
- 26 સપ્ટેમ્બરના રોજ આયોજીત કાર્યક્રમમાં પીએમ મોદી ઓનલાઈન જોડાશે.
- મુખ્યમંત્રી મહિલા રોજગાર યોજના અંતર્ગત પ્રત્યેક પરિવારની 1 મહિલાને સ્વરોજગારના નામે 10,000 રૂપિયા અપાશે.
Bihar Election । બિહાર ચૂંટણીમાં હાર મળે તેવી પૂરી શક્યતાઓ જોઈ રહેલાં પી.એમ. મોદી દ્વારા હવે 75 લાખ મહિલાઓનાં મત મેળવવાનો કારસો ઘડવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. સરકારી ખજાનાનાં 7500 કરોડ રૂપિયાની લ્હાણી કરવાનો કાર્યક્રમ તા. 26 સપ્ટેમ્બરના રોજ યોજાનાર છે જેમાં ઓનલાઈન હાજરી આપનાર પીએમ મોદી નાણાંની લ્હાણી કરશે. અત્રે ઉલ્લેખનિય છે કે, મુખ્યમંત્રી તરીકે સદંતર નિષ્ફળ નિવડેલાં પલટીબાજ નીતિશકુમારની નિષ્ફળતાઓ પરથી લોકોનું ધ્યાન હટાવવા માટે મોદી સરકાર પ્રજાના પૈસે પેંતરાબાજી કરી રહી છે. અગાઉ મોદીએ બિહારને આપેલા 1.25 લાખ કરોડના પેકેજમાંથી લગભગ 70 હજાર કરોડનો હિસાબ આપવામાં બિહારની નીતિશકુમાર સરકાર નિષ્ફળ રહી છે તેવાં પણ અહેવાલો સામે આવ્યાં હતાં.
બિહારમાં હાલ નીતિશકુમારની ધુંધળી છબીને ચમકાવવા માટે યેન કેન પ્રકારે સરકારી નાણાંની લ્હાણીઓ થઈ રહી છે. વિવિધ યોજનાઓના નામે બેરોજગાર યૂવાનોના ખાતામાં 5 – 10 હજાર રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવી રહ્યાં છે. જેને એક રીતે તો મત ખરીદીનો કારસો ગણી શકાય. નરેન્દ્ર દામોદરદાસ મોદી અને ગ્યાનેશ કુમાર હજી સુધી વોટ ચોરી મામલે કોઈ સ્પષ્ટતા આપી શક્યા નથી. એ માત્ર જાણ ખાતર.
બિહારના ગ્રામીણ વિકાસ વિભાગના સચિવ લોકેશ કુમાર સિંહે દરેક જીલ્લાના અધિકારીઓને પાઠવેલા પત્રમાં જણાવ્યા પ્રમાણે, રાજ્યની 75 લાખ મહિલાઓના બેન્ક ખાતામાં 10 – 10 હજાર રૂપિયા ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (ડીબીટી) ના માધ્યમથી જમા કરાવવામાં આવશે. આ મહિલાઓને કુલ 7500 કરોડ રૂપિયાનું વિતરણ કરાશે.

26 સપ્ટેમ્બરે આયોજીત કાર્યક્રમને ઉત્સવની જેમ ઉજવવામાં આવશે. માટે મોટી સંખ્યામાં લોકો તેમાં જોડાય તે અંગે પણ પત્રમાં સૂચના આપવામાં આવી છે. કાર્યક્રમનું લાઈવ પ્રસારણ કરવાની પણ ગોઠવણો કરવામાં આવશે.
મુખ્યમંત્રી મહિલા રોજગાર યોજનાનો લાભ લેવા માટે અત્યાર સુધીમાં શહેર અને ગ્રામ્ય વિસ્તારના 1 કરોડ 11 લાખ 66 હજાર મહિલાઓની અરજી સરકારને મળી છે. રાજ્યના 38 જીલ્લાઓના મુખ્યાલયમાં જીલ્લા સ્તરીય બેઠકો થશે જેમાં સ્વયં સહાયતા સમૂહ સાથે જોડાયેલી ઓછામાં ઓછી 1 હજાર મહિલાઓ ભાગ લેશે. તમામ 534 પ્રખંડોના મુખ્યાલયમાં આ કાર્યક્રમ યોજાશે, જેમાં એસએચજીથી જોડાયેલી 500 મહિલાઓ ભાગ લેશે. જીવિકાના તમામ 1680 સંકુલ સ્તરીય સંઘમાં પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે જ્યાં જીવિકા સમૂહની 200 મહિલાઓ હાજર રહેશે. જીવિકાના તમામ 70 હજાર ગ્રામ સંગઠન સ્તર પર પણ આ કાર્યક્રમનું લાઈવ પ્રસારણ થાય તેવી વ્યવસ્થા કરવામાં આવશે ત્યાં પણ પ્રત્યેક કાર્યક્રમમાં એસએચસીથી જોડાયેલી 100 મહિલાઓ ભાગ લેશે. એકંદરે, 7500 કરોડ રૂપિયા વિતરીત કરવા માટે રાજ્યભરમાં વિવિધ કાર્યક્રમો યોજીને નીતિશકુમાર સરકાર પ્રજાના પરસેવાના બીજા સેંકડો કરોડ રૂપિયાનો ધુમાડો કરશે તેવું સ્પષ્ટ જણાઈ રહ્યું છે.
મુખ્યમંત્રી મહિલા રોજગાર યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય આર્થિક રીતે નબળા વર્ગની મહિલાઓંને સમાન લાભ પહોંચાડવાનો હોવાનું કહેવામાં આવે છે. અને તેથી જ ઓનલાઈન રજીસ્ટ્રેશન પ્રક્રિયાને બહુ સરળ રાખવામાં આવી છે. જોકે, બિહારમાં નીતિશબાબુ રાજ અને દેશમાં મોદી રાજ દરમિયાન જે રીતે ભ્રષ્ટાચાર ફૂલ્યો ફાલ્યો છે ત્યારે આ 7500 કરોડ રૂપિયામાંથી પણ ભ્રષ્ટાચારીઓ પોતાનો હિસ્સો કાઢી લે તો નવાઈ નહીં. અને સરકારે ભ્રષ્ટાચાર રોકવા માટે કોઈ પગલાં લીધાં હોય તેવી કોઈ વિગતો જાણવા મળતી નથી.
એક તરફ, દેશનો બેરોજગાર યૂવાન હવે રસ્તાઓ પર આવી રહ્યો છે. ત્યારે બિહારમાં આ રીતે પ્રજાના પૈસાની લ્હાણી કરવી એ રેવડી આપવા જેવું જ છે. અને નોન-બાયોલોજીકલ નરેન્દ્ર દામોદરદાસ મોદી તેમજ તેમનાં મળતીયાંઓ દ્વારા રેવડી કલ્ચરની આકરી ટીકાઓ અગાઉ કરવામાં આવી હતી.
હવે આગામી ચૂંટણીમાં બિહારની જનતા દેશપ્રેમ દેખાડશે? કે પછી મોદીએ ચગળવા આપેલી રેવડીઓથી ખુશ થઈને આગામી પાંચ વર્ષ ફરી આ તત્વોને બિહાર લૂંટવાનું લાઇસન્સ આપશે? એ જોવાનું રહ્યું.







