
Breaking News: વડોદરા જિલ્લાના પાદરા તાલુકામાં આણંદ અને વડોદરાને જોડતો મહીસાગર નદી પરનો મુજપુર ગંભીરા બ્રિજ આજે વહેલી સવારે અચાનક તૂટી પડ્યો હતો. આ ઘટના દરમિયાન બ્રિજ પર વાહનોની અવરજવર ચાલુ હતી, અને બ્રિજનો મધ્ય ભાગ તૂટી પડતાં એક ટ્રક, એક ટેન્કર, એક બોલેરો, એક બાઇક અને અન્ય કેટલાંક વાહનો મહીસાગર નદીમાં ખાબકી ગયા હોવાની માહિતી મળી છે. આ ઘટનામાં મોટી જાનહાનીની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
અનેક વાહનો નદીમાં ખાબક્યા
આજે સવારે લગભગ 8:30 વાગ્યે બનેલી આ દુર્ઘટનામાં બ્રિજનો મધ્ય ભાગ તૂટી પડ્યો, જેના કારણે બ્રિજ પરથી પસાર થતાં ઘણાં વાહનો નદીમાં ખાબકી ગયાં. પ્રાથમિક માહિતી મુજબ, એક ટેન્કર બ્રિજ પર લટકેલી સ્થિતિમાં છે, જ્યારે અન્ય વાહનો નદીના પ્રવાહમાં ગરકાવ થઈ ગયા. ઘટનાસ્થળે સ્થાનિક લોકોનાં ટોળાં એકઠાં થયાં હતાં, અને પોલીસ તેમજ બચાવ ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પરંતુ હજુ સુધી જાનહાનિ અંગેની ચોક્કસ માહિતી પ્રાપ્ત થઈ નથી.
આણંદ અને વડોદરા જિલ્લાને જોડતો મુખ્ય ગંભીરા બ્રીજ તૂટી પડ્યો છે.અનેક વાહનો નદીમાં પડતા મોટી જાનહાનિ થઈ હોવાની શક્યતા છે. સરકારી તંત્ર તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરે અને ટ્રાફિક માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે.@CMOGuj @dgpgujarat @Bhupendrapbjp @sanghaviharsh @CollectorAnd pic.twitter.com/Xn1vIB9QEs
— Amit Chavda (@AmitChavdaINC) July 9, 2025
લાંબા સમયથી જર્જરિત હતો બ્રિજ
જાણકારી મુજબ આ બ્રિજ લાંબા સમયથી જર્જરિત હાલતમાં હોવાનું જાણવા મળ્યું છે, જેના કારણે ભારે વાહનોની અવરજવર છતાં તેની જાળવણી અંગે યોગ્ય પગલાં લેવાયા ન હોવાની વાતો સામે આવી રહી છે. ગત વર્ષે આ બ્રિજનું સમારકામ કરવામાં આવ્યું હતું, પરંતુ તેની ગુણવત્તા પર સવાલો ઉઠી રહ્યા છે.