
Bhavnagar:ભાવનગર જિલ્લાના સિહોર નગરપાલિકાના વોર્ડ નંબર-5ના ભારતીય જનતા પાર્ટીના સિમ્બોલ પર ચૂંટાયેલા મહિલા કોર્પોરેટર ઇન્દુબેન મનહરભાઈ સોલંકીએ ગઈકાલે ચીફ ઓફિસરને પોતાનું રાજીનામું સોંપી દીધું છે. આ રાજીનામાથી સિહોરના રાજકીય વર્તુળોમાં ખળભળાટ મચી ગયો છે.
સ્થાનિક સંગઠનના ત્રાસથી કોર્પોરેટરનું રાજીનામું
ઇન્દુબેન સોલંકીએ રાજીનામાનું કારણ ભાજપના સ્થાનિક સંગઠન દ્વારા અપમાન અને ત્રાસનો આક્ષેપ લગાવ્યો છે. વધુમાં, તેમણે વોર્ડ નંબર-5માં નગરપાલિકાની કામગીરીમાં ગંભીર ખામીઓનો પણ ઉલ્લેખ કર્યો છે. તેમના જણાવ્યા અનુસાર, વોર્ડમાં ડોર-ટૂ-ડોર કચરો ઉપાડવાની સેવા 8 દિવસ સુધી નિયમિત નથી આવતી અને નિયમિત સફાઈ પણ થતી નથી, જેના કારણે નાગરિકોને હાલાકીનો સામનો કરવો પડે છે. આ સમસ્યાઓના નિરાકરણ માટે તેમના પ્રયાસો સફળ ન થતાં, અંતે તેમણે રાજીનામું આપવાનો નિર્ણય લીધો.
રાજીનામું આપવા અંગે ઇન્દુબેન સોલંકીએ શું કહ્યું?
ઇન્દુબેન સોલંકીએ જણાવ્યું કે, “સ્થાનિક સંગઠનનું વલણ અને વોર્ડમાં કામગીરીનો અભાવ મને નિરાશ કરી ગયો. નાગરિકોની સમસ્યાઓ ઉકેલવા માટે હું ચૂંટાઈ હતી, પરંતુ યોગ્ય સહયોગના અભાવે મારે આ પગલું ભરવું પડ્યું.”આ ઘટનાએ સિહોર નગરપાલિકા અને ભાજપના સ્થાનિક નેતૃત્વ પર સવાલો ઉભા કર્યા છે. રાજીનામાના સમાચારથી વોર્ડના નાગરિકોમાં પણ ચર્ચાનો વિષય બન્યો છે.
આ ઘટના દર્શાવે છે કે, સંગઠનમાં ઘણા એવા હોદ્દેદારો છે જે ખરેખર પ્રજા માટે કામ કરવા માંગે છે પરંતુ સ્થાનિક નેતૃત્વ તેમને તે કરવા નથી દેતું. હવે આગામી દિવસોમાં નગરપાલિકાની કામગીરી અને રાજકીય પરિસ્થિતિ પર નજર રહેશે.
અહેવાલ : નીતિન ગોહેલ