
- બલુચિસ્તાન ટ્રેન હાઇજેક: ઓપરેશન ખત્મ, પાકિસ્તાની સેનાએ શું જણાવ્યું?
પાકિસ્તાની સેનાએ દાવો કર્યો છે કે બલુચિસ્તાન પ્રાંતમાં ટ્રેન હાઇજેકિંગ બાદ સુરક્ષા દળોનું ઓપરેશન સમાપ્ત થઈ ગયું છે અને આ ઓપરેશનમાં તમામ ઉગ્રવાદીઓ માર્યા ગયા છે.
બીબીસી ઉર્દૂ અનુસાર, આઈએસપીઆરના પ્રવક્તા લેફ્ટનન્ટ જનરલ અહેમદ શરીફે એક ખાનગી ટીવી ચેનલ સાથે વાત કરતી વખતે આ દાવો કર્યો હતો. પ્રવક્તાએ કહ્યું છે કે આ કામગીરી દરમિયાન કોઈ મુસાફરનું મોત થયું નથી.
જોકે, પ્રવક્તાએ કહ્યું છે કે ઓપરેશન શરૂ થાય તે પહેલાં, ઉગ્રવાદીઓએ 21 લોકોની હત્યા કરી હતી.
બીબીસી ઉર્દૂ અનુસાર, પાકિસ્તાનના માહિતી અને પ્રસારણ મંત્રી અત્તા તરારે કહ્યું છે કે ટ્રેનમાં કુલ 440 મુસાફરો હતા, જેમાંથી ઘણાને બંધક બનાવવામાં આવ્યા હતા. બચાવ કામગીરી 36 કલાક સુધી ચાલી હતી.
તેમણે દાવો કર્યો હતો કે પાકિસ્તાની સેનાએ આ કાર્યવાહી સાવધાની અને કાર્યક્ષમતા સાથે કરી હતી, જેના કારણે આ કાર્યવાહી દરમિયાન કોઈ બંધકને નુકસાન થયું નથી.






