
Bhavanagar Crime: ભાવનગર નજીક આવેલા ભીકડા ગામમાં પ્રેમ સંબંધના વિરોધમાં માતા અને પુત્રએ મળીને ઘરમાં જ દીકરીની હત્યા કરી નાખી હતી. બાદમાં પુરાવાનો નાશ કરવા લાશને ખાલી ચેકડેમમાં ફેકી દીધી હતી. આ ઘટનાની જાણ પિતાને થતાં તેમણે પત્ની અને પુત્ર વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે બંને માતા-પુત્રને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ બનાવ અંગે વરતેજ પોલીસ સ્ટેશનથી મળતી માહિતી અનુસાર મૃતક યુવતીના પિતા હિંમતભાઈ સરવૈયા ભીકડા ગામે રહેતા અને વ્યવસાયે મજૂરીકામ કરતા જેઓએ નોંધાવેલી પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે આજથી લગભગ એક વર્ષ પહેલાં તેમની 22 વર્ષીય પુત્રી પારૂલને તેના ભાઈ પ્રકાશ દ્વારા મોબાઈલમાં ઇન્સ્ટાગ્રામ પર શિહોરના વિવેક નામના છોકરા સાથે વાત કરતાં પકડી પાડી હતી. પ્રેમ લગ્નની જીદને કારણે અવારનવાર ઝઘડા થતા હતા જેને લઈ પુત્રી પારૂલના માતા દયાબેન અને ભાઈ પ્રકાશ તેની પર ખીજાયા હતા અને વિવેક સાથે વાત ન કરવા જણાવ્યું હતું. જોકે, પારૂલ વિવેક સાથે લગ્ન કરવાની જીદ પકડીને બેઠી હતી. પારૂલના ભાઈ પ્રકાશની સગાઈ ન થતી હોવાથી પરિવારે પ્રકાશ અને પારૂલની સામસામે સગાઇ કરવાની યોજના બનાવી હતી, પરંતુ પારૂલની જીદને કારણે ઘરમાં અવારનવાર ઝઘડા થતા હતા.
ગત તારીખ 18-10-2025ના રોજ પારૂલને ફરી એકવાર વિવેક સાથે ઇન્સ્ટાગ્રામ પર વાત કરતા માતા દયાબેને પકડી લીધી હતી. ત્યાર બાદ દયાબેને પ્રકાશને કામ પરથી ફોન કરીને ઘરે બોલાવ્યો હતો. પ્રકાશ ઘરે આવતા માતા-પુત્રએ પારૂલને સમાજમાં આબરુ જશે અને અન્ય બે સંતાનોના લગ્ન બાકી હોવાની વાત કરીને સમજાવી હતી, પરંતુ પારૂલે તેમની વાત ન માની વિવેક સાથે ભાગીને લગ્ન કરવાની ધમકી આપી હતી. ત્યારે ઉશ્કેરાઈને માતા દયાબેને પારૂલને પકડી તેના મોઢા પર હાથ દબાવી દીધો. જ્યારે ભાઈ પ્રકાશ છરી વડે બહેન પારૂલના ગળા અને શરીર પર આડેધડ ઘા મારવા લાગ્યો હતો. બચાવાના પ્રયાસમાં પારૂલને હથેળી અને કોણીમાં પણ છરીના ઘા વાગ્યા હતા. વધુ પડતું લોહી વહી જતાં પારૂલનું ઘટના સ્થળે જ મોત થયું હતું. દિવસનો સમય હોવાથી લાશ છુપાવવા માટે માતા-પુત્રએ પારૂલની લાશને પ્લાસ્ટિકના તાપડામાં લપેટીને કુવા પાસે આવળના ઝાડમાં આવેલા ધોરિયામાં છુપાવી દીધી હતી. મોડી રાત્રે કોઇને ખબર ન પડે તે રીતે દયાબેન અને પ્રકાશ લાશને ગામની પાછળ આવેલા ખાલી ચેકડેમમાં ફેંક આવ્યા હતા. હત્યામાં ઉપયોગમાં લેવાયેલી છરી અન્ય જગ્યાએ ફેંકી દેવામાં આવી હતી તેમજ પ્રકાશના ટી-શર્ટ, પ્લાસ્ટિકના તાપડા અને અન્ય લોહીવાળા કપડાં સળગાવી દેવામાં આવ્યા હતા.
ગત તારીખ 18-10-2025ના રોજ પારૂલ ગુમ થયાની વાત કરવામાં આવી હતી. બીજા દિવસે તા. 19 ઓક્ટોબરના રોજ ચેકડેમ પાસેની વાડીના માલિક અજિતસિંહ ગોહિલે ચેકડેમમાં છોકરીની કોહવાઈ ગયેલી લાશ જોયાની જાણ મૃતકના પિતા હિંમતભાઈને કરી હતી. હિંમતભાઈએ દીકરીની ઓળખ કરી પોલીસને જાણ કરી હતી. જેના પગલે પોલીસે અકસ્માતે મોતની જાહેરાત કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડી હતી.
ત્યારે દીકરીની અંતિમ વિધિ પૂર્ણ થયા બાદ ઘરે સતત પોલીસની પૂછપરછથી હિંમતભાઈને શંકા ગઈ અને તેમણે પત્ની દયાબેનને પૂછપરછ કરતા સમગ્ર હત્યાકાંડની હકિકત સામે આવી હતી. દયાબેન અને પુત્ર પ્રકાશે તેમની ભૂલ કબુલી પિતા પાસે મદદ માગી હતી, પરંતુ દીકરીને ન્યાય મળે તે હેતુથી હિંમતભાઈ સરવૈયાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસે પિતા હિંમતભાઈની ફરિયાદના આધારે મૃતક પારૂલના માતા દયાબેન અને ભાઈ પ્રકાશ વિરૂદ્ધ હત્યા અને પુરાવાનો નાશ કરવા બદલ બંનેને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો:
Vadodara: નશામાં ધૂત કારચાલકે 4 વાહનોને અડફેટે લીધા, સૂતા બાળકનું મોત, લોકો ચાલકને ધોઈ નાખ્યો
AI ના દુરુપયોગને તાત્કાલિક રોકવા સુપ્રીમ કોર્ટમાં અરજી, ગોપનીયતા અને અધિકારો છીનવાઈ રહ્યા છે!
Pakistan Threat: ‘ભારત પર પરમાણુ બૉમ્બ ફેંકી દઈશું!’, પાકિસ્તાની આર્મી ચીફ મુનીરની ધમકી
Diwali Muhurat: 20 કે 21 ઓક્ટોબરે દિવાળી?, જાણી લો લક્ષ્મી પૂજા માટે શુભ સમય!








