
Ahmedabad plane crash Update: 12 જૂને અમદાવાદમાં વિમાન દુર્ઘટના કેવી રીતે બની? તેનું રહસ્ય ટૂંક સમયમાં ખૂલશે. કારણ કે બ્લેક બોક્સની મેમરી સફળતાપૂર્વક એક્સેસ કરવામાં આવી છે અને એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) ની લેબમાં તેનું વિશ્લેષણ કરવામાં આવી રહ્યું છે. CVR, FDR માંથી મેળવેલા ડેટાની તપાસ કરવામાં આવી રહી છે. નાગરિક ઉડ્ડયન મંત્રાલયે ગુરુવારે આ માહિતી આપી.
બ્લેક બોક્સ મેમરીનું વિશ્લેષણ
ઉડ્ડયન મંત્રાલયે કહ્યું કે એર ઇન્ડિયા ફ્લાઇટ AI-171 ના બ્લેક બોક્સ મળી આવ્યા છે અને તેના વિશ્લેષણ કરાઈ રહ્યા છે. દુર્ઘટના AAIB એ આંતરરાષ્ટ્રીય પ્રોટોકોલ અનુસાર તેના ડિરેક્ટર જનરલના નેતૃત્વમાં એક બહુ-શાખાકીય તપાસ ટીમની રચના કરી હતી. આ ટીમમાં એક એવિએશન મેડિકલ નિષ્ણાત, એક એર ટ્રાફિક કંટ્રોલ અધિકારી અને યુએસ સ્થિત નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડ (NTSB) ના પ્રતિનિધિનો સમાવેશ થાય છે, જે વિમાનના ઉત્પાદન રાજ્યની નિયુક્ત એજન્સી છે.
તપાસ માટે CVR અને FDR દિલ્હી મોકલાયા હતા
નાગરિક ઉડ્ડયન મંત્રાલયે માહિતી આપી છે કે કોકપીટ વોઇસ રેકોર્ડર (CVR) અને ફ્લાઇટ ડેટા રેકોર્ડર (FDR) બંને મળી આવ્યા છે. એક 13 જૂને અકસ્માત સ્થળ પરની ઇમારતની છત પરથી અને બીજો 16 જૂને કાટમાળમાંથી મળી આવ્યા હતા. ત્યારબાદ 24 જૂને IAF વિમાન દ્વારા સંપૂર્ણ સુરક્ષા સાથે બ્લેક બોક્સ અમદાવાદથી દિલ્હી લાવવામાં આવ્યા હતા. 24 જૂને બપોરે 2 વાગ્યે AAIB લેબ, દિલ્હી ખાતે આગળનો બ્લેક બોક્સ પહોંચ્યા હતા. 24 જૂને AAIB ની બીજી ટીમ દ્વારા પાછળનો બ્લેક બોક્સ લાવવામાં આવ્યું હતુ. 24 જૂને સાંજે AAIB ના ડિરેક્ટર જનરલની આગેવાની હેઠળની ટીમે AAIB અને NTSB ના ટેકનિકલ સભ્યો સાથે ડેટા કાઢવાની પ્રક્રિયા શરૂ કરી હતી. તેનો ડેટા AAIB લેબમાં ડાઉનલોડ કરવામાં આવ્યો હતો.
વિમાનમાં સવાર 42 મુસાફરોમાંથી માત્ર એકનો જીવ બચ્યો
તમને જણાવી દઈએ કે 12 જૂનના રોજ, અમદાવાદથી લંડન જઈ રહેલ એર ઈન્ડિયાનું બોઈંગ 787-8 ડ્રીમલાઈનર વિમાન સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય વિમાનમથક પરથી ઉડાન ભર્યાના થોડા સમય પછી, ગુજરાતના અમદાવાદના મેઘાણી નગર વિસ્તારમાં બીજે મેડિકલ કોલેજના હોસ્ટેલ સંકુલમાં ક્રેશ થયું હતું. વિમાન દુર્ઘટનામાં માર્યા ગયેલા મુસાફરોમાં ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ સામેલ હતા. વિમાનમાં સવાર 242 મુસાફરોમાંથી, આ દુર્ઘટનામાં ફક્ત એક જ મુસાફર બચી ગયો હતો.