
Ahmedabad: એશિયાની સૌથી મોટી હોસ્પિટલ તરીકેનો ગર્વ લેતી અમદાવાદની સિવિલ હોસ્પિટલ ફરી એકવાર અંધશ્રદ્ધાના રંગમાં રંગાઈ છે. 21મી સદીના આધુનિક યુગમાં પણ હોસ્પિટલમાં અંધશ્રદ્ધાનો કિસ્સો આવતા ચર્ચાનો વિષય બન્યો છે.
સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ ભુવાના શરણે
ગુજરાતમાં લોકોને અંધશ્રદ્ધામાંથી બહાર લાવવા માટે અંધશ્રદ્ધા વિરોધી કાયદો અમલમાં છે, ત્યાં સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટ ડૉ. રાકેશ જોશીએ વર્ષો જૂના મંદિરને હટાવવા માટે ભુવાની સલાહ લીધી હોવાનું બહાર આવ્યું છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં અનેક સવાલો ઉઠ્યા છે. જે હોસ્પિટલમાં MRI અને CT સ્કેન જેવી અદ્યતન ટેક્નોલોજી દર્દીઓનું જીવન બચાવે છે, ત્યાં મંદિર હટાવવા જેવા નિર્ણય માટે ભુવાની રજા માંગવામાં આવે છે. કહેવાય છે કે આ મંદિર અંગ્રેજોના સમયથી હોસ્પિટલના પરિસરમાં છે, અને અગાઉના અધિકારીઓ તેને હટાવવામાં નિષ્ફળ રહ્યા હતા. પરંતુ આ કામને કરવા માટે ડૉ. જોશીનો ભુવા પાસે ગયા. ડૉ. જોશીએ મંદિર હટાવવા માટે ભુવા પાસે જઈ, માતાજીની ‘રજા’ લેવાની ઘટના એ બતાવે છે કે આધુનિક શિક્ષણ અને વહીવટી જવાબદારી પણ અંધશ્રદ્ધાની બેડીઓથી મુક્ત નથી. ઉલ્લેખનીય છે કે, આ પહેલાં પણ, હોસ્પિટલના ICUમાં ભુવા દ્વારા વિધિ કરવાનો વીડિયો વાયરલ થયો હતો, જે દર્શાવે છે કે અહીં વિજ્ઞાનની ગંગા નહીં, અંધશ્રદ્ધાનો ઝરણાઓ વહે છે.
અંધશ્રદ્ધા વિરોધી કાયદો ક્યાં ગયો?
ગુજરાતમાં અંધશ્રદ્ધા વિરોધી કાયદાઓ અંધશ્રદ્ધાની પ્રવૃત્તિઓને રોકવા માટે ઘડાયા છે, પરંતુ સરકારી હોસ્પિટલ જેવી સંસ્થામાં જ્યારે આવી ઘટનાઓ બને છે, ત્યારે આ કાયદાઓની અસરકારકતા પર સવાલ ઉઠે છે.
સોશિયલ મીડિયા પર હોબાળો
આ ઘટનાએ સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા જગાવી છે. કેટલાક લોકો આને અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપતું પગલું ગણાવે છે, તો કેટલાક રાજકીય દબાણની આડમાં ચાલતી નાટકબાજી ગણે છે. આશ્ચર્યની વાત એ છે કે સિવિલ હોસ્પિટલ, જે વિજ્ઞાન અને આરોગ્યનું પ્રતીક હોવી જોઈએ, તેના અધિકારીઓ આવી પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા જોવા મળે છે. આ ઘટના વિજ્ઞાનની ગરિમા અને અંધશ્રદ્ધા વિરોધી કાયદાની ઉપેક્ષા પર કટાક્ષરૂપે પ્રશ્નો ઉભા કરે છે. શું આધુનિક યુગમાં પણ આપણે ભુવાના ‘પ્રિસ્ક્રિપ્શન’ પર આધાર રાખીશું? આ પ્રશ્ન હવે સિવિલ હોસ્પિટલના પરિસરથી લઈને સમાજના દરેક ખૂણે ગુંજી રહ્યો છે.
સિવિલ સુપ્રિટેન્ડેન્ટ ડૉ રાકેશ જોષીની પ્રતિક્રિયા
આ સમગ્ર બાબતે સિવિલ સુપ્રિટેન્ડેન્ટ ડૉ રાકેશ જોષીની પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે જણાવ્યું કે, મેડિસિટી ડેવલપમેન્ટના ભાગ રૂપે નવો પીએમ રૂમ તૈયાર થયો છે. પીએમ રૂમનો ઉપયોગ પ્લેન ક્રેશ સમયે થયો હતો, સાથે રેન બસેરા પણ તૈયાર છે. નવા ડેવલપમેન્ટ પ્રોજેક્ટમાં 0 થી D બ્લોક સુધી ડિમોલિશન કરવાનો છે.તે જગ્યાએ નવી અત્યાધુનિક સુવિધાઓ સાથે 1800 બેડની હોસ્પિટલ તૈયાર થશે. 300 બેડના ICU સાથે હશે OPD વિભાગ, 50 બેડનો આઇસોલેશન વોર્ડ પણ હશે
નવી બિલ્ડિંગ બનાવવાની જગ્યાએ જૂનું ખોડિયાર માતાનું મંદિર છે અને ઘણા લોકોની આસ્થા મંદિર સાથે જોડાયેલી છે જેથી ટ્રસ્ટી અને પૂજારી સાથે વાત કરી હતી. રવિવારે સાથે મળીને આ બાબતનું નિરાકરણ લાવવા માટે રજૂઆત કરવા મંદિર ગયા હતા અને નવા પ્રોજેક્ટ વિષે ટ્રસ્ટી અને પૂજારીને માહિતી આપવા મંદિરની મુલાકત લીધી હોવાનું ડૉ રાકેશ જોષીએ જણાવ્યું હતું.








