
Ahmedabad: અમદાવાદના હાટકેશ્વર બ્રિજ નજીક આવેલા લગભગ 150 મકાનોને તોડવાની અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા જારી કરાયેલી નોટિસ સામે આમ આદમી પાર્ટી (AAP)એ તીવ્ર વિરોધ નોંધાવ્યો છે. AAPના નેતાઓએ સ્થાનિક રહેવાસીઓની મુલાકાત લઈ, તેમની સમસ્યાઓ સાંભળી અને કોર્પોરેશનના આ પગલાંને ગેરજવાબદાર ગણાવ્યા. પાર્ટીએ આક્ષેપ કર્યો કે AMCએ રહેવાસીઓને નવા ઘર આપવાનો વાયદો કર્યો હતો, પરંતુ હવે માત્ર સાત દિવસમાં મકાનો ખાલી કરવાની નોટિસ આપી દેવામાં આવી છે, જેના કારણે લોકોમાં અસંતોષ ફેલાયો છે.
હાટકેશ્વર બ્રિજ પાસે 150 મકાનો તોડવાની નોટિસ સામે આપનો વિરોધ
AAPના નેતાઓએ પ્રશ્ન ઉઠાવ્યો કે જો કોર્પોરેશને વાયદો કર્યો હતો કે ઘર તોડતા પહેલા નવા ઘર આપવામાં આવશે, તો આ વાયદાનું શું થયું? તેમણે સવાલ કર્યો કે આટલી ટૂંકી નોટિસમાં લોકો ક્યાં જશે? આ ઉપરાંત, AAPએ ભાજપના નેતાઓ પર આક્ષેપ કર્યો કે તેઓ ઠેર ઠેર ગેરકાયદેસર બાંધકામો કરીને બેઠા છે, પરંતુ કોર્પોરેશન તેમની સામે કોઈ પગલાં લેતું નથી.
AAP એ આપી આંદોલની ચીમકી
આ બાબતને લઈને પાર્ટીએ ચેતવણી આપી કે જો AMCએ લોકોના ઘર તોડવાની કામગીરી શરૂ કરી, તો AAP આંદોલન કરશે.આ ઘટનાએ સ્થાનિક રહેવાસીઓમાં ભય અને અનિશ્ચિતતાનું વાતાવરણ ઊભું કર્યું છે. AAPએ માંગ કરી છે કે જ્યાં સુધી રહેવાસીઓને નવા ઘર નહીં આપવામાં આવે, ત્યાં સુધી કોઈ ઘર તોડવું ન જોઈએ. આ મુદ્દો હવે રાજકીય રીતે પણ ગરમાયો છે, જેમાં AAP અને ભાજપ વચ્ચે આરોપ-પ્રત્યારોપનો દોર શરૂ થયો છે.








