
અહેવાલ: ડૉ. જયનારાયણ વ્યાસ
Britain-China: ડ્રગ્સ તસ્કરી અને માફિયાઓના નામો અવારનવાર માધ્યમોમાં ચમકતા રહે છે. એમનો કાળો કારોબાર આખી દુનિયામાં ફેલાયેલો છે અને ભલભલી સરકારો એમના સામર્થ્ય આગળ નતમસ્તક થઈ જાય છે. છેલ્લા કેટલાંક વર્ષોમાં ખૂબ જ શૂરવીર અને સાહસિક એવી શીખ કોમના માદરે વતન પંજાબની બેહાલી નશાકારક દ્રવ્યોનો વ્યાપ યુવાનોમાં બેફામ રીતે પ્રસર્યો તેના કારણે થઈ. આજે પણ તેનું યૌવન હતપ્રભ અને ડ્રગ્સના બંધાણીઓ તરીકેનું નિર્વીર્ય જીવન ગાળે છે. આ સંદર્ભમાં પંજાબ સરકારની પોતાના રાજ્યના યૌવનને ડ્રગ્સના રાક્ષસી પંજામાંથી મુક્ત કરવા માટેની કેમ્પેઇન પણ બહુ મોટા પાયે ચાલે છે.
ગુજરાતનું મોટું ખાનગી બંદર બન્યું કેફી દ્રવ્યોની તસ્કરી માટેનું કેન્દ્ર
આ દેશમાં નશાબંધી કેન્દ્રો મર્યાદિત છે તેમજ મનોચિકિત્સકોની સંખ્યા પણ જરૂરિયાત કરતાં ઘણી ઓછી છે તે સંયોગોમાં ડ્રગ્સનો આ કાળો કારોબાર આવતીકાલની પેઢીને બરબાદ કરી રહ્યો છે તે બાબત ચિંતાનો વિષય હોવી જોઈએ. છેલ્લા કેટલાંક સમયથી ગુજરાતનું એક મોટું ખાનગી બંદર પણ ગેરકાયદેસર રીતે કેફી દ્રવ્યોની તસ્કરી માટેનું કેન્દ્ર બનતું જાય છે અને ગુજરાતમાં પણ પંજાબની જેમ જ યુવાધન નશાના રવાડે ચઢી બરબાદીના માર્ગે આગે કદમ માંડી રહ્યું છે તે વાત કોઈ પણ ગુજરાતીને ચિંતા કરાવે તેવી હોવી જોઈએ.
ગેરકાયદેસર રીતે ઘૂસાડવામાં આવતા ડ્રગ્સની કિંમત કેટલી હશે?
આવા ગેરકાયદેસર રીતે ઘૂસાડવામાં આવતા ડ્રગ્સની કિંમત કેટલી હશે તેનો કોઈ અંદાજ મૂકી શકાય તેમ નથી, કારણ કે જે પકડાય છે તેની કિંમત પણ કરોડો રૂપિયામાં અંકાય છે અને આ રીતે પકડાતા અથવા જાણી જોઈને પકડાવી દેવાતા ડ્રગ્સ તો માત્ર કાનખજૂરાના પગ જેટલા જ છે એટલે ગુજરાતની આવતી પેઢી વિશે વિચારતા પણ કંપી જવાય છે.
મૂળ વાત પર આવીએ. એક પુસ્તક છેઃ ‘Human History on Drugs: An Utterly Scandalous but Entirely Truthful Look at History Under the Influence’, જેના લેખક શામ કેલી છે. તેમાંથી કેટલીક વિગતો અહીં રજૂ કરી છે.
અત્યાર સુધીના ઇતિહાસમાં થઈ ગયેલ ખતરનાક ડ્રગ માફિયા કોણ?
વાતની માંડણી જ ચોંકાવી દે તેવી છે. શરૂઆત એક પ્રશ્નથી થાય છે: ‘અત્યાર સુધીના ઇતિહાસમાં થઈ ગયેલ ખતરનાક ડ્રગ માફિયા કોણ?’ અને જવાબમાં કહેવામાં આવે છે કે, ‘તમે જો વિચારતા હો કે આ બહુમાન પાબ્લો એસ્કોબાર અથવા અલ શેપોના નામે છે, તો તમે ખોટા પડશો. આ ખતરનાક ડ્રગ માફિયાઓ જન્મ્યા તેના એક સૈકા પહેલા એક અત્યંત શક્તિશાળી સ્ત્રીના નામે આ વિક્રમ નોંધી શકાય તેમ છે અને આ સ્ત્રી સામે એસ્કોબાર અથવા અલ શેપો તો કોઈક શહેરની ગલીકૂચીમાં ડ્રગ વેચતા નાનકડા ઑપરેટર જેવા લાગે.’
રાણી વિક્ટોરિયા નશાકારક દ્રવ્યોનું કરતી હતી સેવન
આ સ્ત્રી ડ્રગ્સનો એવડો તો વ્યાપાર ચલાવતી હતી કે, જે આખા દેશને જરૂરી નાણાંભંડોળ પૂરું પાડતો હતો. એ સ્ત્રીનું નામ બ્રિટનની મહારાણી વિક્ટોરિયા. માત્ર 18 વર્ષની ઉંમરે રાણી વિક્ટોરિયા, જેના પરથી સૂરજ કદી આથમતો નહોતો એવા બ્રિટિશ સામ્રાજ્યની ગાદીએ આવી. રાણી વિક્ટોરિયા જાતજાતના નશાકારક દ્રવ્યોનું સેવન કરતી હતી. એના પસંદીદા ડ્રગ્સમાંનું એક અફીણ પણ હતું, પણ એ ચલમમાં ભરીને અફીણ નહોતી પીતી.
કોકેઇનનું સેવક બ્રિટનના ધનાઢ્ય વર્ગમાં ફેશન
19 મી સદીના બ્રિટનમાં ‘Laudanum’ તરીકે જાણીતા અફીણને પીવાની ફેશન હતી. ઘણા પ્રતિષ્ઠિત ડૉક્ટરો બાળકને દાંત આવતા હોય ત્યારે આ ડ્રગ્સ આપતા. રાણી વિક્ટોરિયા રોજ સવારે અફીણનો એક મોટો ડોઝ ગટગટાવી જતી. એનું બીજું પ્રીતિપાત્ર ડ્રગ્સ હતું ‘કોકેઇન.’ કોકેઇન યુરોપના બજારમાં તે સમયે પ્રવેશી રહ્યું હતું. ઈ.સ. 1800 ની આજુબાજુ કોકેઇનનું સેવક કરવું એ બ્રિટનના ધનાઢ્ય વર્ગમાં એક ફેશન હતી. રાણી વિક્ટોરિયા ચ્યુઇંગગમ અને વાઇન સાથે કોકેઇન લેતી, જે આવી કૂમળી વયે આટલા મોટા સામ્રાજ્યની ધૂરા સંભાળવા માટે તેનામાં આત્મવિશ્વાસ પૂરો પાડતી હતી. રાણી બીજા પણ કેટલાંક નશાકારક દ્રવ્યો, જેવા કે ભાંગ અને ગાંજાનું સેવન કરતી જે માસિક ધર્મ સમયે થતી પીડામાં એને રાહત આપતા.
ચીનમાંથી ચા આયાત કરવા બ્રિટન ખર્ચતું હતું આટલ રુપિયા
પ્રસૂતિ પીડામાં રાહત માટે એ સ્વૈચ્છિક રીતે ક્લોરોફોર્મનો ઉપયોગ કરતી. ક્લોરોફોર્મમાં પલાળેલો હાથરૂમાલ એ 53 મિનિટ સુધી ઢાંકી રાખતી અને એને અવર્ણનીય આનંદ આપનારો ગણાવતી. ઈ.સ. 1837 માં એનો રાજ્યાભિષેક કરવામાં આવ્યો ત્યારે એને એક પ્રશ્ન વારસામાં મળ્યો, જે શિરોવેદનારૂપ હતો. બ્રિટિશ લોકો પુષ્કળ ચા પીતા, જે ચીનથી આયાત થતી. એના સામે ચીન બ્રિટન પાસેથી ખાસ કાંઈ ખરીદતું નહોતું. લંડનમાં ઘર દીઠ આવકના પાંચ ટકા ચીનમાંથી ચા આયાત કરવા પાછળ ખર્ચાતા.
બ્રિટન ચીનને અફીણ વેચતું
બ્રિટન આ આયાત સામે એવી કોઈક વસ્તુ ચીનમાં મોકલવા માગતું હતું કે જેના ચીની લોકો બંધાણી બની જાય. આખરે એ પસંદગી અફીણ પણ ઉતરી. ટનબંધ અફીણ બ્રિટન ચીનમાં નિકાસ કરી શકે તેમ હતું, કારણ કે, એના કબજા હેઠળના ભારતમાં ખૂબ મોટા જથ્થામાં એનું વાવેતર થતું. અફીણ ગજબનું દર્દનાશક હતું, જેના માટે ચીનાઓ ગમે તે કિંમત આપવા તૈયાર હતા. આ ડ્રગ્સની બીજી એક ખાસિયત હતી એ હતી કે એકવાર કોઈ વ્યક્તિ અફીણને રવાડે ચઢે તો એ એનો બંધાણી બની જતો. બ્રિટન ચીનને અફીણ વેચતું હતું. ક્વીન વિક્ટોરિયાએ રાજ્ય સંભાળ્યા બાદ ખૂબ મોટાપાયે એણે ચીનમાં અફીણની નિકાસને વેગ આપ્યો. હવે વ્યાખારખાધ ચીન તરફ ઢળી. ચીનને આ ખ્યાલ આવ્યો. અફીણ વિરોધી કાયદા ચીનમાં હતા પણ ભાગ્યે જ એનો અમલ થતો. ચીનની સરકારે હવે આ કાયદાઓનો કડક અમલ શરૂ કર્યો. ચીનના રાજાએ આ કામ રાજ્યના દીવાન લીન જેક્સ નામના વિદ્વાનને સોંપ્યું. કોઈ પણ કિંમતે ચીનમાં અફીણની આયાત રોકવાનું કામ એણે કરવાનું હતું. આ માટે શરૂઆતમાં એણે કૂટનીતિ વાપરી પણ એ બહુ ચાલી નહીં. એણે રાણી વિક્ટોરિયાને કાગળ લખી ચીનમાં અફીણની નિકાસ ઘટાડવા માટે વિનંતી કરી પણ રાણીએ એ કાગળ કચરા ટોપલીમાં ફેંકી દીધો.
અફીણનો વ્યાપાર બ્રિટન માટે કામધેનુ
અફીણનો વ્યાપાર બ્રિટન માટે તો કામધેનુ જેવો હતો. બ્રિટિશ રાજ્યની કુલ આવકના 15 થી 20 ટકા આ વ્યાપાર રળી આપતો. જેક્સ માટે બીજો રસ્તો અપનાવવા સિવાય આરો નહોતો. એણે 25 લાખ પાઉન્ડની કિંમતનું બ્રિટીશ અફીણ દરિયામાં પધરાવી દીધું. રાણી યુવાન હતી અને બ્રિટિશ સામ્રાજ્યનો સૂરજ સોળે કળાએ તપતો હતો. એણે ચીન સાથે યુદ્ધ જાહેર કર્યું જે યુદ્ધ ઇતિહાસમાં ‘ફર્સ્ટ ઓપીયમ વૉર/ પ્રથમ અફીણ યુદ્ધ’ તરીકે જાણીતું થયું. ચીની સૈનિકોનો કચ્ચરઘાણ બોલાઈ ગયો અને બ્રિટને હજારો ચીની નાગરિકોની કત્લેઆમ કરી. ચીનના રાજા પાસે એકતરફા શાંતિકરાર સહી કરવા સિવાય બીજો કોઈ વિકલ્પ નહોતો. આ કરાર મુજબ એણે હોંગકોંગ બ્રિટિશરાજને સોંપી દીધું અને લટકામાં ચીનના બીજા બંદરોને પણ અફીણની આયાત માટે ખોલી નાખ્યા. આખી દુનિયા લાચાર બનીને આ જોતી રહી. ચીનનું રાજ્ય લાંબા સમય સુધી અજેય અને મહાબલિ ગણાતું હતું. આ ભ્રમ ભાંગ્યો. બ્રિટનની આ ટીનએજર રાણીએ ચીનની નાલેશીની છબિનો ઇતિહાસ સ્વ-હસ્તે લખ્યો. આ રીતે જગતની એક પ્રાચીન સભ્યતાને માતેલા સાંઢ જેવી એક ટીનએજર શાસકે ઘૂંટણિયે પાડ્યો. એને અસંખ્ય લોકો મરી જાય અથવા નશામાં ધૂત બને તેનાથી કોઈ ફરક પડતો નહોતો, કારણ કે, અફીણની નિકાસ થકી બ્રિટનની તિજોરી ચાંદીથી ઉભરાઈ રહી હતી. આ રાણી એવું માનતી હતી કે, કોકેઇન સલામત, આરોગ્યપ્રદ, શક્તિવર્ધક દ્રવ્ય છે, જેની કોઈ ખરાબ આડઅસરો નથી.
આ હતી અત્યાર સુધીના ઇતિહાસમાં દુનિયામાં થઈ ગયેલ સૌથી મોટા ડ્રગ માફિયા એટલે કે, બ્રિટનની રાણી વિક્ટોરિયાની વાત. આટલા મોટાપાયે કોઈ ડ્રગ માફિયાએ પોતાને સામ્રાજ્ય વિસ્તાર્યું નથી અને આજના આધુનિક યુગમાં એવી કલ્પના પણ કરી શકાય એમ નથી.
આ પણ વાંચો:
Jharkhand: ચોરીની શંકામાં મહિલા સાથે દુરવ્યવહાર, સેન્ડલની માળા પહેરાવી ગામમાં ફેરવી
Uttarakhand: હાઈકોર્ટ જતા અધિકારીઓની કાર પર પડ્યો મોટો પથ્થર, માત્ર 1 સેકન્ડ જીવ લઈ લેત
Japanese Protest: ‘જાપાનમાંથી ગેરકાયદેસર રહેતાં લોકોને બહાર કાઢો!’, મસ્કે આપ્યો ટેકો