર્યો હતો.
ખારીકટ નહેર પર આર.સી.સી. સ્લેબ કરી 22 કિલોમીટર લંબાઈનો ફોર લેન રોડ તૈયાર કરવાનો હતો. પણ 12 કિલોમીટર તેને કરી દેવાયો હતો.
ચોમાસે બંધ
અમદાવાદ શહેરના સૌથી મોટા પ્રોજેક્ટ એવા પૂર્વ વિસ્તારના ખારીકટ નહેર પ્રોજેક્ટ ચોમાસાને લઈ ચાર મહિના સુધી બંધ રાખવામાં આવતો હતો. પૂર્વ વિસ્તારનું વરસાદી પાણી ખારીકટ નહેરમાં આવે છે. ખારીકટ નહેરમાં 64 વરસાદી સ્તંભ મૂકી 112 પંપ મૂકવામાં આવ્યા છે. જેથી, ઝડપી પાણીનો નિકાલ થઈ શકશે.
વાયદા
નહેર સૌથી મોટી કચરા પેટી બની ગઈ છે. રહીશો માટે પણ તે શિરદર્દ સમાન બની છે. ખારીકટ નહેરમાં ઠલવાતા કચરાને કારણે મચ્છર થાય છે. બારે મહિના માંદગીના ખાટલાં જાેવા મળે છે.રાજય સરકાર અને અમપા દ્વારા 4 દાયકામાં અનેક વખત ખારીકટ નહેર વિકસાવવા માટે જાહેરાતો કરી હતી. કરોડો રૂપિયાની ફાળવણી પણ કરી હતી. તમામ કામ કે વચન-વાયદા હતા. વિશ્વ બેંકની લોક મળતાં અમપાએ ડ્રાફટ બજેટમાં રૂ. 900 કરોડના ખર્ચથી નહેર ડેવલપ કરવા જાહેરાત 2022માં કરી હતી. સરકારે એગાઉ રૂ. 900 કરોડનું ખર્ચ કર્યું છે.
નહેર પર અંદાજે રૂા. 300 કરોડના ખર્ચથી “ફોર લેન” રોડ પર તૈયાર કરાવાવી જાહેરાત કરાઈ હતી.
વિધાનસભા
અમદાવાદ શહેરના 4 ઝોનમાંથી પસાર થા છે. 5 વિધાનસભા વિસ્તાર આવે છે. નરોડા, નિકોલ, ઠક્કરનગર, અમરાઈવાડી તથા વટવા વિધાનસભા
જૂની નહેર
નહેરની બંને તરફ રહેણાંક અને કોમર્શીયલ બાંધકામો થઈ ગયા છે. જે નીચાણવાળા વિસ્તારમાં આવે છે. તેથી ચોમાસામાં પાણી ભરાય છે.
નહેરની પહોળાઈ 4.8 મીટર રાખી 20 ક્યુમેકસ પાણી કેપેસીટી છે. નહેરની બંને તરફ ત્રણથી ચાર મીટર પહોળાઈનો રોડ છે. નવી ડિઝાઇન મુજબ રોડની પહોળાઈ 9થી 10 મીટર છે. નહેરની બંને તરફના હયાત રોડની ઉંચાઈને એક મીટર ઘટાડવામાં આવ્યા છે. જેના કારણે રોડ અને આસપાસની સોસાયટીઓના લેવલ લગભગ સરખા થઈ ગયા છે. વરસાદી પાણી ભરાવવાની સમસ્યાના નિરાકરણ માટે નહેરની બંને તરફ સ્ટ્રોમ વોટર લાઈન બનાવવામાં આવી છે. જે અમદાવાદની સૌથી લાંબી સ્ટ્રોમ લાઈન ખારીકટ સમાંતર બની છે. સ્ટ્રોમ વોટર ડિસ્ચાર્જ ડીઝાઈન 50.72 ક્યુમેક છે.
ખારીકટ નહેરની હયાત પહોળાઈ (ઉપર તરફ) 10થી 35 મીટર છે. તળિયાની પહોળાઈ 7થી 12 મીટર છે. નહેરનો ઉપયોગ ખરીફ અને રવિ સીઝન માટે થાય છે.નહેર અને સ્ટ્રોમ વોટર ડ્રેઈનનું બાંધકામ પૂર્ણ થયા બાદ રોડ તેમજ અન્ય યુટીલીટીના કામ કરવામાં આવ્યા હતા.
સિંચાઈ
2023માં ખારીકટ-ફતેવાડી યોજનાના 111 ગામના 6 હજાર ખેડૂતોને 35 હજાર હેક્ટર પિયત વિસ્તારને સરદાર સરોવર નર્મદા યોજનાના પિયત વિસ્તારમાં સમાવી લેવાનું નક્કી કરાયું હતું.
નહેર 110 વર્ષ જૂની છે. જેનું નિર્માણ સિંચાઈના હેતુ માટે કરવામાં આવ્યું હતું. મૂળભૂત રીતે ખારીકટ નહેર કુદરતી ડ્રેઈન હતી. આ નહેરનો કમાન્ડ વિસ્તાર 10 હજાર 200 હેકટર હતો. હાલમાં આ નહેરનો સિંચાઈ વિસ્તાર 5 હજાર હેકટર ખરીફ પાક માટે છે. 2500 હેકટર રવીપાક માટે રહે છે. પણ એટલી સિંચાઈ થતી નથી. સિંચાઈના પ્રમાણમાં ઘટાડો થવાથી નહેર “કચરા પેટી”માં પરિવર્તિત થાય છે. સિંચાઈ અને આજુબાજુ વિસ્તારના પાણીના વહન માટે 71.58 ક્યુનેક્સ ક્ષમતાની બનાવવામાં આવી હતી.
બિલ્ડરોની મિલિભગત
હાથીજણ ખારી નદીમાં વસ્ત્રાલ નાની નહેર રામોલ ટોલ ટેક્ષથી ગેરકાયદે ગંદુ પાણી છોડવામાં આવતા હાથીજણથી મેમદપુરા સુધી રહેતા લોકો ભારે પરેશાન થાય છે. કોર્પોરેશનના ડ્રેનેજ પ્રોજેક્ટ વિભાગે એસ્ટેટ, ફલેટ અને અન્ય સ્કીમોનું ગંદુ પાણી ગેરકાયદે રીતે પંપીંગ કરી ખારીકટમાં ઠાલવવામાં આવતું રહ્યું હતું. શ્રેય એકઝોટીકા ફલેટ, વસ્ત્રાલથી નાની નહેર રોડ, રામોલ રિંગ રોડ ટોલટેક્ષ સામે ખારીકટમાં ઠલવાતું હતું.
સોસાયટીઓ બનાવી
ઉત્તરઝોનમાં નિકોલ અને ઠક્કરનગર વચ્ચેના પટ્ટામાં અનેક સોસાયટીઓ નીચાણમાં છે. ઠક્કરનગરની નીચાણવાળી સોસાયટીઓમાં વરસાદી પાણીના નિકાલ માટે આઉટલેટ મુકવામાં આવ્યા છે.જેમાં ગજાનંદ પાર્ક, નારાયણ પાર્ક, અમરદીપ અને પુષ્પક સોસાયટીમાં વરસાદી પાણી વધુ ભરાય છે.સોસાયટીમાં ભરાતા વરસાદી પાણીનો નિકાલ ખારીકીટમાં કરવામાં આવે છે.જયારે નરોડામાં વ્યાસવાડી અને જોગણી માતાના મંદિર વિસ્તારમાં સમ્પ બનાવવામાં આવ્યો છે. વરસાદી પાણીનો શમ્પમાંથી પમ્પીંગ કરીને નહેરમાં લઈ જવામાં આવે છે. ઉત્તરઝોનમાં જ પાર્શ્વનાથ ટાઉનશીપ અને નવયુગ પમ્પીંગ સ્ટેશનની આજુબાજુમાં પણ વરસાદી પાણી ભરાય છે.
પૂર્વ ઝોનમાં ઓઢવ ફાયર બ્રિગેડ અને બાપા સીતારામ ચોકથી ગોપાલચોક સુધીના વિસ્તારમાં નહેર સમાંતર વરસાદી પાણી ભરાય છે. દક્ષિણ ઝોનમાં ઈન્દ્રપુરી સોસાયટીમાં નહેર પાસે 12 સોસાયટીઓમાં પણ વરસાદી પાણી ભરાય છે. જેના માટે અલગ સમ્પ બનાવવામાં આવ્યા છે.ગોરના કુવા પાસે સુવિધા સોસાયટી અને તેની આસપાસના વિસ્તારમાં પણ વરસાદી પાણી ભરાય છે
ખારીકટની જેમ ફરેહવાડી નહેરનું પણ સમારકામ કરો
શહેરના મકતમપુરા- સરખેજ વિસ્તારમાંથી પસાર થતી નહેરમાં ડૂબી જવાથી અનેક નાના બાળકોના મૃત્યુ થયા છે. મકતમપુરા વોર્ડના ફતેહવાડી વિસ્તારમાંથી પસાર થતી નર્મદા નિગમની માલિકી છે. બેરીકેટિંગ કરીને બંને તરફ આવેલા સર્વિસ રોડ બનાવવા માંગણી છે. જર્જરિત થઈ ગયેલા કલવર્ટ પહોળા કરવા વારંવાર રજૂઆત કરવામાં આવેલી છે. વિશાલા સર્કલથી સરખેજ તરફ જતાં નેશનલ હાઇવે ઉપરનો ટ્રાફિકનો ભારણ ડાયવર્ટ કરી શકાય તેમ છે.
આ પણ વાંચો:
Vadodara: ગંભીરા બ્રિજની ઘટનાના પીડિતો અને અસરગ્રસ્તોની ગંભીર સ્થિતિને લઈને સરકાર ગંભીર કેમ નહીં?
Amreli: ચલાલા નગરપાલિકામાં રાજકીય ભૂકંપ, 5 મહિના પહેલા પાલિકા પ્રમુખ બનેલા નયનાબેન વાળાનું રાજીનામું
Madhya Pradesh: સાજિયા બની શારદા, પ્રેમી મયુર સાથે મહાદેવની સાક્ષીમાં કર્યા લગ્ન
MP News: માનવતા મરી પરવારી ! કોઈ મદદ ન મળતા પત્નીના મૃતદેહને બાઇક પર લઈ જવા મજબૂર બન્યો પતિ