
Bharuch: ભરૂચ જિલ્લામાં મનરેગા કૌભાંડના મામલે રાજકીય વાતાવરણ ગરમાયું છે. ભાજપના સાંસદ મનસુખ વસાવાએ આ કૌભાંડમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓ સહિત ઉચ્ચ અધિકારીઓની સંડોવણી હોવાનો સનસનાટીભર્યો ખુલાસો કર્યો છે. તેમણે દાવો કર્યો છે કે, આ કૌભાંડમાં ગાંધીનગરથી લઈને સ્થાનિક સ્તરે અધિકારીઓ, મંત્રીઓ અને ધારાસભ્યોને નાણાંની લેતીદેતી થઈ છે. ત્યારે ભરૂચમાં મનરેગા કૌભાંડમાં થતા આક્ષેપ પ્રતિઆક્ષેપે રાજકીય ખળભળાટ મચાવ્યો છે.
આખરે સાંસદે જાતે વાત સ્વીકારી
મનસુખ વસાવાએ જણાવ્યું કે, કૌભાંડ આચરનારી એજન્સીના પ્રતિનિધીઓએ તેમને રાજપીપળા ગેસ્ટ હાઉસમાં મળીને એક યાદી બતાવી હતી, જેમાં વિવિધ પક્ષોના નેતાઓને ચૂકવવામાં આવેલી રકમની વિગતો હતી. તેમણે ગાંધીનગરના ઉચ્ચ અધિકારીઓ અને નેતાઓ પર પણ આંગળી ચીંધીને કહ્યું, “ગાંધીનગરવાળા દૂધે ધોયેલા નથી, દીવા તળે અંધારું છે. આ કૌભાંડમાં દરેકને ટકાવારી મળી છે.” તેમણે તપાસની શરૂઆત ગાંધીનગરથી કરવાની માંગ કરી છે.
ચૈતર વસાવાનો પલટવાર
આ આક્ષેપોના જવાબમાં ચૈતર વસાવાએ મનસુખ વસાવા પર પ્રહાર કરતાં કહ્યું કે, આ કૌભાંડમાં સંડોવાયેલી જલારામ એજન્સીને ભરૂચ અને નર્મદા જિલ્લામાં લાવનારા સ્વયં મનસુખ વસાવા છે. તેમણે આરોપ લગાવ્યો કે, મનસુખ વસાવાએ આ એજન્સી સાથે નર્મદા સુગર ફેક્ટરી અને કરજણ ગેસ્ટ હાઉસ ખાતે બેઠકો કરી હતી. ચૈતર વસાવાએ માંગ કરી કે, મનસુખ વસાવા પાસેનો ડેટા અને નેતાઓના નામ જાહેર કરવા જોઈએ, જેથી કૌભાંડમાં સામેલ લોકોની રકમ સાથેની વિગતો બહાર આવે.
ચૈતર વસાવાએ વધુમાં કહ્યું કે, જ્યારે તેમણે આ કૌભાંડની વાત ઉઠાવી હતી, ત્યારે મનસુખ વસાવાએ તેનો ઇનકાર કર્યો હતો. હવે જ્યારે સાંસદે જાતે આ વાત સ્વીકારી છે, તો તેમનું અભિનંદન છે. તેમણે રાજ્યના ગૃહમંત્રી અને સરકાર પર પણ નિશાન સાધતાં પૂછ્યું, “નાના લોકો પર બુલડોઝર ફરે છે, પણ આવા મોટા કૌભાંડીઓ પર ક્યારે બુલડોઝર ફરશે?”
સાંસદ મનસુખ વસાવા ના નિવેદન પર મારી પ્રતિક્રિયા.👇 pic.twitter.com/mXBYPpYN8J
— Chaitar Vasava AAP (@Chaitar_Vasava) July 4, 2025
રાજકીય વર્તુળોમાં હડકંપ
મનસુખ વસાવાના આ આક્ષેપો અને ચૈતર વસાવાના પલટવારથી રાજકીય વર્તુળોમાં ખળભળાટ મચી ગયો છે. આ મામલે હવે તપાસની માંગ વધુ તીવ્ર બની રહી છે. મનસુખ વસાવાને આ કૌભાંડ મામલે નવો ધડાકો કરતા તે સવાલ થઈ રહ્યા છેકે, મનસુખ વસાવાને કૌભાંડના મુળીયા સુધીની ખબર હોવા છતા અત્યાર સુધી કેમ ચૂપ હતા? અને હવે કેમ બોલી રહ્યા છે? શું મનસુખ વસાવા પોતે દૂધના ધોયેલા છે ? હવે આ કૌભાંડની તપાસ ગાંધીનગરથી શરૂ થશે કે કેમ ? અને સામેલ નેતાઓના નામ બહાર આવશે કે નહીં ? તે જોવું રહ્યું.








