
પોલીસ નાશાકારક ચીજવસ્તુઓને રોકવા માટે કાર્યવાહી કરતી હોય છે. તે બૂટલેગરો અને જુગારિયાને ઝડપી સમાજમાં ચાલતાં ખોટા દૂષણોને દૂર કરવાનું કામ કરે છે. જો કે આણંદ જીલ્લામાંથી ખુદ પોલીસકર્મી જ દારુનો વેપાર કરતો ઝડપાઈ જતાં પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે. આણંદ જીલ્લાના પેટલાદ ટાઉન પોલીસ મથકમાં ફરજ બજાવતો હેડ કોસ્ટેબલ સુનિલ મકવાણા 3 લાખથી વધુના ઈંગ્લીશ દારુ સાથે ઝડપાઈ જતાં સ્થાનિક પોલીસમાં ખળભળાટ મચી ગયો છે. તેની સાથે અન્ય ત્રણ આરોપી વિરુધ્ધ પણ કાર્યવાહી હાથ ધરાઈ છે.
હેડ કોસ્ટેબલના ઘરમાંથી દારુ ઝડપ્યો
આણંદ એલસીબી ટીમે બાતમી મળી હતી કે ત્રણ બૂટલેગરોએ વિદેશી દારુનો મોટા પ્રામાણમાં જથ્થો લાવીને સુણાવ રોડ પર રંગાઈપુરા પંચવટી પાર્ક વાડિયા વિસ્તારમાં રહેતાં હેડ કોન્સ્ટેબલ સુનિલ મકવાણાના ઘરે ઉતાર્યો છે. જેના આધારે મંગળવારે એલસીબીની ટીમે પોલીસ કોન્સ્ટેબલના ઘરે રેડ પાડી તપાસ હાથ ધરી હતી. ઘરમાં તપાસ કરતાં 240 બેલેન્ટાઈન સ્કોચની બોટલો મળી આવી હતી. જેની કિંમત 3.63 લાખ આંકવામાં આવી છે. હાલ પોલીસે સુનિલ મકવાણાની ધરપકડ કરી છે.
અન્ય ત્રણ આરોપીઓ ફરાર
જ્યારે અન્ય બૂટલેગર મોહસીન લિયાકત મલેક, મોઈનમીયા મલેક અને તોસીફ મલેક સામે ગુનો નોંધી ઝડપી પાડવા કાર્યવાહી ચાલી રહી છે. હેડ કોસ્ટેબલ સુનિલ ઘણા સમયથી બૂટલેગરો સાથે સાઠગાંઠ ધરાવતો હોવાનું બહાર આવ્યું છે. સાથે જ વિદેશી હેરાફેરીમાં કરવામાં સારી પકડ ધરાવતો હોવાનું સામે આવ્યું છે. આ પોલીસ કર્મીએ પોલીસની છાપને બગાડવાનું કામ કરતાં પોલીસબેડામાં ચકચાર મચી ગઈ છે.