
તાજેતરમાં જ કઝાકિસ્તાન એરલાઇન્સનું વિમાન અને એના પછી દક્ષિણ કોરિયામાં જેજુ એરલાઇન્સનું વિમાન દુર્ઘટનાગ્રસ્ત થતાં મોટી જાનહાનિ થઇ હતી. હજુ આ મામલો ભૂલાયો પણ નથી ત્યાં અમેરિકામાં વધુ એક વિમાન દુર્ઘટના સર્જાઈ હોવાની જાણકારી સામે આવી રહી છે. આ વિમાન દૂર્ઘટનામાં બે લોકોના મોત થયા હોવાના સમાચાર મળી રહ્યાં છે, તો 18 લોકો ઈજાગ્રસ્ત થઈ ગયા છે.
પોલીસે જણાવ્યું કે ઈજાગ્રસ્તોને તાત્કાલિક ધોરણે નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા. આ ઘટનાને લઈને ફ્લાઈટ ટ્રેકિંગ વેબસાઇટે દાવો કર્યો છે કે આ વિમાન ફોર સીટર હતું અને ઉડાન ભર્યાની એક જ મિનિટ બાદ તે ઈમારત સાથે ટકરાઈને ક્રેશ થઈ ગયું હતું.
મળી રહેલી માહિતી અનુસાર દક્ષિણ કેલિફોર્નિયામાં એક વિમાન ક્રેશ થવાની જાણકારી મળી રહી છે. સ્થાનિક મીડિયાએ કહ્યું કે આ એક નાનું વિમાન હતું જે ફર્નિચરના ગોડાઉન સાથે ટકરાઈ ગયું. જેના લીધે બે લોકો મૃત્યુ પામ્યા અને 18 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. આ ઘટનાના વીડિયો પણ સામે આવ્યા છે જેમાં ઈમારતની છત પરથી ધૂમાડાના ગોટેગોટા ઉડતાં દેખાઈ રહ્યા છે.
આ વિમાન દુર્ઘટના લગભગ 2:15 વાગ્યે સર્જાઈ હતી. દુર્ઘટનાની જાણકારી મળતાં જ ફાયરબ્રિગેડ અને ઈમરજન્સી રિસ્પોન્સ ટીમના સભ્યો ત્વરિત દોડી આવ્યા હતા અને રેસ્ક્યૂની શરૂઆત કરી હતી. દુર્ઘટના બાદ ઘટનાસ્થળે આગ ફાટી નીકળી હતી જેના લીધે ગોડાઉનને પણ નુકસાન થયું. અહીં સિલાઈ મશીન, કાપડનો સ્ટૉક મૂકી રાખવામાં આવ્યો હતો.