
Ahmedabad: અમદાવાદના જાણીતા મીડિયા હાઉસ દિવ્યભાસ્કરના ડિજિટલ વિભાગમાં કાર્યરત પત્રકાર દીર્ઘાયુ વ્યાસ સામે વધુ એક ગંભીર ફરિયાદ નોંધાઈ છે. આ વખતે, તેણે પોતાને પોલીસ સબ-ઇન્સ્પેક્ટર (PSI) તરીકે રજૂ કરીને એક વેપારીને જાનથી મારી નાખવાની, બળાત્કાર અને જાતિવાદી કલમ હેઠળ ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપી હોવાનો આરોપ છે. આ ઘટના મુજબ, વ્યાસની આ કારનામાંઓથી સંસ્થાની પ્રતિષ્ઠા ખરડાઈ છે અને અન્ય પીડિતો પણ પોલીસ સંપર્કમાં આવી રહ્યા છે.
પત્રકાર દીર્ઘાયુ વ્યાસ વિરુદ્ધ વધુ એક ગુનો નોંધાયો
પાર્કિંગ વિવાદથી હિંસા સુધી ફરિયાદી સાહિલ પટેલ, જેઓ નિકોલ વિસ્તારમાં રહે છે અને બાપુનગરમાં ફેક્ટરી ચલાવે છે, તેમણે જણાવ્યું કે 28 માર્ચ, 2024ના રોજ તેમના પડોશી રોહિત વ્યાસ સાથે ગાડી પાર્કિંગ અંગે સામાન્ય બોલચાલ થઈ. રોહિતની ધમકી પછી થોડી જ વારમાં દીર્ઘાયુ વ્યાસ ત્રણ અન્ય વ્યક્તિઓ સાથે બે વાહનોમાં પહોંચ્યા. પીળા ટી-શર્ટ પહેરેલા વ્યાસે કમર પર રિવોલ્વર લટકાવીને પોતાની ઓળખ અમદાવાદ પોલીસ વિભાગના PSI તરીકે કરી.સાહિલને બાજુએ લઈ જઈને વ્યાસે તેમના માથા પર રિવોલ્વર મૂકીને કહ્યું, “તને ઉઠાવી લઈશ, તને ખબર પણ નહીં પડે.” ત્યારબાદ, વ્યાસ, રોહિત અને અન્યઓએ સાહિલને ગાળો આપીને મારપીટ કરી. આ પૂરી ઘટના સોસાયટીના CCTVમાં રેકોર્ડ થઈ છે, જેની પેન ડ્રાઇવ પોલીસને સોંપાઈ છે.
દુષ્કર્મ અને એટ્રોસિટી કેસમાં ફસાવી દેવાની આપી ધમકી
આ હુમલાથી ભયભીત થઈને સાહિલ બે દિવસ ઘરની બહાર ન આવ્યા. પછી તેમણે રોહિત વ્યાસ વિરુદ્ધ નિકોલ પોલીસ સ્ટેશનમાં અરજી કરી. જ્યારે તેઓ નિવેદન લખાવવા પોલીસ ચોકી પર પહોંચ્યા, ત્યાં વ્યાસ હાજર હતા. તેણે ફરી ધમકાવ્યા કે, અરજી પાછી ન ખેંચી તો દુષ્કર્મ અને એટ્રોસિટી કેસમાં ફસાવી દેવાશે, જેમાં મોટો ખર્ચો થશે. વ્યાસે મોટા અધિકારીઓ સાથેના સંપર્કોના ફોટા પણ બતાવ્યા. આખરે ડરીને સાહિલે અરજી પાછી ખેંચી લીધી.
અન્ય વ્યક્તિઓ પણ દીર્ઘાયુ વ્યાસ સામે આવ્યા
પાછળથી જૂના કેસોના અહેવાલ વાંચીને સાહિલને ખબર પડી કે વ્યાસ PSI નથી, પત્રકાર છે. આથી તેમણે હિંમત કરીને વ્યાસ સામે નવી ફરિયાદ નોંધાવી. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે અને જેઓ પાસે પુરાવા હોય તેઓને સંપર્ક કરવાનું કહ્યું છે.સૂત્રો અનુસાર, અન્ય વ્યક્તિઓ પણ વ્યાસ સામે આવી રહ્યા છે, જેમાં તેના સંબંધો અને વ્યવસ્થા સાથેના જોડાણોની વાતો પણ સામે આવી રહી છે. ત્યારે આગામી દિવસોમાં વધુ ખુલાસા થવાની શક્યતા છે.આ ઘટનાઓથી દિવ્યભાસ્કર જેવી ક્લીન ઇમેજવાળી સંસ્થાની પ્રતિષ્ઠાને નુકસાન થયું છે.
આ પણ વાંચો:
Delhi: ‘ડિલિવરી બોયે મને ખોટી રીતે સ્પર્શ કર્યો’, શરમજનક કૃત્ય CCTVમાં કેદ, કંપનીએ શું કહ્યું?
UP: રાત્રે 11 વાગ્યે કર્યો ભાઈને ફોન, પતિની કરી ફરિયાદ, પછી જે પ્રિયંકા સાથે થયું…








