
હાલ ગુજરાતમાં મોટા ભાગની વસ્તુઓ નકલી વેચતી અને બનાવતી ઝડપાઈ રહી છે. ત્યારે હવે પીવા માટે પાણીનો જગ લેતાં હોય તો ચેતજો. કારણે કે હવે લોકો પાણીમાં પણ ભેળસેળ કરવાનું છોડતાં નથી. સુરતમાં પીવાના પાણીમાં ભેળસેળ થતી ઝડપાઈ છે. શહેરમાં વાહનો મારફતે વેચાણ થતાં મિનરલ વોટરના નમૂન ફેલ થયા છે. આ ખરાબ પાણી કેટલા લોકો પી ગયા હશે. હાલ આ ભેળસેળિયું પાણી બનાવનાર અને વેચનાર વિરુધ્ધ કાર્યવાહી હાથ ધરી છે.
પાણીના સોદાગરો રુપિયા કમાવવાની લાહ્યમાં લોકોના સ્વાસ્થયની સુરક્ષાને ભૂલી જાય છે. અને પોતાની લાલસાને સાકાર કરવા તે પાણીમાં ગમે તે પદાર્થો ભેળવી દઈ વેચાણ કરતાં હોય છે. ત્યારે સુરતમાંથી આવી જ 9 એજન્સીઓ ખરાબ પાણી વેચતી ઝડપાઈ છે.
સુરત શહેરમાં છેલ્લા 11 મહિનામાં 14 મિનરલ વોટર પેકેજ્ડ બોટલ અને જારના નમૂનાઓ લેવામાં આવ્યા હતા. જેમાંથી 9 નમૂનાઓ ફેલ થઈ ગયા છે. કુલ 14 નમૂનાઓ લીધા હતા, જેમાંથી 9 નમૂના લેબોરેટરી તપાસમાં નિષ્ફળ ગયા છે. 7 નમૂનામાં પીએચ મૂલ્ય 6.5 કરતા ઓછું હોવાનું સામે આવ્યું છે. જ્યારે આ મૂલ્ય 6.5થી 8.5 વચ્ચે હોવું જરૂરી છે. એક નમૂનામાં ક્લોરાઇડ અને હાર્ડનેસ 500થી વધુ સ્તરે જોવા મળ્યું છે.
આ એજન્સીઓના પાણીના નમૂના ફેઈલ થયા
કષ્ટભંજન એન્ટરપ્રાઇઝિસ
એચ. એન. ટ્રેડર્સ
વરૂણ એન્ટરપ્રાઇઝિસ
ફ્રેશ સ્ટ્રીમ બેવરેજેસ
રાઠોડ બ્રધર્સ
બ્રીથ બેવરેજેસ
પી.એમ. માર્કેટિંગ
નિરાલી બેવરેજેસ એન્ડ ફૂડ
ગજાનંદ ફૂડ એન્ડ બેવરેજેસ








